• રવિવાર, 27 એપ્રિલ, 2025

ગિફટ સિટીમાં દરરોજનો 65 લિટર દારૂ પીવાયો

એક વર્ષમાં 3324 લિટર બિયર અને 23709 લિટરનો દારૂ વેચાતા સરકારને 94.19 લાખની આવક

અમદાવાદ, તા.24 : ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં, ખાસ ઈકોનોમિક ઝોન તરીકે વિકસાવાઈ રહેલી ગિફ્ટ સિટીમાં વિદેશી માહોલ અનુકૂળ બનાવવા માટે હોટલ અને ક્લબમાં દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે. જેમાં છેલ્લા એક વર્ષમાં ગિફટ સિટીમાં દરોરોજનો સરેરાશ 65 લિટર દારૂ પીવાયો હતો. જેના કારણે રાજ્ય સરકારને 94.19 લાખની આવક થઈ છે.

આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતે આવેલી ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ અને નેશનલ કંપનીઓના હેડક્વાર્ટર આવેલા છે ત્યારે રાજ્યસરકારે ગિફ્ટ સિટીમાં નોકરી કરતા લોકોને 23 ડિસેમ્બર, 2023થી નિયત કરેલા ધોરણો આધારે દારૂનું સેવન કરવાની છૂટ આપવામાં આવી હતી. તેમના લેખિત ઉત્તરમાં જણાવ્યા પ્રમાણે રાજ્યના નસાબંધી અને આબકારી વિભાગ દ્વારા 9 અને 10 જાન્યુઆરી, 2024ના રોજ વેસ્ટ ઇન્ડિયા રીક્રીએશન પ્રોજેક્ટ પ્રા.લી. અને ધી ગ્રાન્ડ નર્ક્યુરીને દારૂ વેચાણનું લાઈસન્સ આપવામાં આવ્યું હતું. 10 જાન્યુઆરી, 2024થી 31 જાન્યુઆરી, 2025ના એક વર્ષના ગાળામાં બન્ને ઠેકેદારો દ્વારા 3324 લિટર બિયરનું વેચાણ કરવામાં આવ્યું હતું. આમ, માત્ર એક વર્ષમાં કૂલ 23709 લિટરનો દારુ વેચાયો હતો. અર્થાત્ રોજનો સરેરાશ 65 લિટર દારૂ વેચાયો હતો. જે પેટે રાજ્યસરકારને રૂ.94.19 લાખની આવક થવા પામી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક