• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

વલસાડની ઔરંગા નદી પર નિર્મણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર તૂટયું : પાંચ શ્રમિકને ઇજા

42 કરોડના ખર્ચે બ્રિજ બની રહ્યો છે : કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તપાસના આદેશ

સુરત, તા. 12 : વલસાડની ઔરંગા નદી પરના નિર્મણાધીન બ્રિજની કામગીરી દરમિયાન આજે સવારે બાંધેલી પાલણનુ સ્ટ્રકચર તૂટી પડયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. દુર્ઘટનાને પગલે કામ કરી રહેલા પાંચ શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે જાણ થતા ફાયર વિભાગ થતા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઉપરાંત જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તપાસના આદેશ કર્યા છે. મળતી માહિતી મુજબ વલસાડના કૈલાશ રોડ ઉપર આવેલી ઔરંગા નદી પરના નિર્માણધીન બ્રિજની કામગીરી દરમિયાન આજે સવારે બે પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલણ અચાનક તૂટી પડતા કામ કરતા પાંચ જેટલા શ્રમિકોને ઇજા પહોંચી હતી. બનાવ અંગે જાણ થતા ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. દરમિયાન ફાયર વિભાગે પાંચ શ્રમિકનું રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા છે. હાલ ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી થઇ રહી છે અને અધિકારીઓએ આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, આજે સવારે આ દુર્ઘટના થઇ એમાં પાંચ લોકોને ઇજા થઇ છે. જેમાં ચાર લોકોની તબિયત સારી છે જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. શ્રમિકો ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા ત્યારે કોઇ જેકના લીધે અને લોડ બેલેન્સના કારણે આ ઘટના ઘટી છે. 42 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો હતો. બે વર્ષ રહેલાં મંજૂરી આપવામાં આવી હતી અને આવનાર એક વર્ષમાં આ બ્રિજનું કામ પૂર્ણ કરવાની મર્યાદા છે. હવે કમિટીની રચના કરીને તપાસ કરીશું જે તપાસમાં આવશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

ઇ-પેપરના નવા શુલ્ક