• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

ગુજરાત હાઈકોર્ટમાં 1.70 લાખ, જિલ્લા અને તાલુકા અદાલતોમાં 1.15 લાખથી વધુ કેસ પેન્ડિંગ

રાજકોટ જિલ્લાની કોર્ટોમાં કુલ 96 હજારથી વધુ કેસ પેન્ડિંગ : 760થી વધુ કેસ 20 વર્ષથી જૂના : કેસના નિકાલની વાર્ષિક ટકાવારી પણ 90 ટકાથી વધુ

અમદાવાદ, તા.6: ગુજરાતમાં હાઈકોર્ટ સહિતની અનેક કોર્ટમાં લાખોની સંખ્યામાં કેસ પેન્ડિંગ છે. જો કે, સામે કેસના નિકાલની વાર્ષિક ટકાવારી પણ 90 ટકા કરતા વધુ હોવાનું જાણવા મળ્યું છે. 4 નવેમ્બર 2024ની દૃષ્ટિએ ગુજરાત હાઈકોર્ટમાં કુલ 1.70 લાખ જેટલા કેસો પેન્ડીંગ છે. જે પૈકી 1.15 લાખ જેટલા કેસો દીવાની પ્રકારના છે જ્યારે 54 હજાર કરતા વધુ કેસો ફોજદારી પ્રકારના છે. ગુજરાત હાઈકોર્ટમાં કુલ 21 હજાર જેટલા કેસો 10 વર્ષ કરતા વધુ સમયથી જૂના છે. જ્યારે 200થી વધુ કેસો 25 વર્ષ કરતા પણ જૂના છે.

સમગ્ર ગુજરાતમાં આવેલી તમામ જિલ્લા અને તાલુકા કોર્ટોમાં પેન્ડિંગ કેસોની કુલ સંખ્યા 15.62 લાખ જેટલી છે. આ 15.62 લાખ કેસો પૈકી 77,000 જેટલા કેસો 10 વર્ષ કરતા જૂના છે. જ્યારે 4,641 જેટલા કેસો 25 વર્ષ કરતા વધુ જૂના છે. ગુજરાતમાં આવેલી તમામ લેબરકોર્ટમાં કુલ 41,364 જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 3,068 કેસો 10 વર્ષ કરતા વધુ જૂના અને 388 જેટલા કેસો 20 વર્ષ કરતા વધુ જૂના છે. ગુજરાતમાં આવેલી તમામ જિલ્લાની ફેમિલી કોર્ટ મળીને આશરે 54 હજાર જેટલા કેસ પેન્ડિંગ છે.

અમદાવાદ જિલ્લા કોર્ટ અને તેની અંતર્ગત આવતી તાલુકા કોર્ટોની વાત કરીએ તો કુલ 80,485 જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 8,241 કેસ 10 વર્ષ કરતા વધુ જૂના અને 1225 કેસ 20 વર્ષ કરતા વધુ જૂના છે. અમદાવાદ શહેરમાં આવેલી સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની વાત કરીએ તો કુલ 26,784 જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 2,958 કેસ 10 (વર્ષ કરતા વધુ જૂના અને 423 જેટલા કેસો 20 વર્ષ કરતા વધુ જૂના છે.

આ ઉપરાંત રાજકોટ, સુરત અને વડોદરા જિલ્લા અને તેમાં તાલુકા કોર્ટની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં આવેલી કોર્ટોમાં કુલ 96,412 જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 3600 કેસ 10 વર્ષ કરતા વધુ સમય જૂના અને આશરે 760 કરતા વધુ કેસો 20 વર્ષ કરતા વધુ જૂના છે. જ્યારે ફેમિલી કોર્ટમાં 3925 કેસ પૈકી 2 કેસ 10 વર્ષ કરતા જૂના છે. સુરતમાં જિલ્લામાં આવેલી કોર્ટોમાં 1.32 લાખ જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 6,332 કેસ 10 વર્ષ કરતા વધુ જૂના અને આશરે 1200 કરતા વધુ કેસો 20 વર્ષ કરતા વધુ જૂના છે. સુરતની ફેમિલી કોર્ટમાં 5801 કેસ પેન્ડિંગ છે. જે પૈકી 1 કેસ 10 વર્ષ જૂનો છે.

ઇ-પેપરના નવા શુલ્ક