• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

‘રેમ્પવોક’ રાજનીતિ : પગલાંના પડઘા કેવા હશે ?

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગુજરાત મુલાકાત પછી એક શબ્દ માધ્યમોમાં રમી રહ્યો  છે : ‘રેમ્પ વોક’ રાજનીતિ. સરકારથી નવી પેઢીની નારાજગી દૂર કરવા માટે હવે વડાપ્રધાન તેમની સાથે તેમની ભાષા-પરિભાષામાં વાત કરી રહ્યા છે, વર્તી રહ્યા છે તેમાં કોઈ પર્દાદારી નથી. ‘ઈન્સ્ટાગ્રામ’ ઉપર સંદેશા પાઠવવાથી લઈને દરેક પગલાં તે સતર્કતા છે કે યુવાનો નારાજ ન થાય, થયા હોય તો નારાજ ન રહે. વડાપ્રધાને વડોદરામાં લોકોનું અભિવાદન વિશાળ મંચ ઉપરથી ઝીલવાના વિકલ્પે ‘રેમ્પ વોક’ કર્યુ. 

સમયને પારખવાનું, લોકોની નાડ પારખવાનું કૌશલ્ય અહીં પ્રતાબિંબિત થયાનું અનેક લોકોને લાગ્યું છે. યુવાનો વડાપ્રધાનને જોઈને ભાવવિભોર થયા તેના વીડિયો-ફોટો પણ મહત્તમ લોકો સુધી પહોંચ્યા. જેમને ટીકા કરવી છે તેમને તો આમાંથી પણ મુદ્દા મળી રહેશે. તેઓ તો કહેશે રાજકારણનું મનોરંજન છે આ. પરંતુ એવું નથી, આ એક પ્રકારે મનોમંથન છે. વડોદરા અને નવસારીની વડાપ્રધાનની મુલાકાત પછી કેટલીક બાબતો ઉભરી છે તે એ છે કે તેમણે યુવાનોને દેશના વિકાસની સ્થિતિ અને ગતિથી વાકેફ કરવાનો પ્રયાસ કર્યો છે. ભાજપ અને વડાપ્રધાનની સ્વાભાવિક ચિંતા એ છે કે પરીક્ષા, ‘પેપરલીક’ જેવા મુદ્દે યુવાનોની જે મન:સ્થિતિ છે તેનો ગેરલાભ વિપક્ષો લઈ ન જાય. નારાજગી વિરોધમાં અને વિરોધ વિદ્રોહમાં પરિવર્તિત ન થાય તે જરૂરી છે.

રાષ્ટ્રના સંદર્ભે ભવિષ્યમાં ભાજપના જે કંઈ પણ ‘આયોજન’ છે તેને પૂરા કરવા, પાર પાડવા માટે યુવા પેઢીની જરૂર તેને પડવાની. તેમણે નવસારીમાં કહ્યું કે ‘માવા-ફાકીની આદત છોડી દો.’ આ વાતમાં તેમણે સંદર્ભ સૌરાષ્ટ્રનો આપ્યો અને ગંદકી ન કરવી તે પણ રાષ્ટ્રપ્રેમ છે તેવો સંકેત આપ્યો. તેમણે કહ્યું, ‘ભારત માતા કી જય બોલે અને પછી પાનની પિચકારી મારે...’ સ્વચ્છતા વિશે તેમણે યુવાનો જાગૃત થવા કહ્યું. કોંગ્રેસની સરકાર 10 વર્ષમાં 50000 ટોઈલેટ બનાવી શકી નહીં તેવું કહીને તેમણે વર્તમાન સરકારની વિકાસલક્ષી રાજનીતિનો નિર્દેશ યુવાનો

સમક્ષ કર્યો.

વડોદરા કાર્યક્રમ માટે પહેલીવાર ‘ક્યુઆર’ કોડથી પ્રિ-રજિસ્ટ્રેશન સિસ્ટમ રાખવામાં આવી અને હજારો યુવાઓ ઊમટી પડયા. ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમનાં કેન્દ્રમાં યુવાનો જ હતા. તેમણે કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઇ) ડેટા સેન્ટર, ‘ઇલેક્ટ્રિક ઇકો સિસ્ટમ’ અને સૌર ઊર્જા જેવા આધુનિક વિષયો પર વિસ્તારથી વાત કરી.

‘અમે ચીપથી લઈને શિપ સુધી બધું બનાવ્યું’ તેવું વડાપ્રધાને કહ્યું, દરેક સભા કે રેલીમાં તેઓ આ વાત કરતા હોય પરંતુ યુવાનોનો સમુદાય મોટો હતો ત્યાં તેમણે આ વાત કરી જેથી આ પેઢીને પણ એવી આશા જાગે કે સરકાર આપણા માટે પણ કંઈક કરી રહી છે. રાહુલ ગાંધીને ‘નારાજ ફૂફાજી..’નું વિશેષ આપીને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સ્પષ્ટ કર્યું કે યુવાનોએ ભ્રામક વાતોમાં આવવું જોઈએ નહીં.  ‘જૂઠની ગૂંજથી ભરમાવવા વાળા દરેક ચોકે મળશે તેવું તેમણે કહ્યું તેનો સ્પષ્ટ અર્થ છે કે યુવાનો ગેરમાર્ગે ન દોરાય તેવી તેમને ચિંતા છે.’  ડેડિકેટેડ ફોર્થ કોરિડોર, માલગાડીની સફરની અવધિ, રેલવે ક્ષેત્રની રોજગારીની વાત વડાપ્રધાને કરી.

યુવાનોના સમૂહ સહિત મેદનીને સંબોધતાં વડાપ્રધાને રેલવે કોચની વાત પણ કરી અને ગતિશક્તિ યુનિવર્સિટીનું લોકાર્પણ પણ કર્યું. જેન ઝી સાથે વડાપ્રધાનને નિકટતાભર્યો સંબંધ છે તેવા સંકેતો સ્થાપિત થયા. ‘રેમ્પવોક’ કર્યું તેમાં વાંધો ન હોય અને યુવાનોને વિકાસની વાત કરી તે પણ આવશ્યક છે. દેશની ગતિવિધિથી તેઓ અવગત રહે, કારકિર્દીની સાથે વિકાસ અંગે જાણે તે દૃષ્ટિકોણ રહ્યો હોય પરંતુ ‘પેપરલીક’, સ્પર્ધાત્મક પરીક્ષાઓના સુધારનો અમલ, રોજગારીની ખાતરી, યુવાનોને સુરક્ષિત સામાજિક અને વ્યાવસાયિક ભવિષ્યની ગેરેન્ટી તે સૌથી અગત્યની બાબત છે.

બદલાતી દુનિયાનો હવાલો આપીને  મોદીએ યુવા પેઢીને ટેકનોલોજી અને ખાસ તો એઆઇમાં પારંગત બનવાની સલાહ આપી છે. તેમનું કહેવું સાચું છે કે, એઆઇ શીખવવાની જરૂરત ફક્ત આઇ.ટી. ક્ષેત્રમાં જ હોય એવું નથી. ખેતી, આરોગ્ય, મેન્યુફેક્ચરિંગ, એડિટિંગ, લેખન અને બધા માટે ઉપયોગી છે. વડાપ્રધાને ગુજરાત ઉપરાંત મુંબઇમાં ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ’ ખાતે આયોજિત વૈશ્વિક સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. જાપાનની એક રેટિંગ એજન્સીએ ભારતીય અર્થતંત્રનું સોવરેન રેટિંગ ‘એ’ કક્ષામાં અપગ્રેડ કર્યું તેના ઉલ્લેખ સાથે વડાપ્રધાને કહ્યું કે, ભારતની પ્રગતિ દુનિયાને નવા વિશ્વાસનું સિંચન કરી રહી છે.        

થોડા મહિનાઓમાં ઉત્તરપ્રદેશ, પંજાબ જેવાં રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ગુજરાતમાંય એક વર્ષ માંડ બાકી છે, ત્યારે મોદી વ્યૂહાત્મક રીતે જનતાનો ભરોસો અકબંધ રાખવા પ્રયત્નશીલ છે. ‘પેપર લીક’, બેરોજગારી જેવા મુદ્દાઓથી નારા જ એ જ રીતે જેન-ઝીને પાંખમાં લેવાનોય હેતુ છે. લોકોનો એવો વિશ્વાસ પ્રસ્થાપિત કરવા માગે છે કે, વૈશ્વિક અસ્થિરતાના દોરમાં દેશનું નેતૃત્વ મજબૂત હાથોમાં સુરક્ષિત છે.

ગુજરાતમાં તેમણે આપેલાં ભાષણોમાં સામાજિક જાગૃતિ, રાષ્ટ્રનો વિકાસ સહિતના મુદ્દા કહ્યા. આ બધી વાતો ઉપર જનતાને અત્યાર સુધી વિશ્વાસ છે તે ટકાવી રાખવો હોય તો યુવાનો માટે ભવિષ્યનો રસ્તો પણ ‘રેમ્પ’ જેવો રેડકાર્પેટ વાળો, સમથળ અને વિકાસલક્ષી બનાવવો પડશે. ‘રેમ્પવોક’થી શક્ય છે કે યુવાનો સરકારથી નજીક આવે, વડાપ્રધાનની વાતથી તેઓ વિકાસલક્ષી યોજનાથી વાકેફ થાય. બીજી શક્યતા એ પણ ખરી કે તેઓ એવું વિચારે કે બધું સાચું પરંતુ અમારી મૂળભૂત સમસ્યાનું શું? આ પ્રશ્નના જવાબ માટે ફક્ત વડાપ્રધાન નહીં, આખી સરકાર, પ્રશાસન, આનુષંગિક સંસ્થાઓની પણ તેમાં ભૂમિકા હોવી જોશે. રાજનીતિ પદયાત્રાની હોય કે ‘રેમ્પવોક’ની, તે તો ફક્ત સ્વરુપ છે, રાષ્ટ્રનીતિ વધારે અગત્યની છે.

ઇ-પેપરના નવા શુલ્ક