• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

ગાબડાં દેખાય છે તો પૂરાશે ક્યારે ?

દેશના આંતરિક રસ્તાઓના નિર્માણમાં થતી ગેરરીતિઓ, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની સાંઠગાંઠનો સ્વીકાર માર્ગ પરિવહનમંત્રી નીતિન ગડકરીએ પુન: એકવાર કર્યો છે.  આ સાંઠગાંઠના ભાગરુપે જ ટેક્નિકલ યોગ્યતા અને ચૂકવવાના પૈસા નક્કી થાય છે તેવું પણ તેમણે કબૂલી લીધું. મંત્રીની નિખાલસતા કાબિલ એ દાદ છે કે કોન્ટ્રાક્ટર્સ સરકારી નિયમોના ગેરલાભ લેવામાં સફળ રહે છે. જો કે આવું તેમણે પહેલાં પણ કહ્યું છે. હવે સવાલ એ છે કે જે ક્ષતિની તેમને જાણ છે કે તેઓ કબુલે છે તેનું નિરાકરણ ક્યારે થશે

એક વિક્રમજનક અવધિ છે તેમની, કારણ કે માર્ગ પરિવહન મંત્રાલય જેવો મહત્વનો વિભાગ તેઓ 12 વર્ષથી સંભાળી રહ્યા છે. સ્વાભાવિક રીતે તેઓ પોતાના મંત્રાલય, તેની ગતિવિધિઓનો ઊંડો અનુભવ હવે ધરાવતા હોય પરંતુ તો પછી આ નબળાઈઓ દૂર કરવાના કામને શા માટે પ્રાથમિકતા અપાતી નથી, વધતા અકસ્માતો, મુસાફરોના મૃત્યુ, રસ્તાના નિર્માણમાં થતા વિલંબને લીધે આ મંત્રાલય સતત ચર્ચામાં રહે છે.

છેલ્લા દાયકામાં માર્ગનિર્માણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે તેમાં કોઈ સંશય નથી. દેશના ભિન્ન પ્રાંતોને માર્ગોએ જોડયા છે. મુસાફરીની અવધિ ઘટાડી નાંખી છે. જામનગરથી છેક અમૃતસર પહોંચાય છે. રાજ્ય કે રાષ્ટ્રીય માર્ગો-એક્સપ્રેસ હાઈ-વેની પહોળાઈ, તેની લાઈટ્સ અને ટ્રાફિકના સંકેતો સહિતની બાબતો હવે ઉલ્લેખનીય છે. મોટા મોટા પુલ બની રહ્યા છે. કંઈ નથી થતું તેવું નથી પરંતુ એક પ્રશ્ન ગુણવત્તાનો છે અને બીજી બાબત છે કામમાં થતો વિલંબ. રાજકોટ-જૂનાગઢ હાઈ-વેનું કામ સાત વર્ષથી ચાલે છે. આવા માર્ગ જ્યાં જ્યાં બની રહ્યા છે ત્યાં આ સમસ્યા હશે પણ ખરી. સારું કામ થઈ રહ્યું છે સાથે સમસ્યા પણ અણઉકેલ છે.

મંત્રીએ એવું કબુલ્યું કે ડીટેઈલ પ્રોજેક્ટ રીપોર્ટ આપનાર સલાહકાર (કન્સલટન્ટ)ની જવાબદારી આ દુર્ઘટનાઓ માટે છે પરંતુ તેથી શું, જો એવું હોય તો પગલાં લેવાની જવાબદારી પણ સંબંધિત વિભાગની છે. રસ્તાના નિર્માણ સાથે અનેક મુદ્દા સંકળાયેલા છે. નવા બનેલા રસ્તા ઉપર ગાબડાં કે રસ્તા ધોવાઈ જવાની ઘટના પણ બને છે.  રસ્તાની લંબાઈ, તેનો વ્યાપ વધ્યો છે. દેશ એ રીતે જોડાઈ રહ્યો છે પરંતુ ગુણવત્તાનો પણ પ્રશ્ન છે. નીતિન ગડકરીએ કોન્ટ્રાક્ટર્સને બ્લેક લિસ્ટેડ કરવાની ચેતવણી પણ આપી છે પરંતુ તેની અસર નથી. સારાં કામ થઈ રહ્યા છે. નોંધ નબળાં કામની વધારે લેવાય.

એવું પણ બને છે કે બ્લેકલિસ્ટ થયેલી કંપનીઓ નામ બદલીને ફરી ટેન્ડર ભરે, કોન્ટ્રાક્ટ લે. પેટા કોન્ટ્રાક્ટના નિયમો બદલવાનો સંકેત ગડકરીએ આપ્યો. જે પગલાં લેવાય તે સારું, એ પણ સાચું કે વિકાસ અથવા કોઈ પણ આવા કામ નિરંતર પ્રક્રિયા છે. પરંતુ સુધારો એક તબક્કે દેખાવો જોઈએ. માર્ગનું માળખું વિકસ્યું અને વિસ્તર્યું છે તે સત્ય છે સામે તેની ક્ષતિઓ પણ છે. મંત્રી સ્વયં તે સ્વીકારે તે સારી વાત છે હવે બસ તે ક્ષતિના નિરાકરણ- નિવારણની યાત્રા શરૂ થાય તે જરૂરી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક