ડોનાલ્ડ
ટ્રમ્પે ભારતની ચૂંટણી વ્યવસ્થાના વખાણ કરતા કહ્યું છે કે, અમેરિકામાં પણ મતદાન માટે
ફોટો ઓળખપત્ર ફરજિયાત કરવું જોઈએ. ટ્રમ્પની સ્ટાઈલ પ્રમાણે જ તેમની નજર અને નિશાન અલગ-અલગ
છે. માકિંગ અમેરિકા ગ્રેટ અગેઈનના પોતાના એજેન્ડાને આગળ વધારવામાં ટ્રમ્પ અન્ય દેશોમાંથી
આવી અમેરિકામાં વસી ગયેલાઓને વીણી-વીણીને સાફ કરવા માગે છે. અમેરિકામાં લાંબા સમયથી
ચર્ચા ચાલી રહી છે કે, મતદાન માટે ઓળખ અને નાગરિકત્વનો સબળ પુરાવો આપવો આવશ્યક છે કે
નહીં? આથી, તેઓ સેવ અમેરિકા ઍક્ટ નામનો કાયદો લાવવા માગે છે, જેની જોગવાઈ મુજબ મતદાર
તરીકે નોંધણી કરવા માટે યુએસ નાગરિકત્વનો પુરાવો આપવો ફરજિયાત બનશે. ટ્રમ્પને એકાએક
ભારત કે અહીંની ચૂંટણી વ્યવસ્થા માટે પ્રેમ ઉભરાઈ આવ્યો નથી. તેઓ તો વિશ્વના સૌથી મોટા
લોકતંત્રનો દાખલો આપી પોતાનો કક્કો ખરો કરવા માગે છે કે, આ કંઈ એકલા રિપબ્લિકનોની માગ
નથી, આવી પ્રથા અન્ય એક વિશાળ લોકતંત્રમાં અમલમાં છે. ટ્રમ્પે એક વાત પર ભાર આપ્યો
છે કે ભારતમાં છેલ્લી લોકસભા ચૂંટણીમાં 64.6 કરોડ લોકોએ મતદાન કેન્દ્ર પર આવી મતદાન
કર્યું અને માત્ર એક ટકા લોકોએ પૉસ્ટલ બૅલટથી પોતાનો આ હક બજાવ્યો.
ગત
12મી અૉગસ્ટે અમેરિકન રાજદૂત સર્ગિયો ગોર અને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર
વચ્ચે નવી દિલ્હીના ચુનાવ આયોગ કાર્યાલયમાં મુલાકાત થઈ, એ વખતે જ્ઞાનેશકુમારે આશ્ચર્ય
વ્યક્ત કર્યું કે, ફોટો આઈ-કાર્ડ વિના ચૂંટણી કેવી રીતે કરાવી શકાય? ટ્રમ્પે આ વાતચીતને
આધાર બનાવી મતદાન સંબંધી નિયમો વધુ કડક કરવાની આવશ્યકતા પર ભાર આપ્યો છે. અમેરિકામાં
મતદાનનો અધિકાર દાયકાઓ સુધી એવી બાબત રહી છે, જેમાં રંગભેદ અને અશ્વેતોને અન્યાયનો
લાંબો ઇતિહાસ છે. ટ્રમ્પ-વિરોધીઓની દલીલ છે કે, રાષ્ટ્રપ્રમુખ ફરી મતદાર નોંધણીમાં
ભેદભાવને સેવ અમેરિકા કાયદા દ્વારા પાછલા બારણેથી ઘુસાડવા માગે છે. આ કાયદા મુજબ, મતદાર
તરીકે નોંધણી કરાવતા પહેલાં વ્યક્તિએ પોતે યુએસ સિટિઝન છે, એનો દસ્તાવેજી પુરાવો આપવાનો
રહેશે. અત્યારે આ નોંધણીમાં દસ્તાવેજી પુરાવા પર બહુ ભાર અપાતો નથી, એવી દલીલ ટ્રમ્પના
પક્ષની છે. જોકે, ડેમોક્રેટ્સ સેવ અમેરિકા કાયદાના વિરોધમાં છે, તેમની દલીલ છે કે,
ફેડરલ કાયદો આમ પણ નાગરિક ન હોય એવી વ્યક્તિને મતદાન કરવાની છૂટ આપતો નથી. પણ રિપબ્લિકનોની
દલીલ છે કે, મતદાર નોંધણી પ્રક્રિયામાં વ્યક્તિના સેલ્ફ-ડિક્લેરેશન કરતાં દસ્તાવેજી
પુરાવાને મહત્ત્વ આપવું જોઈએ.
આ ખરડો
પસાર કરાવવાનું સંખ્યાબળ સેનેટમાં ટ્રમ્પ પાસે નથી. એક તો મહત્ત્વના ખરડા પસાર કરવા
માટે સેનેટમાં 60 મતોની જરૂર પડે છે, પણ રિપબ્લિકન્સની તરફેણમાં 53 મતો જ છે. આથી,
ટ્રમ્પ અને રિપબ્લિકન પક્ષના માંધાતાઓનો ટેકો હોવા છતાં આ ખરડા સામે પડકાર તો છે જ.
બીજું, નવેમ્બરમાં યુએસમાં વચગાળાની ચૂંટણીઓ છે અને એ પહેલાં જ ટ્રમ્પે મતદાન સંબંધી
આ મુદ્દો ઉપાડયો છે, જેથી ચૂંટણીમાં લોકજુવાળ પોતાની તરફેણમાં વાળી શકાય અને સેનેટમાં
સંખ્યાબળ વધારી શકાય. ટ્રમ્પે ભારતનો ઉલ્લેખ ભલે કર્યો હોય પણ તેમનો ઇરાદો તો ઘરઆંગણે
પોતાનો પગદંડો મજબૂત કરવાનો જ છે.