• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

નકલી દારૂ, નકલી કાર્યવાહી, સાચા મૃત્યુ

બનાવટી દારૂ ભાવનગર વિસ્તારમાં ફરી એકવાર છ જિંદગી ભરખી ગયો. પોલીસે ગામ દેખાડા માટે તાત્કાલિક કેટલાંક પગલાં તો ભરી લીધા પરંતુ આવો દારૂ વેંચતા બુટલેગરોના હાથ તોય બંધાતા નથી. ઝેરનો વેપલો કરનારા બુટલેગરો સુધી કાનૂનના લાંબા કહેવાતા હાથ પહોંચી શકતા નથી, આવા કિસ્સામાં તે શરાબના જથ્થા કે તેની હેરફેર માટે ઉપયોગમાં લેવાતા વાહન સુધી જ પહોંચે છે. લઠ્ઠો કે દેશી દારૂ કે વિદેશી બ્રાન્ડના દારૂની બોટલમાં વેચાતો નકલી દારૂ થોડા થોડા સમયે પરિવારના માળા પીંખે છે, દારૂબંધીની વાતો વચ્ચે ગુજરાતમાં જ્યાં, જ્યારે જોઈએ, જેટલો જોઈએ તેટલો દારૂ મળે છે તે પછી ગિફ્ટસિટી ન હોય તોય ભલે.

ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી ગામે બુધવારે બનેલી ઘટના ગંભીર છે. શરાબની એક જાણીતી બ્રાન્ડની બોટલમાં 39 ટકા જેટલું મિથેનોલ- ઝેરી કેમિકલનું મિશ્રણ કરીને તેનું વેચાણ થતું હતું. એક તો શરાબ વેંચવો તે જ ગેરકાનુની છે અને વળી તેમાં પણ ભેળસેળ. ગુના કરવામાં કોઈને પાછળ નથી રહેવું, પનીર હોય કે દારૂ બધું નકલી વેંચવું છે. આ પ્રકારે વેંચાતો દારૂ પીવાને લીધે ગણતરીના કલાકોમાં 6 વ્યક્તિના મૃત્યુ થયા. ફરીથી એ જ સીન ભજવાયા. હોસ્પિટલમાં દોડાદોડી, પોલીસતંત્ર જાગ્યું. ચાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ થયા. મુખ્ય બુટલેગર સહિત 21 સામે ગુનો નોંધાયો છે. હવે મૃતકના પરિવારજનને આર્થિક સહાય ચુકવવામાં આવશે.

કમનસીબી એ છે કે આવું પ્રથમવાર બન્યું નથી. 2022માં બોટાદના બરવાળામાં ઝેરી દારૂ પીવાથી 22 નશાખોરોના મૃત્યુ થયા હતા. 2009ના જુલાઈમાં  અમદાવાદના બહેરામપુરા અને મજુરાગામમાં ઝેરી દારુ પીવાને લીધે 136થી વધારે લોકોના મૃત્યુ થયા હતા. તે સમયે સરકારે આવા કિસ્સાના ગુનેગારો માટે ફાંસીની સજાની જોગવાઈ કરી હતી, જેનો અમલ થયો નથી, ઝેરી દારૂ વેંચાય છે. 1991માં અમદાવાદના કાલુપુર-દરિયાપુર વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી 100 શ્રમિકો મર્યા હતા. 1990માં રાજકોટના આજીડેમ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં રહેતા 29 માણસોને કોલન વોટરની ભેળસેળ વાળો દારૂ ભરખી ગયો હતો. 1989માં વડોદરામાં મિથેનોલ વાળા દારૂને લીધે 132ના અને 1977માં અમદાવાદમાં 101ના મોત થયા હતા. પચાસ વર્ષથી સમયાંતરે આવી ઘટના બનતી રહે છે.

આને લઠ્ઠાકાંડ કહો કે કેમિકલ કાંડ, પરંતુ માનવજીવન માટે અત્યંત જોખમી છે. ‘નશો કરવો જોઈએ નહીં’, ‘વ્યસન મારી નાંખે’, ‘તમાકુ, સિગારેટ કે દારૂ નુકસાન કરે’ તેવી જાગૃતિની જાહેરાતોની અસર થવી જોઈએ તેમના ઉપર થાય છે કે નહીં તે પ્રશ્ન છે. લોકજાગૃતિ એક મુદ્દો છે, પોલીસની સતર્કતા બીજી વાત છે. પોલીસ સતર્ક નથી એવું નથી, પોલીસને ખબર છે જ કે ક્યાં શું ચાલે છે! ગુજરાતની દારૂબંધી અસરકારક નથી તે અજાણી વાત નથી. લાખો રૂપિયાનો શરાબ પકડાય છે તેની વિગત જાહેર થાય છે, કરોડોનો પીવાય છે તેની વાત કોઈ કરતું નથી. દારૂબંધીનો અમલ કરવાની જો પોલીસ પ્રશાસનની દાનત હોય જ તો કામ તેના માટે અઘરું નથી. દસ લાખનો દારૂ પકડી શકે તે પોલીસ એક કરોડનો દારૂ પણ જપ્ત કરી શકે જ. પોલીસે પ્રલોભનને બદલે કોઈના પરિવારની સલામતી તરફ ધ્યાન આપવું જોઈએ, ડર ‘ઉપરવાળા ઈશ્વર’નો જ રાખીને કામ કરે તો ગુજરાત પોલીસ માટે દારૂનું દૂષણ  ડામવાનું કામ અધરું નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક