‘પત્નીએ પતિવ્રત લેવું, પતિએ પત્નીવ્રત લેવું તેવી પૂણ્ય પ્રતિજ્ઞા એટલે લગ્ન.’ ગુજરાતના પ્રખ્યાત કવિ ન્હાનાલાલની આ ઉક્તિ જાણે સુપ્રીમ કોર્ટના જજની એક બેન્ચે ક્યાંક, ક્યારેક સાંભળી હોય તેવો એક ચુકાદો તાજેતરમાં આવ્યો છે. ‘મારી પત્ની ગૃહકાર્ય નથી કરતી તેથી મારે છુટાછેડા જોઈએ છે’ તેવી એક માગણી અંગે સુનાવણી અને કેસનો નિર્ણય આપતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે પુરુષ નોકરાણી સાથે લગ્ન નથી કરતા, પત્ની પણ આખરે વ્યક્તિ છે, માનવી છે. તે ઘરકામ ન કરે તે છુટાછેડાનું કારણ ન હોઈ શકે. કોર્ટના આ ચુકાદાએ એક મોટો સામાજિક સંદેશ આપ્યો છે. પતિ-સાસરિયાંને પરિવર્તનની માનસિકતા તરફ દોર્યાં છે.
2017માં
લગ્ન થયા પછી એક પુરુષે કોર્ટમાં હમણા છુટાછેડાની અરજી કરી અને કહ્યું કે પત્નીનું
વલણ થોડા સમયથી બદલાઈ ગયું હતું. તે રસોઈ નથી બનાવતી, ઘરના કામ નથી કરતી મારા-માતા
પિતા સાથે દુર્વ્યવહાર કરે છે. સર્વોચ્ચ અદાલતે આ અરજદાર પતિને ઠપકો આપ્યો અને કહ્યું
કે ‘હવે સમય બદલાયો છે. પત્ની ફક્ત રસોડાંમાં
અને ઘરમાં કામ જ કરે તેવું નથી. પુરુષ સ્ત્રી સાથે લગ્ન કરે છે, નોકરાણી સાથે નહીં.’ પત્નીને ગૃહકાર્યમાં સહયોગ કરવા સર્વોચ્ચ અદાલતની
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે સલાહ આપી છે. કોર્ટની સલાહ કે ઠપકો
મહત્વના છે અને ઘણા અંશે સાચા પણ છે.
વર્ષોથી
એક રુઢિ છે કે ઘરનું કામ, રસોઈ તે બધું ઘરની સ્ત્રી જ કરે. દીકરી હોય કે પત્ની આ જવાબદારી
તેની જ હોય છે. વ્યવસાયી સ્ત્રી હોય કે ગૃહિણી હોય તેની આ મુખ્ય જવાબદારી રહે છે. કોર્ટે
એમ નથી કહ્યું કે સ્ત્રીએ કામ ન કરવું, જે ચુકાદો આવ્યો તેનો સાર એ છે કે ઘરનું કામ
કરવાની જવાબદારી ફક્ત સ્ત્રીની નથી. પુરુષે તેને સહયોગ કરવો જોઈએ. બધાં કામ સ્ત્રી
કરે તે સમય હવે ગયો. ઘર સંભાળનાર સ્ત્રીનો દરજ્જો નોકરાણીનો- કામવાળીનો નથી. ઘરનું
કામ ન કરવું તે સ્ત્રી તરફથી આચરવામાં આવતી ક્રૂરતા નથી. સર્વોચ્ચ અદાલતે આ વાત ન કહી
હોય તો પણ આ વિચાર હવે થવો જોઈએ અને શિક્ષિત- સંસ્કારી પરિવારમાં તો વિચાર નહીં તેનો અમલ પણ થવા લાગ્યો
છે. સ્ત્રી રસોડાંની નહીં, ગૃહરાણી છે. એક મોટો વર્ગ હજી છે જ્યાં સ્ત્રીને ફક્ત કામ
કરવાની જવાબદારી છે, ઘરના મહત્વના નિર્ણયોમાં કે તેની ચર્ચામાં સામેલ કરવામાં આવતી
નથી. હવે આ વલણ બદલાવવું જરુરી છે. એવા પતિ પણ છે જેઓ પત્નીને રસોડાં સહિતના કામમાં
શક્ય તેટલી સહાય કરે છે. આપણું પરંપરાગત સામાજિક માળખું એવું રહ્યું છે કે પુરુષ આર્થિક
ઉપાર્જન કરે અને મહિલા ગૃહસ્થી સંભાળે. એટલે પુરુષ જો નોકરી-વ્યવસાયમાં વધારે સમય આપે
તો તે ઘરનું કામ ઓછું જ કરી શકશે. આ સ્થિતિમાં પરિવર્તન આવ્યાને પણ એક અરસો થયો. સ્ત્રી
પણ વ્યવસાય- નોકરી થકી આર્થિક યોગદાન આપે છે. આવા પરિવારમાં પુરુષ તેને સહયોગ કરે છે, ઉપરાંત સંયુક્ત
કુટુંબ પ્રથા પણ ઓછી થઈ તેમ તેમ પુરુષના સહયોગનું પ્રમાણ વધ્યું છે છતાં તે હજી વ્યાપક
નથી. અહીં તો સાવ ઊલટી જ વાત હતી, કામ ન કરવાને પતિએ ક્રૂરતા ગણાવી તે અદાલતની દૃષ્ટિએ
પણ યોગ્ય નથી, સમાજની દૃષ્ટિએ પણ નથી. સ્ત્રી જ પતિવ્રતા હોય તેવી અપેક્ષા છોડી હવે
પુરુષ પણ પત્નીવ્રતા બને તે સમય છે.