• ગુરુવાર, 19 માર્ચ, 2026

દત્તક સંતાન પણ ‘દેવના દીધેલ’ જ ગણાય

કોઈ સ્ત્રી કે દંપતી દૈહિક રીતે માતા-પિતા ન બને પરંતુ ત્રણ માસથી મોટું બાળક પણ જો તેઓ દત્તક લે તો માતાને 12 સપ્તાહની માતૃત્વ રજા મળવી જોઈએ તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે. સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયને સર્વત્ર આવકાર મળ્યો છે. ચુકાદાથી એ પણ સ્પષ્ટ થાય છે કે સમાજે પણ જૈવિક સંતાન અને દત્તક સંતાન વચ્ચે ભેદ જોવો કે રાખવો જોઈએ નહીં. સંતાન આખરે સંતાન છે. દત્તક સંતાન હોય એટલે તેના ઉછેર કે પાલનમાં કોઈ ઓછપ હોવી જોઈએ નહીં, માતા-પિતાની જરૂર તો તેને પણ પડે.

સમાજના વિવિધ વર્ગ અત્યારે આંતરજ્ઞાતિય લગ્નના વિરોધમાં રમમાણ છે, જ્ઞાતિ આધારિત સામાજિક-ધાર્મિક સંસ્થાઓ રાજકીય હિત સાધવામાં અને બધા પદ ઉપર પોતાના સમાજના લોકોને બેસાડવાના સંમેલનોમાં વ્યસ્ત છે તે વેળાએ દેશની સર્વોચ્ચ અદાલતે દત્તક લેવાતા બાળની સંભાળ માટે બહુ ઉમદા વાત કરતાં કહ્યું છે કે દત્તક લેવાયેલા બાળકની કાળજી પણ પરિવારમાં જન્મેલા બાળકની જેમ જ લેવાવી જોઈએ. અત્યાર સુધી એવી વ્યવસ્થા હતી કે જો ત્રણ માસથી નાની વયનું બાળક દત્તક લેવામાં આવે તો જ તેની પાલક માતાને રજા મળતી. હવે દત્તક લીધેલાં મોટાં બાળકની સંભાળ માટે પણ 12 સપ્તાહની રજા મળવાપાત્ર છે. કોર્ટ પણ કેટલું સંવેદનાત્મક રીતે વિચારી શકે છે તેનું આ ઉત્તમ દૃષ્ટાંત છે. કોર્ટે એવું કહ્યું કે ઉછેર-સંભાળ માટેનો જે ભાવનાત્મક લગાવ છે તે ઉમર ઉપર નિર્ભર નથી. બાળકને દત્તક લેનારી માતા-સ્ત્રીને રજાથી વંચિત રાખવા તે સમાનતા અને જીવવાના અધિકારના કાયદાનું ઉલ્લંઘન છે. હંસા નંદિની નદૂરી નામની મહિલાએ કરેલી કાનૂની અરજી સંદર્ભે સર્વોચ્ચ અદાલતની જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મહાદેવનની બેન્ચે સામાજિક સુરક્ષા કોડ 2020થી જોડાયેલા મુદ્દે સુનાવણી કરી રહી હતી. તેમાં તેમણે દત્તક લેવાયેલા બાળકની ઉંમર 3 માસથી ઓછી હોવાના નિયમને રદ કર્યો છે. સાથે જ પિતૃત્વની રજાની પણ ભલામણ કરી છે.

કોર્ટે સ્વીકાર્યું કે કોઈ દંપતી ત્રણ માસથી વધારે ઉંમરનું બાળક દત્તક લે તો પણ તેને રજાનો અધિકાર છે. જેને ચુકાદો નહીં પરંતુ દર્શન કહી શકાય તે પ્રકારનું કોર્ટનું વિધાન એ છે કે ‘પરંપરાગત રીતે સંબંધોને સમજવાનો આધાર ભલે જીવવિજ્ઞાન છે પરંતુ બાળક દત્તક લેવું તે પણ પરિવારના નિર્માણનો યોગ્ય માર્ગ જ છે. પરિવારનો આધાર જીવવિજ્ઞાન નથી પરંતુ લાગણીશીલ જોડાણ અને સહભાગી ભાવનાઓ છે. જૈવિક પરિબળ પરિવાર નક્કી નથી કરતા, પરિવારમાં જન્મેલા બાળકથી દત્તક લેવાયેલું બાળક જરા પણ અલગ નથી.’  કોર્ટની આ વાત સંપૂર્ણપણે સામાજિક સંવેદનાઓનો અર્ક છે, આચમન અને આયનો છે.

બાળક દત્તક લેવાના કારણ પશ્ચિમમાં અલગ હોય છે. આપણે ત્યાં બાળકને ફક્ત ‘ખોટ પૂરવા’ દત્તક લેવાતું નથી પરંતુ પરિવારનો હિસ્સો તેને બનાવીને પ્રેમ વરસાવવા માટે આ પ્રક્રિયા થાય છે. સંખ્યાબંધ પરિવાર છે જેમાં ઉછરેલું, મોટું થયેલું સંતાન જૈવિક રીતે તે પરિવારનું નથી તેવો ખ્યાલ પણ કોઈને ન આવે તે રીતે તેનો ઉછેર થાય છે. પરિવારની પરંપરા અને સંસ્કાર તેને બાળપણથી અપાય છે. ઘરમાં જન્મેલા બાળકના લાડ ન થયા હોય તેટલાં લાડ આ બાળક પામે છે, પરિવારનું વિસ્તરણ કરે છે. તેમાં પણ ધન્ય છે એ માતા-પિતા જેઓ દત્તક સંતાન તરીકે દીકરી લે છે. દત્તક લેવાતા બાળકોમાં દીકરીઓની સંખ્યા વધારે છે. અદાલતે આ સંભાળ લેવાની જે વાત કરી છે તે એટલા માટે હૃદયસ્પર્શી છે કારણ કે સંતાન દત્તક લેવું તે ભારતીય પરિવારોમાં ફક્ત કાનૂની પ્રક્રિયા નથી તે ઘરે ‘પારિજાતની પગલી’ના આગમનનો અવસર છે. દીકરીઓ દત્તક લઈને તેનું ટાણું થાય ત્યારે તેને તેના ઘરે-સાસરિયે વળાવી દેનાર માતા-પિતા તો વિશિષ્ટ સન્માનના અધિકારી છે. આ સ્થિતિમાં દત્તક લેવાયેલા બાળકની સારસંભાળ માટે રજાની મુદતમાં વધારો કરીને અને ઉંમરનો બાધ દૂર કરીને સર્વોચ્ચ અદાલતે ભારતીય વિચારધારાને કાનૂની અનુમોદન આપ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક