• શનિવાર, 14 માર્ચ, 2026

ઉનાળાનો આકરો આરંભ

વિશ્વસ્તરે આમ તો ‘ગરમી’ અત્યંત વધી રહી છે,  સાથે જ દેશમાં- રાજ્યમાં ઉનાળાનો આરંભ પણ આકરો થયો છે. અપેક્ષા મુજબ ઠંડી શિયાળાની ઋતુમાં પડી નહોતી. ગરમી અત્યારથી જ વિષમ કહી શકાય તેટલી પડી રહી છે. શિયાળામાં જેમ નલિયાની ઠંડીનો આંક ચર્ચામાં રહે તેમ ગરમીમાં હવે રાજકોટ સતત ચર્ચામાં રહે છે. આ વર્ષે પણ ઋતુની શરૂઆતથી ગરમી અહીં વધારે છે. પારો 41 ડિગ્રીને વટી ગયો છે. રાજકોટ અને સુરેન્દ્રનગર બન્નેમાં માર્ચ માસમાં પડી રહેલી ગરમીએ છેલ્લા 100 વર્ષનો વિક્રમ તોડયો છે. તાપમાન ઊંચકાય તો પણ મધ્ય મેમાં તેના બદલે આ વખતે માર્ચના બીજા સપ્તાહે જ ‘કાળઝાળ’ એવો શબ્દપ્રયોગ વર્તમાનપત્રોએ કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

ગુજરાતમાં અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર, સુરત, વડોદરામાં તાપમાન 41.2 ડિગ્રી સુધી ઊંચકાયું છે, મહારાષ્ટ્રમાં પણ સ્થિતિ સમાન છે. ઠંડીની અવધિ સાવ મર્યાદિત, વરસાદ અનિશ્ચિત અને અસહ્ય ગરમી તે પૃથ્વીના બદલાઈ રહેલા વાતાવરણના જીવંત પુરાવા છે. કુદરત સાથે થઈ રહેલા ચેડા, કપાઈ રહેલાં વૃક્ષો કે પછી નૈસર્ગિક રીતે પૃથ્વીનું વધી રહેલું તાપમાન અહીં જવાબદાર છે. માર્ચથી મે માસ દરમિયાન દક્ષિણ અને પૂર્વ મહારાષ્ટ્ર, પૂર્વ ઉત્તર પ્રદેશ, કેરળ, તામિલનાડુ સહિતના વિસ્તારમાં વ્યાપક ગરમી પડવાની સંભાવના છે. દિલ્હીમાં તો ગયા અઠવાડિયે રાત્રીનું તાપમાન 36 ડિગ્રી રહ્યું હતું અને તે પણ છેલ્લા પચાસ વર્ષનું સૌથી વધારે હતું. વધી રહેલાં પ્રદૂષણને લીધે બદલાઈ રહેલું ઋતુચક્ર આ સ્થિતિની પાછળ છે. વિશ્વના અનેક દેશોમાં ‘સ્નોસ્ટોર્મ’- બરફના તોફાન હતા તો સામે ભારત જેવા દેશમાં ઠંડી તદ્દન નહીંવત્ પડી હતી. માનવ સર્જિત પ્રદૂષણને લીધે પૃથ્વી પોતાનું હીર ગુમાવી રહી છે. ફેબ્રુઆરી માસ સુધી ઠંડીનો અનુભવ થતો રહે છે. આ વર્ષે તો ફેબ્રુઆરીના અંતે જ ગરમી શરૂ થઈ ગઈ હતી.

માર્ચ માસનું પ્રથમ પખવાડિયું પણ પૂર્ણ થયું નથી ત્યાં જ હવામાન વિભાગ ‘યલો’ અને ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવા લાગ્યું છે. આગામી સમયમાં રાત અને દિવસના તાપમાનમાં વધારો થાય તેવી પૂરતી શક્યતા છે. ગુજરાતમાં 41 અને મહારાષ્ટ્રમાં 42 ડિગ્રીને તાપમાનનો પારો અડી ગયો છે. એપ્રિલ -મે વધારે ગરમ રહેશે. આ સ્થિતિ દેશવ્યાપી રહેવાની આગાહી થઈ છે. કૃષિ ઉપર તેની અસર થશે તો જનજીવન પણ અસરગ્રસ્ત થયા વગર નહીં રહે. ‘હીટવેવ’નું પ્રમાણ અને તેની અવધિ વધારે રહેશે પરિણામે લૂ લાગવા સહિતના સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો પણ ઉપસ્થિત થવાની શક્યતા છે. વધારેમાં વધારે વૃક્ષો વવાય, ઓછાંમાં ઓછાં કપાય. પર્વતો અન્ય સ્થળે ખનન ન થાય, જળાશયોનું રક્ષણ થાય તે જરૂરી છે. પર્યાવરણ રક્ષા કે પ્રદૂષણ નિયંત્રણની વાતો ફક્ત કાગળ ઉપર ન રહે તો જ આ સમસ્યાનો ઉકેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક