• શનિવાર, 14 માર્ચ, 2026

સંયમ અને સ્વયંશિસ્તનું ટાણુ

અમેરિકા-ઈરાનના પાગલપનને લીધે વિશ્વમાં ઊભી થયેલી સ્થિતિ અનેક રીતે, અનેક સંદર્ભે ચિંતા કરાવનારી છે. યુદ્ધ તો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યાં છે. રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઈ, ઈઝરાયલ દ્વારા હમાસ ઉપરના હુમલા સહિતના આઘાતો ચાલુ છે પરંતુ આ યુદ્ધે વેપાર-ઉદ્યોગથી લઈને સામાન્ય જન સુધીના વિવિધ વર્ગને ચિંતામાં મૂકી દીધો છે. ભારત સહિત વિશ્વના અનેક દેશમાં ગેસ-પેટ્રોપેદાશની સ્થિતિ વિકટ બની છે. આપણે ત્યાં તો જનતાના મનમાં રીતસર ફડકો પડયો છે. હવે શું થશે તેવો પ્રશ્નાર્થ હોઠો ઉપર અને આંખોમાં લઈને ફરી રહ્યા છે. મુશ્કેલી તો છે પરંતુ વ્યાકૂળ બનવાથી તેનો ઉકેલ નહીં મળે. અફવા ફેલાવવાથી પરિણામ નહીં મળે.

એલપીજી ગેસ કે અન્ય કોઈ પણ આવશ્યક ચીજ વસ્તુ ઉપલબ્ધ કરાવવી તે પ્રશાસનની ફરજ છે. સરકાર અને પ્રશાસને જાગતા રહેવું જ જોઈએ. તેના કરતાં પણ અગત્યનું છે પ્રશાસને પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરવાનો છે. જે સ્થિતિ આકાર પામી છે તે જોતાં અહીં રાજ્ય કે કેન્દ્ર સરકારને આરોપીના કઠોડામાં ઊભા રાખવાનો અર્થ નથી. આ આંતરિક કટોકટી નથી કે નથી અવ્યવસ્થા. આપણે ગેસ અને પેટ્રોલિયમ માટે બહારના દેશ ઉપર આધારિત-અવલંબિત છીએ. પુરવઠાની સાંકળ જ જ્યાં ખોરવાઈ હોય, પૂરતો જથ્થો પ્રાપ્ત થતો ન હોય ત્યાં કોઈ શું કરે? છતાં એટલું ચોક્કસ કે પ્રત્યેક ગ્રાહકને ગેસનો પુરવઠો મળે તે જોવાવું જોઈએ.

 લોકો ડરે તે સ્વાભાવિક છે પરંતુ ડર દહેશતમાં પરિણમે તે યોગ્ય નથી. ગેસ સિલિન્ડરના બુકીંગમાં રાતોરાત વધારો થયો છે. અચાનક માગ નીકળી પડી છે. કદાચ નજીકના ભવિષ્યમાં ગેસ સિલિન્ડર નહીં મળે તો, એવા ડરથી લોકો લાઈનોમાં ઊભા રહ્યા છે. નજીકના ભૂતકાળમાં આવી લાઈન જોવા મળી નથી. અત્યાર સુધી તો ગેસનો જથ્થો ઉપલબ્ધ છે પરંતુ નજીકના દિવસોમાં તેની તંગી ઊભી થઈ શકે છે. આ સ્થિતિમાં પ્રથમ તો સામાન્ય જનતાએ સંગ્રહખોરી અને વેપાર-વ્યવસાય કરનારા લોકોએ, ગેસનું વિતરણ કરનારાઓએ કાળાબજારથી દૂર રહેવું જોઈએ. પ્રજાની વિપરિત સ્થિતિનો ગેરલાભ ઉઠાવવો હિતાવહ નથી. અફવા ફેલાવવી ન  જોઈએ અને તેમાં આવી પણ જવું જોઈએ નહીં.

જાહેર સંસ્થાઓના રસોડાં બંધ થઈ રહ્યાં છે, રેસ્ટોરન્ટ્સ-હોટેલ, પેઈંગગેસ્ટની વ્યવસ્થા જ્યાં છે ત્યાં ભોજન બંધ કરવા પડે તેવી સ્થિતિ થઈ રહી છે. લોકોનો ડર અસ્થાને નથી પરંતુ અફવા અને બ્લેક માર્કેટિંગ અન્ય સ્થિતિની જેમ આ સંજોગોમાં પણ અપરાધ છે. આ સંયમ જાળવવાનો સમય છે. કેન્દ્ર સરકાર વારંવાર કહી રહી છે કે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તકલીફ નહીં પડવા દેવાય. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી, સમીક્ષા કરીને સ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહ્યું છે. ન ગભરાવા અને અફવા ન ફેલાવવા પ્રજાને તેમણે અનુરોધ કર્યો છે. સરકાર ઉપર આરોપ મૂકવાના, ત્રુટિઓ શોધવાના આ દિવસો નથી. પ્રથમ તો ભરોસો મૂકવો પડશે, જરૂર હોય તેટલો જ વપરાશ ગેસ સહિતની ચીજનો કરવો એવું લોકોએ પણ નક્કી કરવું પડશે. કોઈની સામે થઈને નહીં, સોએ સાથે રહીને સ્થિતિનો સામનો કરવાનો છે.

ઇ-પેપરના નવા શુલ્ક