બે દિવસનો ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી પરત ગયા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ટેરરનો ખોફ અર્થતંત્રને, આર્થિક નિષ્ણાતોને અને દેશને છે તે વેળાએ જ અહીંથી વડાપ્રધાને સ્વદેશીનો નારો બુલંદ કરીને અમેરિકાને ઉત્તર આપ્યો છે. પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લાની રાંગ ઉપરથી આપેલા વક્તવ્યનું પુનરુચ્ચારણ કે પછી વિસ્તરણ તેમણે અમદાવાદના નિકોલ ખાતેના પ્રવચનમાં કર્યું. ખેડૂતો, પશુપાલકોનું હિત સર્વોપરી રહેશે તેવી ખાતરી વડાપ્રધાને આપી છે. અમેરિકાએ એક દિવસ વહેલો ટેરિફ અમલી બનાવીને પોતાની માનસિકતા છતી કરી છે. સામે ભારતે પણ આર્થિક મોરચે પોતાની રણનીતિઓ માટે જોરશોરથી તૈયારી કરી છે.
ટેરિફ
પણ એક પ્રકારે તો વિદેશી તાકાત સામેની લડાઈ છે. ફક્ત સરકાર કે પ્રશાસન નહીં સમગ્ર દેશની
પ્રજાનો સહયોગ, જાગૃતિની અહીં જરૂર પડશે. ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ
પ્રથમ દિવસે, સોમવારે કહ્યું કે દેશના કિસાનો, પશુપાલકો અને નાના ઉદ્યોગોના હિતને નુકસાન
નહીં થવા દઈએ. ગુજરાતને કુલ 5477 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પો આપવાની સાથે તેમણે કરેલું
આ ઉદ્બોધન અત્યંત અગત્યનું હતું. તેમણે કહ્યું કે વેપારીઓએ પોતાની દુકાનો ઉપર બોર્ડ
લગાડવા જોઈએ કે હું આપણા દેશમાં બનતી વસ્તુઓનું જ વેચાણ કરીશ. વડાપ્રધાનના રોડ શો વખતે
વિદ્યાર્થિનીઓ પણ સ્વદેશીના પાટિયાં લઈને ઊભી હતી.
એક
પ્રકારે જોઈએ તો સ્વદેશી જાગરણનો આરંભ સત્તાવાર રીતે વડાપ્રધાને ગુજરાતથી કરાવ્યો તેમ
કહી શકાય. તેમણે કહ્યું કે આ ચક્રધારી મોહનની પણ ભૂમિ છે અને ચરખાધારી મોહનની પણ. કૃષ્ણ
ભગવાન અને ગાંધીજીને તેમણે યાદ કર્યા સાથે જ સ્વદેશીનો મહિમા ગાયો. દેશ આ બન્નેના બતાવેલા
રસ્તા ઉપર ચાલી રહ્યો છે. 1920ની આસપાસ ગાંધીજીએ અસહકાર આંદોલન શરૂ કર્યું અને વિદેશી
વસ્તુઓની હોળી કરવા આહ્વાન કર્યું હતું. વક્તવ્યમાં વડાપ્રધાને કોંગ્રેસ ઉપર પણ આપણી
પ્રજાને અન્ય દેશો ઉપર અવલંબિત રાખી હોવાના ગંભીર આરોપ મૂક્યા હતા. તેમણે કહ્યું કે
આપણા ખેડૂતો, માછીમારો પશુપાલકોના પરિશ્રમ થકી આપણે આત્મનિર્ભરતાથી આગળ વધી રહ્યા છીએ.
વેપારીઓને તેમણે દેશને આગળ વધારવામાં યોગદાન આપવા અનુરોધ કર્યો.
આંતરરાષ્ટ્રીય
ક્ષેત્રે ઈંધણ- ક્રુડની સ્થિતિ બહુ જલદી સમસ્યામાં તબદીલ થવાની શક્યતા અત્યંત છે. આ
સ્થિતિમાં ઈ-વાહનોનું ચલણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં તેમણે મંગળવારે હાંસલપુરમાં
સુઝુકીના પ્રથમ વૈશ્વિક વ્યૂહાત્મક બેટરી ઈલેક્ટ્રિક વાહનનું ઉદ્ઘાટન કર્યું તે પણ
મેઈક ઈન ઈન્ડિયા ક્ષેત્રે મોટી સફળતા છે. વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ એક રીતે આંતરરાષ્ટ્રીય
સ્તરે ઊભી થયેલી સ્થિતિ સામે લડવાની હાકલ કરવાનું નિમિત્ત બની ગયો છે આને સંયોગ અને
સુયોગ બન્ને કહી શકાય.