• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

કપાસ ‘કરમાઈ’ ન જાય તો સારું

ટેરિફનું વાવાઝોડું સમગ્ર દેશના અર્થતંત્ર ઉપર ફૂંકાવાનું શરૂ થયું છે. સૂરતનો હીરા ઉદ્યોગ મંદી ઉપર તેની અસર થવાનું લગભગ નિશ્ચિત છે. સામે કૃષિક્ષેત્રે પણ ગંભીર અસરોની સંભાવના તીવ્ર છે. કાપડ ઉદ્યોગ પડકારનો સામનો કરશે સાથે જ સૌરાષ્ટ્રના મુખ્યપાકોમાં જેનો સમાવેશ છે તે કપાસની ખેતી અને જિનીંગ ઉદ્યોગ ટ્રમ્પના ટેરિફનો ભોગ બને તેવી ભીતિ છે. ભારત સરકારનો ઈરાદો આ ક્ષેત્રને સંકટમાંથી ઉગારવાનો છે તેથી તેણે કપાસની 11 ટકા આયાત જકાત સપ્ટેમ્બર માસની જગ્યાએ ડિસેમ્બર સુધી તો લંબાવી છે. આ નિર્ણયનો લાભ ઉદ્યોગને થશે, ખેડૂત અને ખેતીક્ષેત્રને મુશ્કેલી છે.

કૃષિની સાથે જ સૌરાષ્ટ્રનો જિનીંગ ઉદ્યોગ પણ તકલીફમાં મૂકાઈ શકે છે. કપાસનો ભાવ એવો છે કે મીલો તે ખરીદી શકે તેમ નથી. કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે સંકળાયેલી મિલોના ઉપકરણ ચાલશે. કપાસની ખરીદીનો ભાવ, પ્રક્રિયા કર્યા પછીની કિંમત અને બજારમાં જે ભાવ ચાલે છે તેની અસમાનતા મોટી છે. જિનીંગ ઉદ્યોગ મંદ પડશે તો સ્વાભાવિક રીતે કપાસના ઉત્પાદક ખેડૂતોને પણ સમસ્યાનો સામનો કરવાનો વારો આવશે. કપાસ ગુજરાતના મુખ્ય કૃષિ ઉત્પાદનોમાં છે. ગુજરાતમાં ગત વર્ષે ઉત્પાદન 80 લાખ ગાંસડી હતું તેમાં 70 ટકા હિસ્સો સૌરાષ્ટ્રનો હોય. કાપડ ઉદ્યોગ તો હવે અમેરિકન ટેરિફને લીધે મોટા પડકારનો સામનો કરી જ રહ્યો છે. ખેતી ઉપર પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ અસર પડવાની. અમેરિકાએ લાદેલા ટેરિફથી ત્યાં કપડાંની નિકાસ ઉપર અસર પડશે. અંદાજે 11 અબજ ડોલરની આ નિકાસ છે. ભારત સરકારે અન્ય દેશો સાથે કપડાંની નિકાસ અંગે વાર્તાલાપ શરુ કર્યાના અહેવાલ છે પરંતુ રાતોરાત આ શક્ય નથી. આવા વેપારી સંબંધો વિકસવા માટે પણ એક ચોક્કસ સમય લાગે. આપણી વસ્તુઓનું ત્યાં અસ્તિત્વ સ્થાપવું પડે. અન્ય દેશોએ આ બજાર સર કરેલું હોય. જ્યાં આપણે કાપડ કે અન્ય વસ્તુઓ મોકલવાનું વિચારીએ તે દેશો પાસે પણ અગાઉથી લીધેલી સામગ્રી પડી હોય આવી અનેક બાબતો અસર કરે. આ સ્થિતિમાં કાપડ ઉદ્યોગને થનારી અસર કપાસના ભાવ ઉપર, ખેડૂતો ઉપર થશે. સરકારે તમામ ક્ષેત્રોને બચાવવાના પ્રયાસ શરુ કર્યા છે તે સાચું પરંતુ અનાચક જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે.  

ઇ-પેપરના નવા શુલ્ક