• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

અર્થતંત્ર મજબૂત, રૂપિયો નબળો

વૈશ્વિક ચિંતાઓ વચ્ચે GDP વૃદ્ધિદર 7.8%

 

નવી દિલ્હી, તા. 29 : ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થવ્યવસ્થાએ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીઓને મચક પણ નહીં આપતાં એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળા દરમ્યાન ભારતનો સમગ્ર ઘરેલુ ઉત્પાદન (જીડીપી) દર 7.8 ટકા સાથે પાંચ ત્રિમાસિક ગાળામાં સૌથી ટોચ પર રહ્યો છે. આમ, ભારતીય અર્થતંત્રએ અદ્ભુત ગતિ સાથે નાણાંકીય વર્ષની શાનદાર શરૂઆત કરી છે.

ટ્રમ્પે કપડાં ઉદ્યોગ જેવી મહત્ત્વની નિકાસને નુકસાન કરતો ટેરિફ ઝિંક્યા પછી પણ?તેની કોઇ જાતની અસર ન હોય તેમ 7.8 ટકા સાથે દેશનો આર્થિક વિકાસ દર 6.7 ટકાના અનુમાનને પણ આંબી ગયો છે. વિતેલાં વર્ષના સમાન ત્રિમાસિક ગાળા દરમ્યાન જીડીપી દર 6.5 ટકા રહ્યો હતો. વિતેલાં નાણાંકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી વિકાસ દર 7.4 ટકા રહ્યો હતો.

દેશની સરકારે  શુક્રવારે  વિકાસદરના ઉત્સાહજનક આંકડા જાહેર કર્યા હતા. ખાસ કરીને કૃષિક્ષેત્રના પ્રભાવશાળી પ્રદર્શનની સાથો સાથ વેપાર, હોટલ, નાણાંકીય ક્ષેત્ર, રિયલ એસ્ટેટ સહિત ક્ષેત્રોના સારા દેખાવના કારણે નાણાંકીય વર્ષના પ્રારંભે ભારતે જબરદસ્ત વિકાસદર પ્રાપ્ત કર્યો છે.

એ સિવાય અનેકવિધ સેવા ક્ષેત્રોમાં તેજી, રોકાણ તેમજ સરકારી ખર્ચમાં પણ સતત ઉછાળો આવવા જેવાં પ્રભાવશાળી પરિબળો પણ ભારતીય અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત છે.

ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમ્યાન કૃષિ અને તેના સાથે સંબંધિત ક્ષેત્રોમાં વિતેલાં વર્ષના પ્રથમ ગાળાના 1.5 ટકા સામે આ વર્ષે વાસ્તવિક જીવીએ વિકાસદર વધીને 3.7 ટક રહ્યો છે.

રાષ્ટ્રીય આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર કૃષિની જેમ જ અન્ય ક્ષેત્રોમાંયે વિકાસદરની ગતિ જોવા મળી છે.

ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં 7.7 ટકા, નિર્માણ ક્ષેત્રમાં 7.6 ટકાના વિકાસદર નોંધાયા છે.

ભારતે સૌથી વધુ ગતિ સાથે આગળ વધી રહેલી અર્થવ્યવસ્થા તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે.

એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળા દરમ્યાન ચીનનો સમગ્ર ઘરેલુ ઉત્પાદન (જીડીપી) દર 5.2 ટકા રહ્યો હતો. અગાઉ ઉચ્ચતમ જીડીપી વૃદ્ધિદર 2024ના જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળામાં 8.4 ટકા હતો.

વૈશ્વિકસ્તરે જારી અનિશ્ચિતતાઓ અને અમેરિકાએ ઝિંકેલી ટેરિફની તલવાર વચ્ચે પણ ભારતીય અર્થવ્યવસ્થાએ 2025-26ના નાણાંકીય વર્ષના પહેલા જ ત્રિમાસિક ગાળામાં મજબૂત વિકાસદર સાથે પ્રભાવિત પ્રારંભ કર્યો છે.

 

ડોલર સામે રૂપિયો કડાકા સાથે સૌથી નીચા તળિયે

 

ટેરિફ તણાવથી ભારતીય ચલણે 61 પૈસા તૂટી 88ની સપાટી તોડી

 

મુંબઈ, તા. 29 (પીટીઆઈ) : અમેરિકાના 50 ટકા ટેરિફ અને ભારત-અમેરિકા વ્યાપર સંધિમાં ભારે તણાવ વચ્ચે રૂપિયો અમેરિકન ડોલર સામે 61 પૈસાના મોટા કડાકા સાથે પહેલી જ વખત 88ની સપાટી તોડી સર્વકાલીન નીચી સપાટી 88.19 (હંગામી)એ બંધ આવ્યો હતો.

વિદેશી મુદ્રા વ્યાપારીઓએ જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા ભારતીય સામાનો પર લગાવવામાં આવેલા 50 ટકાના ભારેખમ ટેરિફની ચિંતા વચ્ચે પરત ખેંચાઈ રહેલા વિદેશી ભંડોળ અને મહિનાના અંતની ડોલરની માંગથી રૂપિયો સતત દબાણમાં રહ્યો છે. આટલું ઓછું હોય તેમ ઘરેલુ શેરબજારમાં નકારાત્મક વાતાવરણે વિદેશી મુદ્રા વ્યાપારને અસર પહોંચાડી હતી.

આંતર બેન્ક વિદેશી હૂંડિયામણ બજાર ખાતે રૂપિયો ડોલર સામે 87.73ના સ્તરે ખુલ્લો હતો પરંતુ, તે પછી ગબડતાં કારોબાર દરમ્યાન 88.33ના તળિયાને સ્પર્શ્યો હતો. જો કે બાદમાં જરાક ઊંચકાયા છતાં અમેરિકન ચલણ સામે 61 પૈસાના કડાકા સાથે સર્વકાલીન નીચી સપાટી 88.19 (હંગામી)એ બંધ આવ્યો હતો.

 

ગઈકાલે રૂપિયો ડોલર સામે 12 પૈસા ઊંચકાઈને 87.58ના સ્તરે રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ પહેલી જ વખત રૂપિયાએ પ્રતિ ડોલરે 88ની સપાટીને તોડી છે. આ પહેલાં 10 ફેબ્રુઆરી 2025ના ભારતીય ચલણે કારોબાર દરમ્યાન 87.95ની નીચી સપાટી અને પાંચમી ઓગસ્ટ 2025ન ડોલર સામે 87.88ના નીચા સ્તરે બંધ આવ્યો હતો.

29-ઇઇંઞઉં-2

 

ઇ-પેપરના નવા શુલ્ક