વિદ્યાધામોને દેવી સરસ્વતીનાં મંદિર કહેવાય છે, પરંતુ આજની યુવા પેઢીના અમુક વર્ગમાં ઘર કરી ગયેલા ગેરશિસ્ત, ઉદ્દંડતા, સ્વચ્છંદતાએ સમાજ માટે ગંભીર ચિંતા ઊભી કરી છે. થોડા દિવસો પહેલાં જ કચ્છના આદિપુરની તોલાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એક વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ પર હુમલો કરતાં ખળભળાટ મચી ગયો છે. હુમલાનો આ બાનાવ હત્યામાં પલટાયો છે. ગુરુને આદર આપવાની વાત તો દૂર, તેમને માર મારવાની ગુસ્તાખી અસહ્ય અને અત્યંત નિંદનીય છે. આ બનાવના પ્રત્યાઘાત હજુ શમ્યા નથી, ત્યાં ભુજની સંસ્કાર કોલેજમાં ભણતી વિદ્યાર્થિનીને એક યુવાને છરી હુલાવીને ગંભીર ઇજા પહોંચાડયાનો જઘન્ય બનાવ બન્યો છે.
રાજકોટમાં
હત્યા જેવા ગંભીર ગુનામાં પણ સગીર આરોપીઓના નામ ખુલ્યા છે. ઉચ્ચ શિક્ષણ લેવા જતા છાત્રોની
અને આજની યુવા પેઢીની મનોદશા આવી વિકૃત કઇ રીતે થઇ ગઇ એ સવાલ ચિંતા અને ચિંતન માગી
લે છે. વિદ્યાર્થિની પર હુમલાનો બનાવ શિક્ષણ સંસ્થા સાથે સંલગ્ન નથી, તેના ભીતરનાં
કારણનો હજી ઘટસ્ફોટ નથી થયો, પરંતુ ઇન્ટરનેટની સહજ ઉપલબ્ધતા અને મોબાઇલમાં સોશિયલ મીડિયા
સાઇટસ યુવા પેઢીની લાગણીઓ ઉશ્કેરવાનું કામ કરે છે. અનુભવી શિક્ષણવિદે યોગ્ય જ કહ્યું
છે કે, ઓટીટી-મોબાઇલે ઉગ્રતા-આક્રમક્તા વધારવાનું કામ કર્યું છે.
ભુજની
ઘટનામાં હતભાગી વિદ્યાર્થિની હોસ્ટેલમાં રહીને ભણતી હતી. આવો ચકચારી બનાવ પોતાના છાત્રોને
ઘરથી દૂર, ઉચ્ચ અભ્યાસ અર્થે, તેજસ્વી કારકિર્દી ઘડવાનાં સપનાં સાથે કચ્છ બહાર કે ગુજરાત
બહાર ભણવા મૂકનારા હજારો માતા-પિતાનો જીવ અદ્ધર કરી દે છે, વિશ્વાસ ડગાવી દે છે. અંતે
તો સંતાનને અપાયેલા સંસ્કાર તથા પરિવારનો પ્રેમ સ્વયંશિસ્તની સાંકળ બની રહેતા હોય છે.
છતાં દરેક વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અને માતા-પિતાએ સાવધ રહેવાની જરૂરત છે. કિશોરાવસ્થા
કે યુવાવસ્થામાં પ્રવેશી ચૂકેલાં સંતાનો ક્યાં, કોની સાથે ઊઠે-બેસે છે, તેનું મિત્રવર્તુળ કેવું છે એના પર
નજર રાખવી જરૂરી બને છે. રાજકોટ પણ આવા કિસ્સામાં પાછળ નથી. રેલનગરની એક શાળામાં વિદ્યાર્થી
છરી સાથે ઝડપાયો હતો. છેલ્લા સાત માસમાં હત્યાના 55 બનાવ હતા. જેમાં 13 આરોપી સગીર
હોવાનું ખુલ્યું હતું.
આજની
યુવા પેઢીને આ કદાચ ગમશે નહીં, પણ એક નિયંત્રણ રહેવું જ જોઈએ. એ ખુદ તેનાં હિતમાં છે.
તેના ભવિષ્યનાં હિતમાં છે.
દરમ્યાન
કચ્છના આદિપુરના થપ્પડકાંડની વ્યાપક નિંદા થઈ રહી છે. શિક્ષણ સંસ્થાના વડા છાત્રને
કંઈ જ ન કહી શકે? તોલાણી શિક્ષણ સંસ્થાએ દાયકાઓથી કચ્છની સેવા કરી છે. લગાતાર ગુણવત્તાયુક્ત
શિક્ષણ પૂરું પાડીને હજારો છાત્રોને ઉજ્જવળ કારકિર્દીની રાહ પર સફળતાપૂર્વક મૂક્યા
છે. ઉગ્ર માનસ ધરાવતા કહેવાતા છાત્ર હિંસક વર્તાવ સાથે આવી સંસ્થાનાં નામને બટ્ટો લગાડે
એ નિંદનીય છે. આ બનાવ બન્યો કે તુરંત કોલેજના છાત્રો-શિક્ષકોએ વિરોધમાં બહાર આવીને
કડક કાર્યવાહીની માંગ કરી છે. આ લખાય છે ત્યારે કોલેજમાં સસ્પેન્ડ કરી દેવાયેલા આરોપી
છાત્રોને જામીન મળી ગયા છે, પણ એક વિદ્યાર્થી તરીકેની તેની કારકિર્દી હવે ઘડી શકાશે
એવા ‘િવશ્વાસભર્યા જામીન’ મળવા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.