શિક્ષણક્ષેત્રે નાના મોટા વિવાદ ચાલતા રહે. યુનિવર્સિટી કે શિક્ષણ બોર્ડની પરીક્ષામાં ભૂલ, પરિણામમાં વિલંબથી લઈને બદલાઈ જતાં કે લીક થઈ જતાં પેપર, આ બધું નવું નથી. રાજકોટમાં હમણા એક અલગ પ્રકારનો વિવાદ શિક્ષણક્ષેત્રે શરૂ થયો છે તે છે વિદેશી વિદ્યાર્થીઓનો વિવાદ. કેટલીક નિજી યુનિવર્સિટીઓમાં પરદેશથી આવતા વિદ્યાર્થીઓના વાણી, વર્તન, વલણ અને વ્યસન સતત ચર્ચામાં છે. રાજકોટ ઉચ્ચ શિક્ષાક્ષેત્રે મહત્વનું કેન્દ્ર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે તો સામે કેટલાંક શિક્ષણ સંસ્થાનની છબિ ખરડાઈ રહી છે જેના પરિણામે શહેરની છાપ ઉપર પણ અસર પડે. ભવિષ્યમાં અહીં મોટા કદના સંસ્થાનો આવતાં વિચાર કરતાં થઈ જાય તે પહેલાં આ સમસ્યા અંગે વિચાર કરી લેવો જોઈએ.
એક
સમય હતો જ્યારે વિદ્યાર્થી એસએસસી કે એચએસસીની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય પછી રાજકોટ
છોડીને અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર કે વડોદરા જેવા શહેરમાં નામાંકિત યુનિવર્સિટીમાં અભ્યાસ
કરવા જતા. કેટલાક કિસ્સામાં તો પૂના, બેંગ્લોર તરફ પણ ધસારો રહેતો. આજે પણ વિદ્યાર્થી
બહાર તો જાય છે જ પરંતુ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અને કોલેજ કક્ષાના શિક્ષણમાં રાજકોટની
વિદ્યાસંસ્થાઓએ મોટાં નામ કર્યાં છે.એન્જિનિયરીંગ, મેનેજમેન્ટ, ઈન્ફર્મેશન ટેક્નોલોજીથી
શરૂ કરીને અનેક અભ્યાસક્રમો એવા છે જેમાં વિદ્યાર્થીઓ અન્ય દેશોમાંથી પણ અભ્યાસાર્થે
આવે છે. કિસ્સા એવા બન્યા છે કે આ વિદ્યાર્થીઓ કેફી દૃવ્યોનું સેવન કરે છે, જ્યાં વસે
ત્યાં પણ તે દૂષણ ફેલાય છે. યુવક-યુવતીઓના મુક્ત સાહચર્યના કિસ્સાઓ પણ ચર્ચાયા છે.
રાજકોટના જામનગર રોડ, મોરબી રોડ આસપાસ આવું વારંવાર બન્યું છે.
વિદ્યાપીઠોની
આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વસતા આ પરદેશી યુવક-યુવતીઓ શહેરના કેટલાક વિસ્તારમાં પણ
વસ્યા છે. જ્યાં તેઓ રહે છે તે વિસ્તારવાસીઓને કેટલીક મુશ્કેલીઓ પડી રહી હોવાની ફરિયાદ
ઉઠી છે. પોલીસે આ અંગે સઘન કાર્યવાહી કરી અનધિકૃત રીતે અહીં વસતા યુવક-યુવતીઓને અલગ
તારવી તેમને તેમના દેશ મોકલવાની કાર્યવાહી પણ કરવામાં આવી. સ્થાનિક રહેવાસીઓની વાત
સાવ અવગણવા જેવી નથી. કોઈ વિસ્તારમાં બહારના લોકો આવીને ડ્રગ્સ જેવી બાબતોનું દૂષણ
ફેલાવે તો ત્યાં વસતા પરિવારના બાળકો-યુવક-યુવતીઓ ઉપર વિપરિત અસર પડી શકે. ચિંતા અસ્થાને
નથી પરંતુ પ્રશાસન અને શિક્ષણ સંસ્થાનોએ તેનો મધ્યમાર્ગ કાઢવો જોઈએ.
જે
વિદ્યાર્થીઓ બહારથી અહીં આવે છે તેમાંના બધા જ ડ્રગ્સ લેતા હોય તેવું કેમ માની લેવાય?
બીજી બાબત એ છે કે તેઓ દૂષણ ન ફેલાવે તેવો પ્રજાનો આગ્રહ યોગ્ય છે પરંતુ તેમની જીવનશૈલી
પણ આપણે જ નક્કી કરીએ તે શક્ય નથી. તેમની દુષ્પ્રવૃત્તિને ઉત્તેજન ન અપાય પરંતુ તેમના
વસવાટને તો સ્વીકારવો પડે. ચોક્કસ મોટી યુનિવર્સિટીઓએ પોતે નિયંત્રણના આકરા ધોરણ અપનાવવા
જોઈએ, પરદેશી વિદ્યાર્થીઓ વસતા હોય ત્યાં પોલીસે પણ નજર ચકોર રાખવી જોઈએ જ. જે લોકો
દોષિત કે શંકાસ્પદ જણાય તેમની સામે કાર્યવાહી પણ કરવી જોઈએ પરંતુ બધાને એકસરખા ગણીને
તેમના ઉપર હુમલા કરવા, તેમને માર મારવાથી રાજકોટની પ્રતિષ્ઠા ઉપર પણ આંચ આવે. આખરે
તો આપણે ત્યાં બહારથી વિદ્યાર્થી આવે તે પણ વૈશ્વિક બનવાની દિશામાં થયેલી ગતિ જ છે.