• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

વૈષ્ણોદેવીની યાત્રાના માર્ગ પર કુદરતી ખાનાખરાબી

દેશના મુગટ સમાન હિમાલય વિસ્તારમાં કુદરતી આફતો કેડો મૂકતી નથી. ઉત્તરાખંડમાં ભારે ખાનાખરાબી સર્જનાર ખોફનાક વરસાદે હવે જમ્મુ અને કાશ્મીરમાં જળપ્રપાતથી જાન અને માલનું કલ્પનાતીત નુકસાન કર્યું છે. પવિત્ર અને પ્રસિદ્ધ યાત્રાધામ વૈષ્ણોદેવીના માર્ગ પર પહાડ ધસી પડયાના બનાવમાં 32 જણનો  ભોગ લેવાયો અને સંખ્યાબંધ લોકો ઘવાયા હોવાના અહેવાલોએ આવી આપદા સમયે સાવચેતી તરફ સેવાતા દુર્લક્ષને વધુ એક વખત છતું કર્યું છે. સાથોસાથ પહાડોમાં સ્થિત યાત્રાધામોમાં ભીડનાં નિયમનનો તાકીદે અમલ કરવાની જરૂરત પણ વધુ એક વખત સામે આણી છે.

ઉત્તરાખંડમાં વાદળ ફાટવાના અને પહાડો ધસવાના બનાવોમાં ભારે તારાજી સર્જાયા બાદ હવે જમ્મુ અને કાશ્મીર પર વરસાદી સંકટ કેન્દ્રિત થયું છે.  આ મહિનાની 14મી તારીખે કિશ્તવાડમાં વાદળ ફાટયું હતું અને તે પછી મચૈલ માતાની યાત્રામાં કુદરતી આફત ત્રાટકી હતી.  હવે જમ્મુ વિસ્તારમાં 20 કલાક સુધી ભારે વરસાદે દસ વર્ષનો રેકર્ડ તોડી નાખતાં જનજીવન ખોરવાઈ ગયું છે. સંખ્યાબંધ મકાનોમાં પાણી ઘૂસી ગયાં છે તથા સંદેશા વ્યવહાર અને માર્ગો ઠપ થઈ ગયા છે. 

સૌથી વધુ ભયંકર બનાવ વૈષ્ણોદેવી માતાના માર્ગ પર ભારે વરસાદને લીધે પહાડ ધસી પડવાનો બન્યો છે. આ બનાવ પ્રથમ નજરે પકૃતિનો કહેર જ જણાય છે, પણ હવે વિગતો બહાર આવી રહી છે તે ભારે ચોંકાવનારી છે. હવામાન ખાતાંની ગંભીર ચેતવણી હોવા છતાં સત્તાવાળાઓએ યાત્રાને રોકીને માર્ગને ખાલી કરાવવાની તસ્દી ન લેતાં આ ખાનાખરાબી થઈ હોવાનું સામે આવતાં ભલભલા ચોંકી ઊઠયા છે. ખુદ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહએ આ બેદરકારી સામે સવાલ કર્યા છે. ખરેખર તો સંબંધિત સત્તાવાળાઓએ સમયસર સાવચેતીનાં પગલાં લીધાં હોત તો આ નુકસાની થઈ ન હોત. 

તાજેતરની આ કુદરતી આફતોમાં એક વાત સમાન હોવાનું સામે આવી રહ્યંy છે. ઉત્તરાખંડનું ધરાલી ગંગોત્રીની યાત્રાના માર્ગમાં આવે છે, તો વૈષ્ણોદેવીનો માર્ગ હંમેશાં શ્રદ્ધાળુઓથી ખીચોખીચ હોય છે.  આ વખતે આ વિસ્તારમાં માર્યા ગયેલા મોટાભાગના યાત્રાળુ અને પર્યટક હતા. છેલ્લા થોડા સમયથી હિમાલય વિસ્તારનાં આવાં સ્થળોએ લોકોની ભીડ અનિયંત્રિત બનતી જાય છે. પર્યટકોના ધસારાને પહોંચી વળવા પર્વતીય વિસ્તારના માર્ગોથી માંડીને અન્ય માળખાંની પૂરતી ક્ષમતા હોતી નથી. આવા દરેક અકસ્માત વેળાએ પર્યટકોની સંખ્યાને નિયંત્રિત કરવાની જરૂરતો અને ચોમાસાંની મોસમમાં કુદરતી આપદા સામે આગોતરી સાવચેતી રાખવાની વાતો દરેક વખતે થાય છે, પણ સમયની સાથે બીજી આપદા સુધી બધું વિસરી જવાય છે. બેદરકારીનાં આ ચક્રને હવે ભેદવા પર સરકાર અને લોકોએ સાથે મળીને મનોમંથન કરવાની ખાસ જરૂરત છે. 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક