• સોમવાર, 20 મે, 2024

રાજકોટમાં આર કે યુનિવર્સિટી હોસ્ટેલમાં અફઘાનિસ્તાનના કોલેજિયનનો આપઘાત માતા-પિતા યુએસએ ગયા હોય વિઝા નહીં મળતાં પગલું ભર્યું

રાજકોટ, તા.7 : ભાવનગર હાઇ વે પરનાં ત્રંબા ગામ પાસે આવેલી આર. કે. યુનિ.માં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા અફઘાનિસ્તાનના કોલેજીયને યુએસના વિઝા નહીં મળતા હોસ્ટેલનાં રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, આરકે યુનિ.ની હોસ્ટેલના રૂમ નં.6માં રહેતા અબ્દુલકહર અબ્દુલક્યુમ મકસુદી નામના અફઘાનિસ્તાનના યુવાને હોસ્ટેલના રૂમમાં પંખાના હૂકમાં કપડાં સૂકવવાની દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તેમજ હોસ્ટેલના સંચાલકો દોડી ગયા હતા અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક અબ્દુલકહર નામનો કોલેજીયન ચાર વર્ષથી કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો અને થોડા દિવસો પહેલાં અફઘાનિસ્તાન પર તાલિબાનોએ હુમલો કરી કબજો જમાવ્યો હોય તે વખતે અબ્દુલકહરનાં માતા-પિતા અફઘાનિસ્તાન છોડીને યુએસએ જતા રહ્યા હતા અને અબ્દુલકહરને તેનાં માતા-પિતા પાસે જવું હોય વિઝા માટેની કાર્યવાહી કરી હતી પરંતુ વિઝા મંજૂર નહીં થતાં માઠું લાગી આવવાથી આ પગલું ભરી લીધાનું ખૂલ્યું હતું. આ અંગે પોલીસે મૃતકના મુંબઈ રહેતા સગા અને પરિવારને જાણ કરી હતી. જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક