• સોમવાર, 20 મે, 2024

મિત્રો સાથે રામેશ્વર યાત્રાએ નીકળે તે પૂર્વે જ ખંભાળિયાના યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ પરિવારજનોના આશીર્વાદ લેવા જતો હતો ને રસ્તામાં જ ઢળી પડયો

જામ ખંભાળિયા, તા.7 : રાજ્યમાં હાર્ટ એટેકના બનાવોનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે ખંભાળિયામાં દોઢ વર્ષ પહેલાં જ પરણેલા યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. મૃતક યુવાન મિત્રો સાથે રામેશ્વર યાત્રાએ જવાનો હતો તેનાં કલાક પહેલાં જ આવેલો એટેક જીવલેણ સાબિત થયો હતો.

જાણવા મળતી વિગતો મુજબ જામ ખંભાળિયામાં નવાપરા વિસ્તારમાં રહેતો નયન બેડિયા(ઉં.વ.25)નામનો યુવાન ગઈ કાલે રાત્રે 11 વાગ્યાની ટ્રેનમાં મિત્રો સાથે રામેશ્વર યાત્રાએ જવાનો હતો. જે પૂર્વે રાત્રે 10 વાગ્યાના અરસામાં જે.કે.વી. નગરમાં રહેતા પરિવારજનોના આશીર્વાદ લેવા માટે તેના સાળા સાથે બાઇક ઉપર જઈ રહ્યો હતો. દરમિયાન ખંભાળિયા-જામનગર હાઇ વે પર નગરપાલિકાના ગેઇટ પાસે પહોંચતા અચાનક હાર્ટ એટેક આવતા તે ઢળી પડયો હતો. જેથી તેને તાત્કાલિક બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પીએમ કરાવવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક નયન બેડિયાનાં દોઢ વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. મિત્રો સાથે રામેશ્વર યાત્રાએ જાય તેની કલાક પહેલાં જ તેનું પ્રાણ પંખેરું ઉડી જતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક