• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

સ્મિતની શૂરવીરતાનું ‘સૌ’રાષ્ટ્રને ગૌરવ

-કોકપિટમાં ચાકુથી હુમલો છતાં ન ડગ્યા  સૌરાષ્ટ્રના જમાઈ, બચાવી 180 જિંદગી!

-પરિવારને ગર્વ, સસરા-સાળાએ કહ્યું, સ્મિત પર અમને ગર્વ છે

-ગુજરાત સરકારે ગુજરાત ગરિમા એવોર્ડ આપવાની કરી જાહેરાત

 

 

રાજકોટ, અમરેલી, સાવરકુંડલા, તા.1 : આકાશમાં 35 હજાર ફૂટની ઊંચાઈ... નીચે હજારો કિલોમીટર સુધી માત્ર જમીન-સમુદ્ર અને ઉપર મોતનો ખતરો! દુબઈથી ઈઝરાયેલ જઈ રહેલી ફ્લાઇટમાં કોકપિટની અંદર અચાનક ચાકુથી હુમલો થતાં પળવારમાં સ્થિતિ ગંભીર બની ગઈ. એક તરફ ઘાયલ પાયલોટ અને બીજી તરફ વિમાનમાં સવાર સેંકડો મુસાફરોના જીવની જવાબદારી... પરંતુ આ કપરા સમયે ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરે હિંમતનો પરિચય આપ્યો. હુમલામાં ઘાયલ થયા હોવા છતાં પરિસ્થિતિને સંભાળવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી અને ફ્લાઇટને સુરક્ષિત રીતે ડાયવર્ટ કરવામાં મદદ કરી. આજે આ ઘટનાની ચર્ચા દુનિયાભરમાં છે ત્યારે ગૌરવની વાત એ છે કે આ બહાદુર પાયલોટનું મૂળ ગુજરાતનાં વઢવાણ સાથે અને સાસરિયું અમરેલીના સાવરકુંડલા સાથે જોડાયેલું છે. ભલે સ્મિત વર્ષોથી મુંબઈ રહે છે પરંતુ તેના ડી.એન.એ.માં સૌરાષ્ટ્રની શુરવીરતા ધબકે છે. તેની બહાદુરી માટે સૌને માન છે પરંતુ સૌરાષ્ટ્રને વધારે ગૌરવ લેવાનો અધિકાર છે. એટલે કે આકાશમાં દેખાયેલી આ હિંમતની ગુંજ આજે સૌરાષ્ટ્ર સુધી સંભળાઈ રહી છે. કેપ્ટન સ્મિત મચ્છરની કહાનીમાં ગુજરાતના બે અલગ-અલગ છેડાઓ જોડાય છે. સુરેન્દ્રનગરનું વઢવાણ તેમનું મૂળ વતન છે અને અમરેલીનું સાવરકુંડલા તેમનું સાસરિયું.

દુબઈથી ઈઝરાયેલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાય દુબઈની ફ્લાઇટ એફઝેડ1073માં ઉડાન દરમિયાન કોકપિટમાં બનેલી હિંસક ઘટનાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનામાં કેપ્ટન સ્મિત મચ્છર ઘાયલ થયા હતા. તેમ છતાં તેમણે પરિસ્થિતિ સંભાળવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી અને વિમાનમાં સવાર મુસાફરોની સુરક્ષા માટે કામગીરી કરી. આ ઘટના બાદ આજે દેશ-વિદેશમાં કેપ્ટન સ્મિત મચ્છરની હિંમતની ચર્ચા થઈ રહી છે અને આ ચર્ચા સાથે ગુજરાત તથા સૌરાષ્ટ્રનું નામ પણ જોડાયું છે. સ્મિત ઉપેન્દ્રભાઈ મચ્છર (બ્રહ્મ ક્ષત્રિય)મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સાથે સંકળાયેલા છે. તો સૌરાષ્ટ્રના સાવરકુંડલાના તેઓ જમાઈ હોવાથી આજે સાસરું ચિંતિત છે અને ગર્વિત પણ છે. 

 

-------------

અમને અમારા બનેવી પર ગર્વ છે :  હિરેન જોગી

ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલામાં રહેતા સ્મિતના સાસરિયાઓમાં ચિંતા પ્રસરી ગઈ હતી. પરિવાર માટે ક્ષણ અત્યંત મુશ્કેલ હતી. જોકે, બાદમાં સ્મિતે જે રીતે પરિસ્થિતિનો સામનો કર્યો તેની જાણ થતાં પરિવારજનોમાં ગૌરવની લાગણી છવાઈ ગઈ. સ્મિતના સાળા હિરેન જોગીએ જણાવ્યું હતું કે, ઘટનામાં તેમણે ખૂબ હિંમતપૂર્વક પેસેન્જરોનો બચાવ કર્યો છે. તે અમારા બનેવી થાય છે. અમને તેમના પર ગર્વ છે. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં પરિવાર ચોંકી ગયો હતો, પરંતુ તેમણે જે હિંમત બતાવી તે ખરેખર સરાહનીય છે.

ચિંતા તો છે, પરંતુ દીકરા પર ગર્વ છે : સસરા જયસુખભાઈ

સ્મિતના સસરા જયસુખભાઈ જોગીએ પણ પરિવારની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સ્મિતનો સમગ્ર પરિવાર મુંબઈ સ્થાયી છે. સ્મિતનું સ્કાલિંગ અને આગળનો અભ્યાસ પણ મુંબઈમાં જ થયો હતો. સ્મિતના લગ્ન વર્ષ 2012માં થયા હતા. મુંબઈમાં 11 વર્ષ નોકરી કર્યા બાદ ફ્લાય દુબઈમાં જોડાયા હતા. સ્મિતે પોતાની એવિયેશન કારકિર્દી દરમિયાન મુંબઈમાં લગભગ 11 વર્ષ સુધી નોકરી કરી હતી. અહીં લાંબો સમય સેવા આપ્યા બાદ અને બહોળો અનુભવ મેળવ્યા પછી તેઓ આગળ વધીને ફ્લાય દુબઈ એરલાઇન્સ સાથે જોડાયા હતા.

વડાપ્રાધન મોદીએ પરિવાર સાથે વાત કરી,  ગુજરાત સરકારે પણ લીધો સન્માનનો નિર્ણય

કેપ્ટન સ્મિત મચ્છરનાં સાહસને આજે આખી દુનિયા સલામ કરી રહી છે ત્યારે પીએમ મોદીએ પણ તેમની પત્ની સોનલબેન, પિતા ભૂપેન્દ્રભાઈ, માતા ગીતાબેન સાથે વાત કરી તેમનાં ખબરઅંતર પૂછયાં હતાં. સાથે ગુજરાત સરકારે તેમને ‘ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવાનો નિર્ણય જાહેર કર્યો હોવાનું જણાવાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયા પર કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને બિરદાવ્યું હતું. તો જે વિસ્તારના તેઓ જમાઈ છે ત્યાંના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ પણ તેમની બહાદુરીને બિરદાવી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક