• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

મુંબઈ નજીક ફસાયેલાં જહાજમાંથી મળ્યા 4 મૃતદેહ

નૌકાદળે બહાર કાઢયા મૃતદેહ : ચોરીના ઈરાદે જહાજમાં ઘૂસ્યાની આશંકા

નવી દિલ્હી, તા. 1 : મુંબઈના બોરીવલી પશ્ચિમ સ્થિત ગોરાઈ મનોરી સમુદ્ર કિનારે છેલ્લા ચાર મહિનાથી ફસાયેલાં એક મોટા જહાજમાં ચાર લોકોના મૃતદેહ મળી આવતા સનસની ફેલાઈ હતી. જાણકારી અનુસાર આ ચારેય લોકો જહાજની અંદર કથિત રીતે ચોરી કરવા માટે ગયા હતા અને આ દરમિયાન ગેસ ગળતરનાં કારણે મૃત્યુ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અંદાજિત ચાર મહિના પહેલા જહાજ મનોરી સમુદ્ર કિનારે આવીને ફસાયું હતું. જહાજના માલિક સામે પહેલાથી જ કેસ નોંધાયેલો હોવાની માહિતી સામે આવી હતી અને વર્તમાન સમયે ફરાર છે. જહાજ માલિક વિદેશમાં હોવાની સંભાવના છે. પ્રાથમિક તપાસમાં દાવો સામે આવ્યો છે કે જહાજનો ઉપયોગ તેલ સંબંધિત અવૈધ કારોબાર માટે થતો હતો. જો કે દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.

આ દરમિયાન પોલીસ તપાસમાં જહાજ ઉપર પહેલા પણ બે  વખત ચોરીના બનાવની જાણકારી સામે આવી હતી. પહેલા ચોરોએ જહાજમાંથી અઢી લાખનો સામાન ચોરી કર્યે હતો જ્યારે બીજી વખત પાંચ લાખનો સામાન ચોરાયો હતો. હવે ત્રીજી વખત ચોરીના ઈરાદે આઠ લોકોની એક ટોળી સ્પીડ બોટની મદદથી જહાજ સુધી પહોંચી હતી. જેમાંથી ચાર લોકો પાઈપ કાપવા માટે જહાજમાં ગયા હતા. આ દરમિયાન ગેસ ગળતર થતાં મૃત્યુ થયાં હતાં.

 

ઇ-પેપરના નવા શુલ્ક