• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

ખાંડના ભાવમાં એકાએક નાટકીય ઘટાડો : કિલોએ રૂ. 7થી 10 તૂટયાં

શાપિંગ મોલમાં ખાંડ ખરીદવા કતારો જામતા હવે પાંચ કિલોની મર્યાદા

 

રાજકોટ,તા.26 : (ફૂલછાબ ન્યૂઝ) ખાંડના ભાવમાં જબરજસ્ત તેજી થયા પછી જોરદાર પ્રત્યાઘાતી ઘટાડો આવતા રાહત મળી છે. અલબત્ત ગયા વર્ષ કરતા ખાંડ હજુ ખૂબ મોંઘી હોવાને લીધે મધ્યમ-નાના વર્ગના બજેટ વધી ગયા છે. ખાંડના ભાવ 40 ટકા કરતા વધારે ઉંચકાઇ ગયા પછી ગુજરાતમાં જથ્થાબંધ સ્તરે 15 ટકા જેટલા નીચે આવ્યા છે. અલબત્ત ગયા વર્ષથી ખાસ્સા ઉંચા હોવાથી ગ્રાહકોમાં

કચવાટ છે.

ખાંડ વધારે મોંઘી થઇ જશે એવા ફફડાટથી અત્યારે મોલ કે સુપર માર્કેટમાં લોકો ખાંડ જથ્થાબંધમાં ખરીદી રહ્યા છે. પરિણામે સરકારે 5 કિલોની મર્યાદા બાંધી દીધી છે. મોટાં શોપીંગ મોલમાં જૂના ભાવની ખાંડ મળી રહી હોવાથી કિલોએ રૂ. 52થી 60 સુધી વેચાય છે. જોકે રિટેઇલમાં દુકાનો પર તેના કરતા રૂ. 7-8 મોંઘી વેચાઇ રહી છે તેમ વેપારીઓએ કહ્યું હતુ.

ઓછાં વરસાદને લીધે શેરડીનો નબળો પાકે તો ખાંડ પણ ઓછી બનશે અને ભાવ ખાસ્સો સમય ઉંચા રહેશે તેવા ફફડાટને લીધે જોરદાર તેજી વચ્ચે ખાંડનો ભાવ ગુજરાતમાં જથ્થાબંધ સ્તરે એક કિલોએ રૂ. 68થી 70 સુધી ગયા સપ્તાહના અંતે પહોંચી ગયો હતો. એ પછી આજરોજ મિલોએ રૂ. 58થી 60માં ખાંડ વેંચી હતી.

જોકે મિલોમાં ખાંડનો ભાવ રૂ. 9થી 10 જેટલો ઘટી જવા છતાં સ્થાનિક રિટેઇલ બજારમાં તેની મોટી અસર આવી નથી. રિટેઇલમાં રૂ. 70-72 સુધી પહોંચેલી ખાંડના રૂ. 65-66 બોલાય રહ્યા છે. વેપારીઓ પોતાની જૂના ભાવની ખરીદીમાં નફો લેવા માટે બે ચાર રૂપિયા સસ્તાંમાં પણ વેચાણ કરી રહ્યા છે.

ખાંડના એક વેપારી કહે છે, તેજી સટ્ટાકિય હોવાને લીધે કૃત્રિમ હતી. જોકે ભાવ એકધારા વધ્યા પછી વધારે પેનિક સર્જાયું અને વધુ ખરીદી થઇ એટલે તેજીને હવા મળી હતી. હવે સરકારે 10 લાખ ટન ખાંડની આયાત કરવાની જાહેરાત કરી એની અસર બજાર પર પડવા લાગી છે.

 

સીંગતેલમાં ડબે રૂ. 24 કપાસિયામાં રૂ. 30 ઘટયા

ખાંડની સાથે ખાદ્યતેલના ભાવમાં પણ ઘટાડો આવ્યો હતો. એકધારા વધતા જતા ભાવમાં અકળાતા લોકોને થોડી રાહત સાંપડી છે. સીંગતેલમાં નવા ડબાના ભાવમાં રૂ.25નો ઘટાડો થઇને નવા ટીનમાં રૂ. 2715-2765 થઇ ગયા હતા. જ્યારે કપાસિયા તેલમાં રૂ. 30 નબળા પડતા રૂ. 2800-2850 બોલાયા હતા. પામતેલમાં રૂ. 5 ઘટીને રૂ.2385-2390 હતા. કોપરેલમાં રૂ. 50 ઘટીને રૂ.4050-4100 રહ્યા હતા. જોકે સરસવમાં વિપરિત સ્થિતિમાં રૂ. 20 વધીને રૂ. 2660-2740 થઇ ગયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક