રાહુલના
ટેકા સામે ભાજપ સાંસદ કંગના રનૌતનો વળતો પ્રહાર
નવી
દિલ્હી, તા. 26 : અભિનેત્રી ક્રીતિ સેનન તાજેતરમાં એક જ્વેલરી બ્રાન્ડના રક્ષાબંધનના
વિજ્ઞાપનમાં પોતાના પહેરવેશ અને નેકલાઇનને કારણે સોશિયલ મીડિયા પર સખત ટ્રોલ થઈ રહી
છે. આ વિવાદ હવે બોલીવૂડથી લઈને રાજકારણ સુધી પહોંચી ગયો છે. આ સમગ્ર વિવાદ વચ્ચે કોંગ્રેસના
નેતા રાહુલ ગાંધી ક્રીતિ સેનનનાં સમર્થનમાં આવ્યા હતા. રાહુલએ જણાવ્યું હતું કે, ‘મહિલાએ
શું પહેરવું તે સંપૂર્ણપણે તેની પોતાની પસંદગી હોવી જોઈએ. આ નિવેદન બાદ કંગના રનૌતે
ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા રાહુલ પર નિશાન સાધ્યું હતું. કંગનાએ એક કાર્ટૂન શેર કર્યું
હતું, જેમાં એક છોકરો પિતૃસત્તા ખતમ કરવાની વાત કરે છે અને છોકરી તેને રોકીને કહે છે
કે, બ્રો, રોકો, ભારત માતા કી જય શરૂ કરીએ. બીજી તરફ ભાજપે પણ રાહુલની ટીકા કરી હતી.
ભાજપે આક્ષેપ કર્યો કે, જ્યારે મનુસ્મૃતિ અને હિંદુ મહિલાઓની વાત આવે ત્યારે રાહુલ
ગાંધી પિતૃસત્તા ખતમ કરવાની વાત કરે છે, પરંતુ જ્યારે હિજાબ અને અબાયાની વાત આવે છે
ત્યારે એ જ સિદ્ધાંત અચાનક તેમની પસંદગીની આઝાદીમાં બદલાઈ જાય છે.