• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

પોરબંદરમાં ડીઝલ પંપ પાસ કરાવવાની લાલચ આપી યુવાન સાથે 64 લાખની છેતરાપિંડી

અમદાવાદાના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા ઇસમે વર્ષ 2020થી વર્ષ 2023 સુધીમાં રૂપિયા પડાવ્યા : ઉચ્ચકક્ષાએથી મળેલા આદેશ બાદ નોંધાયો ગુનો

પોરબંદર, તા.26: પોરબંદરના એક યુવાનને ડીઝલ પંપની મંજૂરી ગાંધીનગરથી કરાવી આપવાની લાલચ આપી અમદાવાદના એક ઇસમે રૂ.64 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ હાર્બર મરીન પોલીસ મથકે નોંધાઈ છે. મંજૂરી પણ ન મળતા અને રૂપિયા પરત ન આપતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

વાઘેશ્વરીપ્લોટ વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર માધવજીભાઈ બરીદુને ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ એકતા મત્સ્યોદ્યોગ સહકારી મંડળીના પ્રમુખ છે. વર્ષ 2020માં અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા નિર્મળ જયસુખ પટેલ સાથે તેમની ઓળખાણ થઈ હતી. નિર્મળે પોતે લીઝવાળી જગ્યા કરાવી મંડળીઓના ડીઝલ પંપ પાસ કરાવવાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું. જીતેન્દ્રના પરિવારજનોએ બંદર પર ડીઝલ પંપ માટે જી.એમ.બી.ની લીઝવાળી જગ્યા હોવાનું જણાવતા નિર્મળે ગાંધીનગરથી મંજૂરી મેળવવા રૂ.64 લાખ જેટલો ખર્ચ થશે તેમ કહ્યું હતું. ત્યારબાદ વર્ષ 2021થી 2023 દરમિયાન આંગડિયા મારફતે રૂ.50.60 લાખ તથા રૂબરૂ રૂ.13.40 લાખ મળી કુલ રૂ.64 લાખ ચૂકવાયા હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. નિર્મળે ત્રણથી છ મહિનામાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી, પરંતુ સમય વીતી ગયા બાદ પણ મંજૂરી ન મળી. રૂપિયા પરત માંગતા અલગ-અલગ બહાના કાઢ્યા બાદ તેણે મોબાઇલ ફોન પણ બંધ કરી દીધો હતો. આ અંગે ફરિયાદીએ ગાંધીનગર પોલીસ ભવનના ડીઆઈજીને લેખિત અરજી કરી હતી. ઉચ્ચકક્ષાની સૂચના બાદ હાર્બર મરીન પોલીસે નિર્મળ પટેલ વિરુદ્ધ છેતરાપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક