રસુવાની ભોટેકોશી નદીમાં આવેલા ભીષણ પૂરમાં ગામો વહ્યા : 13 જળવિદ્યુત પરિયોજના ક્ષતિગ્રસ્ત : ચારે તરફ તબાહીના દ્રશ્યો : ભારત મદદ માટે તૈયાર : હિમાલયના ઉપરી હિસ્સામાંથી આવેલા પૂરે તબાહી મચાવી : કૈલાસ માનસરોવર યાત્રાએ જનારા લોકોની તલાશ તેજ, ઘણા નેપાળમાં ફસાયા
કાઠમાંડૂ, તા. 26 : નેપાળ માટે બુધવારનો દિવસ મોટી આફત લઈને આવ્યો હતો. નેપાળના રસુવા ક્ષેત્રમાં ભોટેકોશી નદીમાં આવેલા સૈલાબે ભીષણ તબાહી મચાવી હતી. અચાનક આવેલા ભારે પૂરના કારણે લોકોને ભાગવાનો પણ સમય રહ્યો નહોતો અને જોતજોતામાં ઈમારતો, વાહનો, લોકો અને રસ્તામાં આવતા તમામને સૈલાબે પોતાની ચપેટમાં લીધા હતા. આ બનાવમાં 95 લોકોના મૃત્યુની પુષ્ટિ સાંજ સુધીમાં જ થઈ હતી અને 463થી વધારે લોકો લાપતા થયા છે. જેમાં 133 જેટલા ભારતીય સામેલ છે. આ ઉપરાંત કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા મોટી સંખ્યામાં યાત્રિકો ફસાયા છે. જેવી ગંભીર પરિસ્થિતિ બની છે તેનાથી લાગી રહ્યું છે કે મૃત્યુઆંક હજી પણ વધી શકે છે. આ પૂરમાં 13 જેટલી જળવિદ્યુત પરિયોજનાને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંચ ચીનના મીડિયા અનુસાર તિબેટના ગિયોરેંગમાં ભૂસ્ખલન થયું હતું. જેમાં ત્રણના મૃત્યુ થયા છે અને 265 લોકો લાપતા છે.
ભાટેકોશી નદીમાં આવેલા વિધ્વંસકારી પૂર ઉપર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નેપાળના ઉપરી હિમાલયી ક્ષેત્રમાં ગ્લેશિયરનું તળાવ ફાટવાના કારણે અથવા તો બરફ ઓગળવાના કારણે અચાનક ઘટના બની છે કારણ કે સ્થાનિક સ્તરે ભારે વરસાદ થયો નથી. વધુમાં આ બનાવ પાછળ તિબેટમાં આવેલો ભૂકંપ જવાબદાર હોવાના અહેવાલ પણ સામે આવ્યા હતા. ભયાનક પૂરના વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા. જેમાં જોતજોતામાં રસ્તામાં આવતી તમામ વસ્તુઓ પૂરમાં સમાતી જોવા
મળી હતી. આ આફતમાં નેપાળને ભારે નુકસાન થયું છે અને ઘણા ગામો પુરા વહી ગયા છે. પૂરના કારણે રસ્તાઓ અને વીજ આપૂર્તિ પુરી રીતે ધ્વસ્ત થયા છે. રાહત અને બચાવકાર્ય તેમજ સાવધાનીના ભાગ રૂપે ઘણા હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે.
ભીષણ પૂરને આકાશમાં જોનારા એક હેલીકોપ્ટર પાયલટે બતાવ્યું હતું કે તેણે પાંચથી છ મીટર ઉંચી પાણીની લહેરો જોઈ હતી. પાયલટ અમન બુધાથોકી અનુસાર લેન્ડિંગથી પાંચ મિનિટ પહેલા નદીથી ધૂળ ઉડતી જોવા મળી હતી. પહેલા ભૂસ્ખલન લાગ્યું હતું પણ બાદમાં ધ્યાને આવ્યું હતું કે, આ ભીષણ પૂર છે. આ દ્રશ્ય ખુબ જ ભયાનક હતું. સેટેલાઈટ તસવીરોમાં પણ નેપાળની આફત સ્પષ્ટ રીતે જોવા મળી હતી. કૈલાસ માનસરોવર યાત્રાએ જનારા યાત્રિકો માટે નેપાળનો રસુવાગઢી મહત્વનો રસ્તો છે. પૂરના કારણે નેપાળ-ચીન સરહદ તરફ જતા રસ્તાને ભારે નુકસાન પહોંચ્યું છે. તેવામાં કૈલાશ માનસરોવર યાત્રાએ જનારા યાત્રીઓની તલાશ તેજ કરવામાં આવી છે.
નેપાળના પીએમ બાલેન શાહે ભોટેકેશી નદી ઉપર ભીષણ પૂરથી થયેલી ક્ષતિ ઉપર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, સરકારે સેના, પોલીસને રાહત અને બચાવ અભિયાનમાં લગાડયા છે. હેલીકોપ્ટરોથી 250થી વધારે લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. જ્યારે ઘાયલોને ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. લાપતા લોકોની તલાશ, ઘાયલોને ઈલાજ અને પ્રભાવિત પરિવારો સુધી ભોજન પાણી પહોંચાડવા નેપાળ સરકારની પ્રાથમિકતા છે. નેપાળમાં આફત બાદ ચીન તરફથી રાહત અને બચાવ દળ તેમજ સામગ્રી મોકલવા કવાયત કરવામાં આવી હતી. બીજી તરફ ભારત તરફથી પણ તમામ ટીમ અને સામગ્રીઓ તૈયાર કરી દેવામાં આવી હતી. જે બુધવારે મોડી રાત્રે નેપાળ માટે રવાના થાય તેવા અહેવાલો સામે આવ્યા હતા. સરકારી સૂત્રો અનુસાર ભારત સતત નેપાળના સંપર્કમાં છે અને સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે.
પીએમ મોદીએ નેપાળના પીએમ બાલેન શાહ સાથે ફોન ઉપર વાતચીત પણ કરી હતી અને જાનહાની ઉપર દુ:ખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ નેપાળને દરેક સંભવ માનવીય સહાયતા અને રાહત પહોંચાડવાનું આશ્વાસન આપ્યું હતું. નેપાળના બાગમતી પ્રદેશ પોલીસ અનુસાર રસુવા, નુવાકોટ, ધાદિંગ અને ચિતવનમાં ભારે તબાહી મચી છે.
નેપાળ પૂરપ્રકોપ બાદ બિહાર અને ઉત્તરપ્રદેશ હાઇએલર્ટ
પટણા, તા. 26 : નેપાળમાં પૂરપ્રકોપથી તબાહી બાદ બિહારમાં હાઇએલર્ટ જારી કરી દેવાયું હતું. બિહાર તેમજ ઉત્તરપ્રદેશના નેપાળ સીમા પાસેના વિસ્તારોમાં પ્રશાસનને સતર્ક રહેવા જણાવાયું હતું. દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરીને મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ સ્થિતિ પર ચર્ચા કરી હતી. બિહારના છ જિલ્લામાં એનડીઆરએફ જવાનોની ટીમ મોકલી દેવાઇ હતી. કોસી અને ગંડક નદી ક્ષેત્રમાં જળસ્તર વધવાની આશંકાને ગંભીરતાથી ધ્યાને લેતાં પ્રશાસનને એલર્ટ રખાયું છે. યોગી આદિત્યનાથે મહારાજગંજ અને કુશીનગરમાં ગંડક અને નારાયણી નદીઓમાં જળસ્તર વધવાની આશંકાએ પ્રશાસનને એલર્ટ રહેવા નિર્દેશ આપ્યો હતો.
ઈશા ફાઉન્ડેશનના 77 શ્રદ્ધાળુ લાપતા
નવી દિલ્હી, તા. 26 : નેપાળ અને તિબેટના સરહદી વિસ્તારમાં પૂરે જોરદાર તબાહી મચાવી છે. આ બનાવ બાદ તિબેટના થિરોંગમાં કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલું ઈશા ફાઉન્ડેશનનું એક પૂરું ગ્રુપ ફસાયું છે. વાપસી દરમિયાન શ્રદ્ધાળુ ચીનની ઈમિગ્રેશન ઓફિસે હતા ત્યારે અચાનક પૂરે તમામને ચપેટમાં લીધા હતા. ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક જગ્ગી વાસુદેવ (સદગુરૂ)એ કહ્યું હતું કે ઘટના બાદથી જ ઈમિગ્રેશન સેન્ટરમાં રહેલા કોઈપણ વ્યક્તિ અંગે જાણકારી મળી શકી નથી. તેવામાં પોતે પણ રાહત અને બચાવ કામગીરીની દેખરેખ કરવા ગિરોંગ પહોંચી ચૂક્યા છે.