• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

10 લાખની લાંચની ઓફરથી જૂનાગઢ નોબેલ આયુર્વેદ કોલેજમાં ખળભળાટ !

‘ભૂતિયા પ્રોફેસરો’ની તપાસમાં પર્દાફાશ બાદ સમાધાન માટે લાંચની ઓફર કરી હોવાની ફરિયાદ

જૂનાગઢ, તા.26 : જૂનાગઢની નોબેલ આયુર્વેદ કોલેજમાં કાગળ પર દર્શાવાયેલા ‘ભૂતિયા પ્રોફેસરો’ની તપાસ બાદ લાંચની ઓફર કર્યાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આ મામલે કોલેજના ટ્રસ્ટી પ્રતીક મોરી અને પ્રોફેસર ડો.અભય નાલવડે સામે દિલ્હી સીબીઆઈની એન્ટી કરપ્શન બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે.

નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન દ્વારા કોલેજના પ્રોફેસરોની ચકાસણીની જવાબદારી લખનઉના મહિલા પ્રોફેસર ડો.રૂપાલી મહાડીકને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન કોલેજ દ્વારા દર્શાવવામાં આવેલા કેટલાક પ્રોફેસરો વાસ્તવમાં હાજર ન હોવાના આક્ષેપો સામે આવ્યા હતા. આ મામલો બહાર આવ્યા બાદ તપાસને દબાવવા અથવા સમાધાન કરવા માટે કોલેજના ટ્રસ્ટી અને પ્રોફેસરે ડો.રૂપાલી મહાડીકને વોટ્સએપ કોલ મારફતે રૂ.10 લાખની લાંચની ઓફર કરી હોવાનો આક્ષેપ છે. જોકે, મહિલા પ્રોફેસરે આ ઓફર સ્વીકારવાને બદલે સમગ્ર મામલાની જાણ ગઈઈંજખના પ્રમુખ ડો.મુકુલ પટેલને કરી હતી.

ત્યારબાદ ઉચ્ચ કક્ષાએથી ફરિયાદ કરવાની સૂચના આપવામાં આવી હતી. ડો.મહાડીકે દિલ્હી સીબીઆઈની એસીબી કચેરીમાં બંને સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સીબીઆઈએ ગુનો નોંધતાં શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી છે. આ ઘટનાએ ખાનગી આયુર્વેદિક કોલેજોમાં સ્ટાફની હાજરી અને શૈક્ષણિક માળખાની ચકાસણી અંગે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક