• શનિવાર, 18 એપ્રિલ, 2026

રાહુલ સામે FIRનો આદેશ : બેવડી નાગરિકતા મુદ્દે મુશ્કેલી વધી

અલ્હાબાદ હાઈ કોર્ટની લખનઉ બેંચનો રાયબરેલી પોલીસને આદેશ : સીબીઆઈ કરશે તપાસ

નવી દિલ્હી, તા. 17 : લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. અલ્હાબાદ હાઈ કોર્ટની લખનઉ બેંચે એક મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે રાયબરેલીમાં કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે. આ કેસ રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતા સંબંધિત છે. આ ઉપરાંત અદાલતે ઉત્તર પ્રદેશ સરકારની માગનો સ્વીકાર કરતા તપાસ સીબીઆઈને સોંપવાની અરજી માની હતી.

ભાજપ નેતા વિગ્નેશ શિશિરે અલ્હાબાદ હાઈ કોર્ટની લખનઉ બેંચમાં એક અરજી દાખલ કરી હતી. તેમની માગણી હતી કે રાહુલ ગાંધી સામે એફઆઈઆર નોંધવામાં આવે કારણ કે રાહુલ ઉપર આરોપ છે કે તેમની પાસે બ્રિટનની નાગરિકતા છે. આરોપ એવો હતો કે રાહુલ બે દેશની નાગરિકતા ધરાવે છે. એટલે કે એક તરફ તેઓ ભારતીય નાગરિક છે તો બીજી તરફ બ્રિટિશ પાસપોર્ટ પણ ધરાવે છે. ભારતનો કાયદો કહે છે કે એક વ્યક્તિ પાસે માત્ર એક જ દેશની નાગરિકતા હોઇ શકે. જો કોઈની પાસે બેવડી નાગરિકતા હોય તો તે ભારતમાં ચૂંટણી લડી શકે નહી અને સાંસદ પણ ન બની શકે.

2024માં લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી રાયબરેલીથી સાંસદ ચૂંટાયા હતા. ત્યાર બાદ વિગ્નેશ શિશિરે કોર્ટમાં અરજી કરી હતી કે જો રાહુલ ગાંધી પાસે બ્રિટીશ નાગરિકતા હોય તો તેમનું સાંસદ બનવું ગેરકાનૂની છે. આ મામલે જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની બેંચે અરજી સાંભળી હતી અને એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે રાયબરેલી પોલીસને નિર્દેશ આપ્યો હતો કે રાહુલ સામે કેસ દાખલ કરવામાં આવે. આ ઉપરાંત કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારની સીબીઆઈ તપાસની માગ પણ માની હતી.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક