ટ્રમ્પે કહ્યું, એકાદ-બે દિવસમાં જ ઈસ્લામાબાદમાં ફરીથી બેઠક સંભવ : ઈરાન પરમાણુ સંવર્ધનનાં અધિકાર મુદ્દે અડગ
યુદ્ધવિરામ
સુધી હોર્મુઝ ખુલ્લો રાખવા ઈરાનનું એલાન : ક્રૂડ ઓઈલનાં ભાવમાં 11 ટકાનો કડાકો: ફરીથી
પાક.માં ઈરાન-અમેરિકા વચ્ચે વાટાઘાટની તૈયારી
નવી
દિલ્હી, તા.17: ઉર્જા સંકટનો સામનો કરી રહેલા વિશ્વ માટે ખુબ જ મોટા રાહતનાં વાવડ છે.
આખરે 40 દિવસ બાદ ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને કામચલાઉ યુદ્ધવિરામની અવધિ સુધી ખોલી
નાખવાનું એલાન કરી દીધું છે. ઈરાનનાં વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીને આની ઘોષણા કરતાં
કહ્યું હતું કે, હવે તમામ જહાજો આરામથી સલામત રીતે હોર્મુઝમાંથી પસાર થઈ શકશે. લેબનોનમાં
યુદ્ધવિરામ બાદ ઈરાને આ નિર્ણય કર્યો છે. ઈરાનનાં વિદેશમંત્રીનાં આ એલાન બાદ અમેરિકાનાં
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આની જાણકારી આપીને ધન્યવાદ પાઠવ્યા હતાં. ઈરાનની આ ઘોષણા
સાથે જ ક્રૂડ ઓઈલનાં આંતરરાષ્ટ્રીય ભાવમાં 11 ટકા જેટલો મોટો કડાકો બોલી ગયો હતો.
ઉલ્લેખનીય
છે કે, અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ 2 દિવસ પહેલા હોર્મુઝમાંથી નાકાબંધી
હટાવવાની ઘોષણા કરી હતી અને કહ્યું હતું કે, ચીન સાથે તેમને વાતચીત થઈ છે અને નાકાબંધી
હટાવી લેવાશે. ઈરાને પણ હોર્મુઝ મુદ્દે અમેરિકાની વાત માની લીધી છે. ઉલ્લેખનીય છે કે,
યુદ્ધવિરામને આગળ લંબાવવા માટે ઈરાન ઉપર હોર્મુઝ ખોલવાનું દબાણ હતું. અમેરિકાની શરત
હતી કે, હોર્મુઝ ખુલે તો જ યુદ્ધવિરામની વાટાઘાટ આગળ વધી શકશે. આ ઉપરાંત ફ્રાન્સમાં
40 દેશોની પણ હોર્મુઝ ખોલાવવા માટે બેઠક મળવાની હતી. જેમાં ફ્રાન્સ, બ્રિટન સહિતનાં
અગ્રણી પશ્ચિમી દેશનાં નેતાઓ સામેલ થવાનાં છે.
હોર્મુઝ
ખુલી ગયા બાદ અમેરિકા અને ઈરાન યુદ્ધ રોકવા માટેની સમજૂતીની બેહદ નજીક છે અને આગામી
એકાદ-બે દિવસમાં જ ફરી એકવાર બન્ને દેશનાં પ્રતિનિધિમંડળ વચ્ચે શાંતિ વાટાઘાટો થવાની
સંભાવના હોવાનું અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે. જો કે સામે પક્ષે
ઈરાને ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે, તે પોતાનાં પરમાણુ સંવર્ધનનાં અધિકારો સાથે
કોઈ બાંધછોડ નહીં કરે. તો અમેરિકાએ પણ હોર્મુઝની નાકાબંધીને વધુ સઘન બનાવવા માટે
12 યુદ્ધ જહાજો અને 100 લડાકૂ વિમાનોની તૈનાતી કરી દીધી છે.
શાંતિ
સમજૂતી માટે અમેરિકા ઈચ્છે છે કે, ઈરાન 20 વર્ષ માટે પોતાનાં પરમાણુ કાર્યક્રમને સ્થગિત
રાખે. જો કે ઈરાન માત્ર પાંચ વર્ષ માટે જ આવું કરવાની જીદ્દ ઉપર અડી ગયું છે. અમેરિકા
ઈરાનનું ઉચ્ચ સંવર્ધિત યુરેનિયમ દેશની બહાર મોકલી દેવામાં આવે તેનાં માટે દબાણ કરી
રહ્યું છે. જ્યારે ઈરાન તેનાં બદલામાં પોતાનાં ઉપર લાગેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને
હટાવવાની માગણી કરી રહ્યું છે.
ઈરાન
અને અમેરિકા વચ્ચે પૂર્ણ યુદ્ધવિરામ માટે એક સાથે 4 પૈડાં ફરી રહ્યાં છે. એકબાજુ પાક.નાં
સેના પ્રમુખ આસીમ મુનીર તહેરાનમાં અમેરિકાનો પ્રસ્તાવ અને શરતો લઈને બેઠકોનો દોર સંભાળી
રહ્યાં છે. બીજીબાજુ પાક.નાં પ્રધાનમંત્રી ઈજિપ્ત, સાઉદી અરબ અને કતાર સાથે મધ્યસ્થતાનો
પ્રસ્તાવ ઘડવાની મથામણમાં છે. ત્રીજા મોરચે ટેકનિકલ ટીમો વચ્ચે વાતચીત ચાલી રહી છે
અને તેમાં સંવર્ધિત યુરેનિયમને પાતળું કરવા માટે ઈરાન અને અમેરિકાની ટીમો વાટાઘાટ કરી
રહી છે. તો યુરોપીય દેશો પણ યુદ્ધવિરામ માટે સક્રિય બન્યા છે. ફ્રાન્સમાં 40 દેશની
એક મીટિંગ થવાની સંભાવના છે. જેમાં હોર્મુઝ કેવી રીતે ખોલાવવું તેનાં વિકલ્પોની ચર્ચા
થઈ શકે છે.
એકબાજુ
યુદ્ધવિરામની વાટાઘાટોના પ્રયાસો ચાલી રહ્યાં છે ત્યારે બીજીબાજુ અમેરિકાએ ઈરાન ઉપર
આર્થિક ભીંસ વધારવા માટે હોર્મુઝની નાકાબંધી માટે વધુ જહાજો અને યુદ્ધવિમાનો તૈનાત
કરી દીધા છે. હોર્મુઝ ઉપરાંત અમેરિકાએ ઈરાનનાં બંદરોની નાકાબંધીથી આગળ વધીને હવે દુનિયાભરમાં
તૈનાત પોતાની નૌસેનાને એવા કોઈપણ જહાજને રોકવાની અનુમતી આપી દીધી છે જે ઈરાન સાથે સંકળાયેલું
હોય. ઈરાન સરકારને મદદ કરતાં હથિયાર, ઓઈલ, ધાતુ કે ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેવી સામગ્રીની
હેરફેરની આંશકા હોય તેવા તમામ જહાજોને અમેરિકા રોકવાની ફિરાકમાં છે. અમેરિકાનાં આ પગલાથી
ઓઈલ સંકટ વધુ ઘેરાઈ શકે છે.
ઈરાનનાં
ઉપવિદેશ મંત્રીએ કહ્યું હતું કે, તહેરાન હવે કોઈપણ હંગામી યુદ્ધવિરામનો અસ્વીકાર કરે
છે અને તે સમગ્ર ક્ષેત્રમાં યુદ્ધનો કાયમી અંત ઈચ્છે છે. દરમિયાન લેબનોનમાં ઈઝરાયલ
સાથે 10 દિવસનાં યુદ્ધવિરામનાં પગલે ઉજવણીઓનો દોર શરૂ થયો હોવાનાં અહેવાલો આવી રહ્યાં
છે. હિઝબુલ્લાહે કહ્યું છે કે, તે આ યુદ્ધવિરામનો સાવધાની પૂર્વક અમલ કરશે.