યુદ્ધવિરામ
સાથે જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા ઈરાન સહમત
કયામતની
રાત પહેલા થઈ ગઈ સમાધાનની વાત : ઈરાન-અમેરિકા વચ્ચે બે સપ્તાહનો યુદ્ધવિરામ, પાક.માં
કરશે સમજૂતી માટે બેઠક
યુદ્ધવિરામની ઘોષણા પછી પણ સામસામા હુમલા
ચાલુ
ઈરાન અને ખાડી દેશોમાં વિસ્ફોટો ગુંજતા
રહ્યાં : લેબનોનમાં યુદ્ધવિરામ નકારતું ઈઝરાયલ
ઈરાનને
શત્રો પૂરા પાડનાર દેશ ઉપર 50 ટકા ટેરિફની ટ્રમ્પની ધમકી
નવી
દિલ્હી, તા. 8: ઈરાનને આપવામાં આવેલા અલ્ટીમેટમનાં આગલા દિવસે અમેરિકાનાં રાષ્ટ્રપતિએ
ઈરાનને દુનિયાનાં નક્શામાંથી ભૂંસી નાખવાની અને એક આખી સભ્યતાને ખતમ કરી નાખવાની ભયાનક
ધમકી આપ્યા બાદ આખી દુનિયાનાં શ્વાસ અદ્ધર થઈ ગયા હતાં પણ આમાં રાતોરાત આવેલા એક નાટકીય
વળાંકે વિશ્વને મોટો હાશકારો કરાવી દીધો. અમેરિકા અને ઈરાને બે સપ્તાહ માટે યુદ્ધવિરામની ઘોષણા કરી દીધી. જેનાં ભાગરૂપે
અમેરિકાએ ઈરાનમાં બોમ્બમારો તાત્કાલિક અસરથી રોકી નાખવાનો અને સામે છેડે ઈરાન સ્ટ્રેટ
ઓફ હોર્મુઝમાંથી વેપારી જહાજોને સુલામત માર્ગ આપવા સહમત થઈ ગયું હતું.
આ યુદ્ધવિરામ
પછી ઈરાને વિજયનો દાવો કરતાં કહ્યું હતું કે, શુક્રવારે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં
અમેરિકા સાથે યોજાનારી વાટાઘાટો યુદ્ધ સમાપ્તીની બાંયધરી નથી. તો બીજીબાજુ ઈઝરાયલનાં
પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ પણ અલગ રંગ દેખાડતાં યુદ્ધવિરામનાં અમેરિકાનાં નિર્ણય
સાથે તો સહમતી દેખાડી હતી પણ આ યુદ્ધવિરામમાંથી લેબનોન બાકાત હોવાનું સ્પષ્ટ કરી દીધું
હતું. જો કે ઈઝરાયલનાં આવા વલણથી ઈરાન પણ ફરી ભડક્યું હતું અને કહ્યું હતું કે, જો
લેબનોનમાં હુમલા નહીં અટકે તો તેલઅવીવ તરફ પણ મિસાઈલો મારવામાં આવશે.
યુદ્ધવિરામ
માટે ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાનને તેની સામેનાં પ્રતિબંધો અને ટેરિફમાં રાહત મળી
શકશે પણ તેને યુરેનિયમ સંવર્ધન તો કરવા દેવાશે નહીં. આટલું જ નહીં ટ્રમ્પે ઈરાનને શત્રો
પૂરા પાડનારા દેશો ઉપર પ0 ટકા ટેરિફ લાગુ કરવાની ચેતવણી પણ આપી હતી.
આ યુદ્ધવિરામ
બાદ પણ ઈઝરાયલે લેબનોનમાં આજે પણ હુમલા જારી રાખ્યા હતાં. બીજીબાજુ ખાડી દેશોમાં પણ
ઈરાને હુમલા ચાલુ રાખ્યા હોવાનાં અહેવાલો મળતાં આ યુદ્ધવિરામની ગંભીરતા સામે સવાલો
ઉઠવા લાગ્યા હતાં. સાઉદી અરબની ઈસ્ટ-વેસ્ટ ઓઈલ પાઈપલાઈન ઉપર ડ્રોનથી હુમલો થયો હોવાનાં
સમાચાર પણ મળ્યા હતાં. ઈરાનનાં સિર્રી દ્વીપ ઉપર પણ અનેક ધડાકા થયા હોવાનું જાણવા મળ્યું
હતું. જો કે આ વિસ્ફોટનું કારણ હજી સુધી સ્પષ્ટ નથી. આ સીવાય ઈરાનનાં લાવન દ્વીપ ઉપર
એક ઓઈલ રિફાઈનરી ઉપર પણ હુમલો થયો હતો. આનો બદલો લેવા માટે ઈરાને ખાડી દેશોમાં હવાઈ
હુમલો કર્યો હતો. જેમાં યુએઈ અને કુવૈત ઉપર મિસાઈલો દાગી દેવામાં આવી હતી. આમાં કુવૈતમાં
ઓઈલ ફેસિલિટી અને વીજળી અને પાણીનાં મથકોને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.
આ દરમિયાન
અમેરિકાનાં રક્ષામંત્રી પીટ હેગશેથે દાવો કર્યો હતો કે, ઈરાન યુદ્ધવિરામની ગુહાર લગાવી
રહ્યું હતું અને તેથી જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેને સંભવ બનાવ્યું. તેમણે આગળ એવો પણ દાવો
કર્યો હતો કે, ઈરાનનાં નવા સર્વોચ્ચ નેતા પણ ઘાયલ થઈ ગયેલા છે.
યુદ્ધવિરામની
ઘોષણા કરતાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું
હતું કે, ઈરાન હોર્મુઝ ખોલવા તૈયાર થઈ ગયું છે અને તેમનાં 10 સૂત્રીય પ્રસ્તાવને સ્વીકારી
લીધો છે. તેમણે આગળ લખ્યું હતું કે, પાક.નાં પ્રધાનમંત્રી શહબાઝ શરીફ અને ફીલ્ડ માર્શલ
આસીમ મુનીર સાથે થયેલી વાતચીતનાં આધારે ઈરાન ઉપર કરવામાં આવનાર વિનાશક હુમલાને રોકવાનો
અનુરોધ કરાયો હતો. ઈરાને હોર્મુઝ ખોલવા સહમતી દેખાડતાં બે સપ્તાહ માટે પોતે હુમલા રોકવા
સહમત થઈ ગયા છે.