• ગુરુવાર, 09 એપ્રિલ, 2026

કલ્યાણપુરનાં લાંબામાં તળાવમાંથી મળેલા યુવાનના મૃતદેહનો ભેદ ઉકેલાયો, મિત્ર જ નીકળ્યો હત્યારો

ઉશ્કેરાયેલા આરોપીએ મૃતકને તળાવનાં પાણીમાં ધક્કો મારી ઉપરથી પથ્થરનો ઘા કરી હત્યા નીપજાવી

જામ ખંભાળિયા, તા.8 : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં પૈસાની લેતીદેતીના સામાન્ય ઝઘડામાં એક યુવકની પથ્થર મારીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ લાંબા ગામની બી.એ. પ્રેરણા કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા 22 વર્ષીય સંતોષકુમાર શિવશંકર ગ્વાલા (યાદવ) ને તેના જ મિત્ર અને સહકર્મી રામનરેશ મોતીલાલ સાકેત (રહે. મધ્ય પ્રદેશ) એ ગત સોમવાર 6 એપ્રિલ, 2026ના રોજ સવારના સમયે ગધા તળાવ પાસે નાસ્તો કરવાના બહાને લઈ ગયો હતો. ત્યાં સંતોષકુમારે રામનરેશ પાસે ખર્ચ માટે પૈસા માંગતા બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા આરોપી રામનરેશે સંતોષકુમારને તળાવનાં પાણીમાં ધક્કો મારી દીધો હતો અને ઉપરથી પથ્થરનો ઘા કરી તેની કરપીણ હત્યા નીપજાવી હતી.  

શરૂઆતમાં આરોપીએ આ ઘટનાને અકસ્માત ખપાવવાનો પ્રયાસ કર્યો હતો અને મૃતકના ભાઈ રામશકલને ફોન કરીને જણાવ્યું હતું કે સંતોષ તળાવમાં કૂદી પડયો છે. જોકે, બાદમાં પોલીસ દ્વારા કડક પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. કલ્યાણપુર પોલીસે આ મામલે મૃતકના મોટા ભાઈની ફરિયાદને આધારે આરોપી રામનરેશ વિરુદ્ધ હત્યા સહિતનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક