• મંગળવાર, 24 માર્ચ, 2026

ઈંધણની અછતની અફવાથી અંધાધૂંધી

- સૌરાષ્ટ્ર-કચ્છના 1000થી વધુ પેટ્રોલ પંપના પ્રતિનિધિઓએ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો પૂરો પાડવા રાજકોટમાં ઈંઘઈના અધિકારીઓને રજૂઆત કરી

 

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, અમદાવાદ, તા.23 : મીડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે અગાઉ ગેસની અછત અને હવે ઈંધણની અછત સર્જાઈ હોવાની અફવા ફેલાઈ રહી છે. જેને પગલે ગુજરાતમાં પેટ્રોલપંપો ઉપર લાઈનો લાગી રહી છે. જો કે, રાજ્ય સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ ખોટી અફવાઓથી દોરવાઈને પેટ્રોલ પંપ પર ભીડ કરવાની કોઈ જરૂર નથી. સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સપ્લાય ચેઈનમાં જે નાની-મોટી ક્ષતિઓ જણાતી હતી તેને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે અને દરેક વિસ્તારમાં ઇંધણનો પુરવઠો સમયસર મળી રહે તેવી ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 

સોશિયલ મીડિયામાં પેટ્રોલિયમ પેદાશોના સ્ટોક વિશે વિવિધ પ્રકારની ટિપ્પણીઓ ચાલતા રાજ્યની જનતામાં પેનિક જોવા મળ્યું હતું. જેના કારણે પેટ્રોલ મળતું બંધ થઈ જશે તેવા ડરના કારણે વાહનચાલકો પેટ્રોલ પંપ પર પહોંચવા લાગ્યા હતા. સાંજ પડતા જ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોના પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગતા ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા હતા. પેટ્રોલ પંપો પર ઉમટી પડેલી ભીડને કારણે અનેક જગ્યાએ ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.         

રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો રેગ્યુલર પૂરો પાડવા માટે પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિયેશન દ્વારા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના 1000થી વધુ પેટ્રોલ પંપના પ્રતિનિધિઓએ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો પૂરો પાડવા માટેની માગ કરી હતી. આ વચ્ચે રાજકોટ શહેરમાં આઈઓસીના 7 પંપ તેમજ નયરા અને રિલાયન્સના પંપ બંધ હોવાનું જાહેર થયું છે. રજાઓને કારણે સપ્લાય ચેનમાં થોડી સમસ્યા થઈ હોવાનું સામે આવ્યું છે જોકે એક અઠવાડિયામાં પરિસ્થિતિ પૂર્વવત્ થઈ જશે તેવી ખાતરી મળતા એસોસિયેશનના પ્રતિનિધિઓએ લોકોને કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવાની અપીલ કરી છે. દરમિયાન રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 264 અને શહેર વિસ્તારમાં 97 મળીને કુલ 361 પંપમાં પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. કંપનીઓ દ્વારા નિયમિત પૂરો પાડવામાં આવી રહ્યો છે. નાગરિકોને ગભરાટમાં આવીને પેટ્રોલ પંપો ઉપર ભીડ કરવાની જરૂર નથી.

અમદાવાદ શહેરમાં દસેક જેટલા પેટ્રોલ પંપ ઉપર ઈંધણનો જથ્થો ડિલિવર થયો નથી, જેને લીધે કામચલાઉ બંધ રખાયા છે. સોશિયલ મીડિયામાં વહેતી થયેલી વાતને લીધે લોકો પેટ્રોલ ભરાવવા માટે અમુક પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી રહ્યા છે. વડોદરામાં પણ ખાનગી પંપો પર શોર્ટ સપ્લાય હોવાથી વાહનચાલકો સરકારી પંપો તરફ વળ્યા છે, જેના કારણે ત્યાં ‘પેનિક બાઈંગ’ જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરતના દરેક પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી હતી. કેટલાક પેટ્રોલ પંપ પર પોલીસ બોલાવવી પડી હતી. પેટ્રોલ પંપ પર વાહનોની લાઈન લાગતા ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. પોલીસે સ્પીકર પર પેટ્રોલનો સ્ટોક પૂરતો હોવાની જાહેરાતો કરવી પડી હતી. રાજમાર્ગો પર ટ્રાફિકની અવ્યવસ્થા પણ જોવા મળી હતી.

દેવભૂમિ દ્વારકામાં શનિ-રવિની રજાઓ દરમિયાન પ્રવાસીઓનો ધસારો વધતા શહેરના મુખ્ય બે પેટ્રોલ પંપ ઉપર જથ્થો પૂર્ણ થતાં મુસાફરોને ઈંધણ વગર રઝળવાનો વારો આવ્યો હતો. ગોંડલમાં પણ પેટ્રોલ પપો ઉપર લાઈનો લાગતા પ્રાંત અધિકારી ગમારાએ અપીલ કરી હતી કે, અફવામાં દોરાવુ નહીં, સંભવત: અછતને પહોંચી વળવા તંત્ર સક્ષમ છે. પોરબંદરમાં પંપો ઉપર લાઈનો લાગી હતી. બોટાદમાં અચાનક પેટ્રોલ પપો ઉપર લાઈનો લાગી જતાં સંચાલકોને વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડી હતી. સ્થાનિક તંત્ર દ્વારા પણ અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરાઈ હતી. સુરેન્દ્રનગરમા પણ પેટ્રોલ પંપો ઉપર લાંબી લાઈનો જોવા મળી હતી. મોરબીમાં પેટ્રોલ પંપો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી. સાથે કલેક્ટરે અછતની અફવાથી દૂર રહેવા અપીલ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક