પશ્ચિમ બંગાળમાં 23 અને 29મી એપ્રિલ બે તબક્કામાં મતદાન, આસામ, કેરળ પુડ્ડુચેરીમાં 9, તામિલનાડુમાં 23 એપ્રિલે મતદાન : 4 મેનાં રોજ પરિણામ
નવીદિલ્હી,તા.1પ:
પશ્ચિમ બંગાળથી લઈને આસામ સુધી ચાર રાજ્ય અને એક કેન્દ્રીય પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની
ચૂંટણીનાં કાર્યક્રમનું આજે ચૂંટણીપંચે એલાન કરી દીધું હતું. આ કાર્યક્રમ મુજબ આસામ,
કેરળ અને પુડ્ડુચેરીમાં 9મી એપ્રિલે મતદાન યોજાશે. તામિલનાડુમાં 23મી એપ્રિલે મતદાન
થશે. જ્યારે એકમાત્ર પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન થશે. બંગાળમાં 23 અને 29મી
એપ્રિલે મતદાન થશે. તમામ રાજ્યોનાં ચૂંટણી પરિણામો 4 મે નાં રોજ ઘોષિત કરવામાં આવશે.
આ
ચૂંટણીમાં આશરે 17.4 કરોડ મતદારો દ્વારા પોતાનાં મતાધિકારનો પ્રયોગ કરવામાં આવશે. તમામ
વિધાનસભાની કુલ 824 બેઠકો માટે કુલ 2.19 લાખ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે અને
તેમાં 25 લાખ ચૂંટણી અધિકારીઓની તૈનાતી થશે.
ચૂંટણી
કાર્યક્રમની ઘોષણા કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, પંચે
છેલ્લા કેટલાક દિવસોમાં તમામ રાજ્યોનાં પ્રવાસ કરીને તૈયારીઓની સમીક્ષા કરી છે. ચૂંટણી
પંચની ટીમોએ આ રાજ્યોમાં જઈને રાજકીય દળો, અધિકારીઓ અને મતદારો સાથે પણ વાર્તાલાપ કર્યો
હતો અને ચૂંટણીની તૈયારીની ખાતરી કરી હતી.
આસામની
126 વિધાનસભા બેઠકો માટે એક તબક્કામાં 9મી એપ્રિલે મતદાન થશે. આવી જ રીતે કેરળની 140 બેઠકો માટે પણ 9 એપ્રિલે,
તામિલનાડુની 234 બેઠકો માટે 23મી એપ્રિલે, પુડ્ડુચેરીની 30 બેઠકો માટે 9 એપ્રિલે મતદાન
યોજશે. પાંચ વિધાનસભામાંથી એક માત્ર પશ્ચિમ બંગાળની કુલ 294 બેઠકો માટે 23 અને 29 એપ્રિલે,
એમ બે તબક્કામાં મતદાન યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત વખતે બંગાળમાં 8 તબક્કામાં
મતદાન યોજાયું હતું.
------
સરથી
લઈને હિંસા સુધીનાં સવાલોનો જવાબ આપતાં મુખ્ય ચૂંટણી કમિશનર
નવીદિલ્હી,તા.1પ:
પાંચ વિધાનસભાની ચૂંટણીનાં કાર્યક્રમની ઘોષણા સાથે મતદાર યાદીની ઘનિષ્ઠ સમીક્ષા(સર)થી
લઈને પંચ ઉપર લાગેલા આરોપ, આચાર સંહિતા પહેલા જ થયેલી લોભામણી જાહેરાતો અને ચૂંટણી
હિંસા સંબંધિત સવાલોનાં જવાબ પણ મુખ્ય ચૂંટણી કમિશનર તરફથી આપવામાં આવ્યા હતાં. જ્ઞાનેશ
કુમારે સર મુદ્દે થયેલા આરોપ વિશે જવાબ આપતા કહ્યું હતું કે, બંધારણનાં અનુચ્છેદ
326 હેઠળ ચૂંટણી પંચનું દાયિત્વ બને છે કે તે પાત્ર લોકોને જ મતદાર યાદીમાં જાળવશે.
જ્યાં સુધી રાજકીય દળો તરફથી કરવામાં આવેલા
નિવેદનોની વાત છે તો આ વિશે પંચ કંઈ જ કહેવા માગતું નથી. આચાર સંહિતાનાં પાલન વિશેનાં
સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, ચૂંટણી આચાર સંહિતા લાગુ થયા પહેલા જ ઘોષણાઓનો
સવાલ છે ત્યાં સુધી લોકતાંત્રિક વ્યવસ્થામાં કેન્દ્ર અને રાજ્ય સરકારો આચાર સંહિતા
પૂર્વે કોઈપણ નીતિ-નિર્ણય કરવા માટે સ્વતંત્ર છે. જો કે આચાર સંહિતા લાગુ થયા બાદ તે
કરી શકાતું નથી. ચૂંટણી હિંસા વિશે તેમણે કહ્યું હતું કે, ચૂંટણીને પ્રભાવિત કરતી રાજકીય
હિંસા સહિતની કોઈપણ પ્રવૃત્તિને ચલાવી લેવાશે નહીં. આવું કરનાર સામે કડક કાર્યવાહી
થશે.