પોરબંદર હાઈવે પર રીલ બનાવતા બે યુવાનના કાર અકસ્માતમાં મોતથી અરેરાટી
જેતલસર,તા.15: રાજકોટ-પોરબંદર
નેશનલ હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. જેતપુર નજીક આવેલી પેઢલા ચોકડી
પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી એક નવી નક્કોર વર્ના કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ
ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર બે આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ
નીપજ્યા છે, જ્યારે એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારની રજાના દિવસે
મિત્રો સાથે નીકળેલા આ યુવાનો સોશિયલ મીડિયા માટે ’રીલ’ બનાવી રહ્યા હોવાનું પ્રાથમિક
તપાસમાં બહાર આવ્યું છે. અકસ્માત પહેલાના વીડિયોમાં કારની સ્પીડ 150 કિમી/કલાકથી વધુ
હોવાનું સ્પીડોમીટરમાં દેખાઈ રહ્યું હતું. અતિશય ઝડપને કારણે ચાલકે સ્ટીયારિંગ પરથી
કાબૂ ગુમાવતા કાર સીધી ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફુરચા
ઉડી ગયા હતા અને એન્જિનનો ભાગ પણ છૂટો પડી ગયો હતો.આ અકસ્માતમાં 20વર્ષીય અવધ અરાવિંદભાઈ
તિવારી નામના યુવકનું ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું
હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત દેવરાજ જયેશભાઈ ગોસાઈ (ઉ.વ. 20) એ જૂનાગઢ ખાતે સારવાર દરમિયાન
દમ તોડયો છે. અકસ્માત થતા જ આસપાસના વાહનચાલકો
અને સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા એક યુવાનને તાત્કાલિક સારવાર
અર્થે જેતપુરની સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો
છે. ઘટનાની જાણ થતા જ જેતપુર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ
માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. માત્ર 20-22 વર્ષની વયના યુવાનોના આ રીતે અકાળે
અવસાનથી તેમના પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયાના ક્રેઝ
અને સ્ટંટના મોહમાં બે પરિવારોના ચિરાગ બુઝાઈ જતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ
છે.