• સોમવાર, 16 માર્ચ, 2026

અંબાજી મંદિરમાં મહેફિલ અંગે 11ના નિવેદન નોંધાયા રસોયા સહિત 26 લોકોને નિવેદન નોંધાવવા તંત્રનું તેડું

જૂનાગઢ તા.15: ગીરનાર પર્વત પર આવેલા શક્તિપીઠ અંબાજી મંદિરના ભંડારામાં મહેફિલ મુદ્દે પ્રાંત અધિકારી ચરણાસિંહ ગોહિલે તપાસ હાથ ધરી રસોયા સહિત 26 લોકોને નિવેદન માટે બોલાવતા તે પૈકી 11 ઉપસ્થિત રહેતા તેઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા તેમજ મંદિરમાં જરૂરી ફેરફારો માટે કડક સૂચના આપવામાં આવી હતી. 

અંબાજી મંદિરના ભંડારમાં દારૂ, નોનવેજની પાર્ટીનો વિડીયો વાયરલ થયા બાદ વહીવટદારે તાકીદની અસરથી રસોયા સહિત 11ની હકલપટ્ટી કરી હતી. જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસિયાએ પ્રાંત અધિકારીને તપાસના આદેશ આપ્યા હતા. તે મુજબ પ્રાંત અધિકારી સવારે અંબાજી મંદિર પહોંચ્યા હતા અને રસોયા સહિત 26ને તેડું મોકલ્યું હતું. આ પૈકી 11 લોકો નિવેદન માટે ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત અધિકારીએ તેઓના નિવેદન નોંધ્યા હતા તેમજ ભંડાર અને મંદિરનું જાતનિરીક્ષણ કરી દાનની રકમ દાનપેટીમાં જ નાખવાની કડક સૂચના આપી હતી.   આ મહેફિલ મુદ્દે બે દિવસ પહેલા મહેફિલમા સંડોવાયેલા સગીરે મીડિયા સમક્ષ ઘટસ્ફોટ કર્યો હતો. તેમાં મિત્રોએ જ સોડામાં દારૂ ભેળવી પીવડાવી વિડીયો ઉતાર્યો હતો. આ દારૂ મંદિરનો પૂજારી જ લાવ્યો હતો અને પાર્ટીમાં 8 થી 10 લોકો સામેલ હતા. તેમા છ પૂજારીઓ હોવાનો આક્ષેપ કર્યો છે. આમ આ સમગ્ર વિવાદમાં પ્રાંત અધિકારીએ તપાસ હાથ ધરી છે. આગામી દિવસોમાં તપાસ અહેવાલ જિલ્લા કલેકટરને સુપ્રત કરાશે ત્યારબાદ દોષિતો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક