• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

અમદાવાદમાં નજીવી બાબતે સગીરે છરીના ઘા ઝીંકી યુવકની હત્યા નીપજાવી

ઘરના ઓટલા પર બેસવા બાબતે ઠપકો આપ્યાનો ખાર રાખી રહેંસી નાખ્યો : સગીર સહિત બે આરોપીની ધરપકડ

અમદાવાદ,તા.22  : અમદાવાદમાં ઘરના ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે સગીર સહિત બે શખ્સોએ યુવકની છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા નીપજાવતા ચકચાર મચી જવા પામી છે. બહેરામપુર વિસ્તારની ઘટનામાં પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ સગીર સહિત બંને આરોપીને દબોચી લીધા હતા.

જાણવા મળતી વિગત મુજબ બહેરામપુર વિસ્તારની દૂધવાળી ચાલીમાં 19 વર્ષીય હિમેશ પરમારની પાડોશમાંજ તેની સરખી વયનો યુવક ગૌતમ સોલંકી પણ ભાડે રહેતો હતો. હિમેશ અને ગૌતમ એકબીજાના પરિચયમાં અગાઉથી જ હતા. ગૌતમનો સગીર મિત્ર અવારનવાર તેના ઘરે મળવા જતો હતો. ગૌતમ અને તેનો સગીર મિત્ર હિમેશના ઘર આગળ ઓટલે બેસીની ઊંચે અવાજે વાતચીત કરતા હતા. જે બાબતે હિમેશે ઠપકો આપતા એક વર્ષથી બોલાચાલી થતી હતી. જેથી સગીરે ઝઘડાનો ખાર રાખી હિમેશની હત્યાનું કાવતરું રચી ચોટીલાથી છરી લીધી હતી. બાદમાં સગીર અને તેના મિત્ર ગૌતમે તા.21ના રાત્રિના હિમેશ ઘરેથી બહેરામપુરના હિરાલક્ષ્મી માર્કેટ તરફ જવા નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં સગીર અને ગૌતમે તેને રોકીને વાતોમાં ગૂંચવી રાખી અચાનક સગીરે છરીના ઘા ઝીંકી હિમેશને મોતને ઘાટ ઉતારી દીધો હતો.  બનાવની જાણ થતા કાગડાપીઠ પોલીસ  તાત્કાલિક ઘટના સ્થળે હાજર થઇ હતી. મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ હતી.

આ બનાવમાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઉચ્ચ સ્તરીય હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીઓની ગતિવિધિઓ પર નજર રાખી ગણતરીના કલાકોમાં જ સગીર અને તેના સાથીદારને રિવરફ્રન્ટ ખાતેથી પકડી પાડ્યા હતા. ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક