• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

રશિયા પાસેથી ઓઈલ ખરીદાશે કે નહીં ? ભારત સરકારે આપ્યો જવાબ

ઊર્જા સુરક્ષા અને ફાયદો ધ્યાને રાખીને ભારત વેનેઝુએલા સહિત કોઈપણ વિકલ્પમાંથી ઓઈલ ખરીદશે : વિદેશ મંત્રાલય

 

નવીદિલ્હી, તા.પ: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર ટેરિફ ઘટાડવાની ઘોષણા કરવા સાથે રશિયા પાસેથી ઓઈલ ખરીદી બંધ કરવા ભારતે સહમતી આપી દીધાનો દાવો કરતાં ભારતની ઓઈલ ખરીદ નીતિ ફરીથી ચર્ચાનાં કેન્દ્રમાં આવી ગઈ છે. આ મુદ્દે હવે ભારત સરકાર તરફથી પણ અભિગમ સ્પષ્ટ કરી દેવામાં આવ્યો છે. ભારતે કહ્યું છે કે, વેનેઝુએલા ભારતનો જૂનો વેપારી ભાગીદાર દેશ છે. તેનાં ઉપર પ્રતિબંધોને પગલે ભારતે ત્યાંથી ઓઈલની ખરીદી બંધ કરી હતી પણ હવે તેનાં ઉપરથી પ્રતિબંધ હટી ગયા છે ત્યારે ઓઈલની આયાતમાં ભારતની ઊર્જાની જરૂરિયાત અને ભાવમાં ફાયદો ધ્યાને

રાખીને વેનેઝુએલા સહિત કોઈપણ વિકલ્પ ઉપર વિચાર કરવા માટે ભારત તૈયાર છે.

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનાં દાવા બાદ રશિયાએ પણ ભારત ઉપર ભરોસો દાખવતી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, મિત્ર દેશ ભારત પોતાનું વલણ બદલે તેવું માની લેવા માટે કોઈ કારણ નથી. રશિયાનાં વિદેશ મંત્રાલયની પ્રવક્તા મારિયા ઝાકારોવાએ કહ્યું હતું કે, અમેરિકાનાં રાષ્ટ્રપતિ દ્વારા કોઈ સ્વતંત્ર દેશને કોની સાથે વેપાર કરવો તે કહેવું કંઈ નવી વાત નથી. જ્યારે રશિયા પાસે એવું માનવાને પણ કોઈ કારણ નથી કે, મિત્ર ભારત દેશ તરફથી પોતાનું વલણ બદલી લેવામાં આવ્યું છે. ભારત કોઈપણ દેશ પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા સ્વતંત્ર છે. રશિયા એ પણ જાણે છે કે, ભારતને એકમાત્ર રશિયા ઓઈલ પૂરું પાડતું હોય તેવું નથી. ભારત પોતાનાં વિકલ્પોમાંથી ઓઈલ ખરીદતું રહે છે અને આમાં કંઈ નવું નથી.

અમેરિકાનાં દાવાને પગલે છેડાયેલી ચર્ચા વચ્ચે આજે ભારતનાં વિદેશ મંત્રાલયે અધિકૃત સ્પષ્ટતામાં કહ્યું હતું કે, બજારની સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય બદલાવો અનુસાર ઊર્જાનાં સ્રોતોમાં વિવિધતા લાવવી ભારતની ખરીદનીતિનો મુખ્ય હિસ્સો રહ્યું છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રણધીર જયસ્વાલે આગળ જણાવ્યું હતું કે, સરકાર તરફથી અનેકવાર સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, 1.4 અબજ ભારતીયોની ઊર્જા સુરક્ષાની ખાતરી કરવી સૌથી મોટી પ્રાથમિકતા છે. ભારતનાં તમામ નિર્ણયો આ બાબતને ધ્યાને રાખીને જ કરવામાં આવે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક