• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

ઢીલ દે દે રે ભૈયા...: આજે અને કાલે પવન મોજ કરાવશે પતંગબાજોએ પતંગ સંભાળવી પડશે, સૌરાષ્ટ્રમાં 12થી 14 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે

રાજકોટ, તા.13: ગુજરાતીઓ જેના માટે આખું વર્ષ આતુરતાથી રાહ જોતા હોય છે, તેવો પતંગોત્સવ એટલે કે ઉત્તરાયણનો તહેવા આવી ગયો છે. ધાબા પર સાઉન્ડ સિસ્ટમ અને પતંગ-દોરાની તૈયારીઓ થઈ ગઈ છે, પણ દરેક પતંગરસિયાના મનમાં એક જ સવાલ છે- ‘આ વખતે પવન દેવતા સાથ આપશે કે કેમ? ત્યારે પતંગરસિયાઓ માટે આ વખતે સારા સમાચાર છે. આવતીકાલે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે પવનની સ્થિતિ અત્યંત અનુકૂળ રહેશે, જેના પરિણામે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે.

હવામાન વિભાગ મુજબ, 14-15 જાન્યુઆરીના રોજ પવનની ઝડપ 5થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જેમાં 14મી જાન્યુઆરીએ પવન મુખ્યત્ત્વે ઉત્તર-પશ્ચિમ દિશાનો રહેશે જ્યારે 15મીએ પણ ઉત્તર-પશ્ચિમ તરફથી પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર ઝોનમાં પવનની દિશા ઉત્તર-પૂર્વની રહેશે, જે પતંગબાજો માટે કાઇપો છેના નાદ સાથે તહેવાર માણવા માટે ઉત્તમ સાબિત થશે. વાતાવરણની સ્થિતિ અંગે વાત કરીએ તો, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. તાપમાનમાં પણ સતત વધ-ઘટ જોવા મળશે. આગામી 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં થોડો વધારો થશે, પરંતુ ત્યારબાદના 4 દિવસમાં પારો 2થી 3 ડિગ્રી જેટલો ગગડી શકે છે. ખાસ કરીને વહેલી સવારે અને રાત્રે ઠંડીનું જોર વધવાની શક્યતા છે.

ઉતરાયણ બપોરના સમયે પવનની ગતિમાં સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે. બપોરેથી લઈને સાંજ સુધી મોટાભાગના વિસ્તારોમાં પવનની ગતિ 7 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેવાની શક્યતા છે. જોકે, આ દરમિયાન વચ્ચે-વચ્ચે પવનના લહેરા 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ફૂંકાઈ શકે છે, જે સમયે પતંગબાજોએ પતંગ સંભાળવી પડશે. 14મી જાન્યુઆરી પતંગ ચગાવવા માટે વધુ સાનુકૂળ દિવસ રહેશે. 15મી જાન્યુઆરીએ (વાસી ઉત્તરાયણ) સવારના સમયે પવનની ગતિ ઓછી રહેશે અને દિવસ દરમિયાન 4થી 6 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે 14મી તારીખની સરખામણીએ ઓછી ગણી શકાય.

ઝોન વાઇઝ પવનની સ્થિતિ

ઉત્તર ગુજરાતમાં 10થી 12 કિમી પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં 12થી 14 કિમી પ્રતિ કલાક તથા દક્ષિણ ગુજરાતમાં 13થી 14 કિમી પ્રતિ કલાક અને મધ્ય ગુજરાતમાં 10થી 11 કિમી પ્રતિ કલાક પવન ફૂંકાશે

ઇ-પેપરના નવા શુલ્ક