• મંગળવાર, 03 માર્ચ, 2026

પાકિસ્તાન-અફઘાન વચ્ચે ફરી અથડામણ

બન્ને બાજુથી રોકેટમારો, અનેક તાલિબાન ગામો ખાલી કરાવવામાં આવ્યા

કાબુલ, તા.6 : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી એકવાર અથડામણ ફાટી નીકળી છે. અફઘાનિસ્તાનના સ્પિન બોલ્ડકમાં અફઘાન અને પાકિસ્તાની દળો વચ્ચે ભારે ગોળીબાર થયો છે. સ્થાનિક સૂત્રોનો દાવો છે કે પાકિસ્તાને ગ્રેનેડ અને મોર્ટાર હુમલા શરૂ કર્યા છે જેના કારણે ઘણા નાગરિકોને તેમના ઘર છોડવા પડયા છે. સરહદની બન્ને બાજુ ગભરાટનું વાતાવરણ છે અને ગોળીબાર સતત ચાલુ છે.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સરહદ ફરી એકવાર ગોળીબારના અવાજથી હચમચી છે. કંદહાર પ્રાંતના સ્પિન બોલ્ડક જિલ્લામાં બંને દેશોની સેનાઓ અથડામણમાં આવી અને હળવા અને ભારે હથિયારોનો ઉપયોગ થયો છે. સ્થાનિક સૂત્રોએ અફઘાન મીડિયાને જણાવ્યું છે કે અથડામણ એટલી તીવ્ર છે કે ડયુરન્ડ લાઇનની બન્ને બાજુના રહેવાસીઓને સલામતી માટે તેમના ઘર છોડવાની ફરજ પડી છે.

અફઘાન બોર્ડર પોલીસના પ્રવક્તા અબ્દુલ્લા ફારૂકીએ પુષ્ટિ આપી છે કે આ સંઘર્ષ પાકિસ્તાનથી શરૂ થયો હતો. તેમના મતે અફઘાન દળો યુદ્ધવિરામનું પાલન કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની સૈનિકોએ અચાનક ગ્રેનેડ ફેંક્યા. જ્યારે પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો ત્યારે અફઘાન સૈનિકોએ વળતો જવાબ આપ્યો. બન્ને બાજુથી ગોળીઓ અને રોકેટ સહિતના ભારે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાકિસ્તાની દળોએ અનેક રાઉન્ડ મોર્ટાર છોડયા, જે સીધા નાગરિક વિસ્તારોમાં પડયા. ઘણા ઘરોને નુકસાન થયું છે અને લોકો ગભરાટમાં છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક