11 એરપોર્ટે વધુ 570 ફ્લાઇટ રદ : દેશભરમાં એરપોર્ટે અફરાતફરી : પીએમઓ સક્રિય, કંપનીએ 10 દિવસની મહેતલ માગી
મુસાફરો
શેડયાલિંગ - રિફંડ માટે ઝઝૂમ્યા, એરલાઈન્સની મનસ્વી ભાડાં વસૂલી પર રોક, કિ.મી. પ્રમાણે
ટિકિટનો ભાવ નક્કી કરાયો, તુરંત રિફંડનો આદેશ
નવી
દિલ્હી, તા.6 : ઇન્ડિગો એરલાયન્સની સેવામાં કટોકટીનો શનિવારે પણ અંત આવ્યો ન હતો. સ્થાનિક
ફ્લાઇટ્સને ગંભીર અસર સાથે છેલ્લી સ્થિતિએ 11 મુખ્ય એરપોર્ટ પર 570 ફ્લાઇટ્સ રદ કરવામાં
આવી હતી. હજારો મુસાફરોની મુશ્કેલી વચ્ચે મહત્ત્વના ઘટનાક્રમમાં સરકારે એરલાઇન્સ પર
ભાડા મર્યાદા લાદી તુરંત એટલે કે રવિવાર સુધીમાં રિફંડ ચૂકવવા આદેશ આપ્યો છે. સ્થાનિક
હવાઈ ભાડામાં વધારા અંગે વધતી ફરિયાદો પર કાર્યવાહી કરતા નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શનિવારે
એરલાઇન્સ પર કામચલાઉ ભાડા મર્યાદા (ફેયર કેપ) લાદી અને ચાલુ વિક્ષેપ દરમિયાન ઉલ્લંઘન
માટે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.
ભાડામાં
અચાનક થયેલા વધારાને રોકવા સરકારે સ્થાનિક ફ્લાઇટ્સ પર મહત્તમ ભાડા મર્યાદા લાદી છે
જે હેઠળ ભાડા 500 કિમી સુધીના રૂ. 7500, 500-1000 કિમી માટે રૂ. 12,000, 1000-1500
કિમી માટે રૂ. 15,000 અને 1500 કિમીથી વધુ અંતર માટે રૂ. 18,000 થી વધુ નહીં લઈ શકાય.
દરમ્યાન પીએમઓ (વડાપ્રધાન કાર્યાલય)ઈન્ડિગો કટોકટી પર નજર રાખી રહયું છે. સરકારી સૂત્રો
અનુસાર, વડાપ્રધાન મોદીને એરલાઈનની પરિસ્થિતિ અંગે વિગતવાર બ્રાફિંગ આપવામાં આવ્યું
છે. પીએમઓ ઈન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સ સાથે સંપર્કમાં છે અને એરલાઈનને શક્ય તેટલી
વહેલી તકે સામાન્યતા પુન:સ્થાપિત કરવા સ્પષ્ટ સંદેશ આપ્યો છે. કંપનીએ ઉડાનો સામાન્ય
બનાવવા 10 દિવસની મહેતલ માગી છે.
4 દિવસમાં
2000થી વધુ ફ્લાઇટ્સ ગ્રાઉન્ડેડ કરવામાં આવી છે સાથે ભાડામાં તોતિંગ વધારો કરાયાનો
હોબાળો મચ્યો હતો. શનિવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભાડાં મર્યાદા લાગુ કરતાં મનસ્વી
ભાડાં વસૂલવાનો અંત આવ્યો હતો. ડીજીસીએ કાર્યવાહી કરી રહ્યું છે અને રોસ્ટર-સંબંધિત
નિર્દેશો પાછા ખેંચી લીધા છે. પાઇલટને આરામને લગતાં નિયમમાં ફેરફાર કર્યો છે. ડીજીસીએએ
વધતા હવાઈ મુસાફરી દબાણ વચ્ચે તમામ પાઇલટ યુનિયનોને સહયોગ માટે અપીલ કરી છે. ઇન્ડિગોના
સીઇઓ પીટર એલ્બર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 5 ડિસેમ્બરે 1000થી વધુ ફ્લાઇટ્સ
રદ કરવામાં આવી હતી. 10થી 15 ડિસેમ્બર દરમિયાન સામાન્ય કામગીરી શરૂ થશે. અહેવાલો અનુસાર
11 એરપોર્ટ પર 571 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જેમાં ચેન્નાઈમાં 49, બેંગલુરુમાં
124, હૈદરાબાદમાં 69, પૂણેમાં 42, લખનૌમાં 8, તિરુવનંતપુરમમાં 9, મેંગલોરમાં 3, મુંબઈમાં
109, જયપુરમાં 13, અમદાવાદમાં 59 અને દિલ્હીમાં 86 ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.
સરકારે
એરલાઇન્સ પર ભાડાની મર્યાદા લાદી ઇન્ડિગો માટે એક મહત્ત્વપૂર્ણ આદેશ લાદ્યો છે. ઘરેલુ
હવાઈ ભાડામાં વધારો થવાની વધતી ફરિયાદોના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શનિવારે
એરલાઇન્સ પર ભાડાની મર્યાદા, એક કામચલાઉ ભાડાની મર્યાદા લાદી છે. સરકારે ઇન્ડિગોને
રવિવાર સાંજ સુધીમાં તેની રદ થયેલી ફ્લાઇટ્સ માટે ટિકિટની ચૂકવણી પરત કરવાનો નિર્દેશ
આપ્યો છે. ઇન્ડિગો કટોકટીથી પ્રભાવિત મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે જો તેઓ તેમની
મુસાફરીની તારીખો અથવા સમય બદલશે તો કોઈપણ રિશેડયાલિંગ ચાર્જ ન ભરે. સરકારે ઇન્ડિગોને
રિફંડ સંભાળવા માટે એક અલગ સેલ સ્થાપવા જણાવ્યું છે.