• શનિવાર, 19 જુલાઈ, 2025

ઈન્દોર સતત આઠમી વખત સૌથી સ્વચ્છ શહેર

સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 જાહેર : સુપર લીગમાં ઈન્દોર બાદ બીજા ક્રમાંકે સુરત : 10 લાખથી વધુ આબાદીના સ્વચ્છ શહેરોમાં અમદાવાદ પ્રથમ

 

નવી દિલ્હી, તા. 17: ઈન્દોરને ફરી એક વખત દેશનું સૌથી સ્વચ્છ શહેર ઘોષિત કરવામાં આવ્યું છે. ઈન્દોરને સતત આઠમી વખત સન્માન મળ્યું છે. આ વખતે સ્વચ્છતા સર્વેક્ષણમાં 4500થી વધારે શહેર સામેલ કરવામાં આવ્યા હતા. સુપર સ્વચ્છ લીગમાં પહેલા સ્થાને ઈન્દોર બાદ સુરત બીજા અને નવી મુંબઈ ત્રીજા ક્રમાંકે છે. 10 સ્વચ્છ શહેર (10 લાખથી વધુ આબાદી)માં અમદાવાદ સૌથી સ્વચ્છ શહેર બન્યું છે જ્યારે ભોપાલ બીજા નંબરે અને લખનઉ ત્રીજા સ્થાને છે.

દેશભરમાં થયેલા સ્વચ્છતા સર્વેક્ષણનું પરિણામ ગુરુવારે ઘોષિત કરવામાં આવ્યું હતું. જેમાં 2024-25માં ઈન્દોરે સતત આઠમી વખત બાજી મારી છે. 2017થી ઈન્દોર સ્વચ્છતા સર્વેક્ષણમાં પહેલા સ્થાને આવતું હતું અને સુરત, નવી મુંબઈ જેવા અમુક શહેર સતત બીજા અને ત્રીજા ક્રમાંકે આવતા હતા. આવી સ્થિતિમાં અન્ય શહેરો પોતાને પ્રતિયોગીતામાં ખુબ પાછળ અનુભવતા હતા. આવા શહેરોનું મનોબળ વધારવા અને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટે પહેલી વખત સુપર લીગની શ્રેણી બનાવવામાં આવી હતી. આ સુપર લીગમાં ઈન્દોર, સુરત સહિતના શહેરો કે જે અગાઉ શીર્ષના સ્થાનો મેળવી ચૂક્યા છે. તેને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં ફરીથી ઈન્દોરે બાજી મારી છે જ્યારે સુરત બીજા અને નવી મુંબઈ ત્રીજા સ્થાને છે.

 10 લાખથી વધુ આબાદીના સ્વચ્છ શહેરની યાદીમાં અમદાવાદ પહેલા ક્રમાંકે છે જ્યારે ભોપાલ બીજા અને લખનઉ ત્રીજા સ્થાને છે.           

3-10 લાખની આબાદીની યાદીમાં મીરા ભાયંદર પહેલું, બિલાસપુર બીજું અને જમશેદપુર ત્રીજું આવ્યું છે. આ ઉપરાંત 50 હજારથી ત્રણ લાખની આબાદીની કેટેગરીમાં દેવાસ પહેલા ક્રમે છે જ્યારે કરહદ અને કરનાલ અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમાંકે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા વિજ્ઞાન ભવનમાં આવાસ અને શહેરી મામલાના મંત્રાલયના સમારોહમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 પુરસ્કાર એનાયત કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક