આજે ઇન્ડિ બ્લૉકની બેઠક, આપ અને તૃણમૂલ હાજર રહે તેવી શક્યતા ઓછી : કાલે સરકારે બોલાવી સર્વપક્ષિય બેઠક: 21મીથી સંસદનું સત્ર તોફાની બનવાના એંધાણ
આનંદ કે. વ્યાસ
નવી
દિલ્હી, તા. 18 : સોમવાર 21 જુલાઇથી શરૂ થનારૂં સંસદનું ચોમાસુ અધિવેશન તોફાની બની
રહેવાના એંધાણ મળી રહ્યા છે. સત્તાધારી એનડીએ આઠ નવા વિધેયક સાથે તૈયાર છે તો વિપક્ષ
અૉપરેશન સિંદૂર, બિહાર મતદાર યાદી પરિક્ષણ અને અમેરિકા સાથે વેપાર કરાર સહિતના મુદે
સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. અધિવેશન શરૂ થવાની પૂર્વ સંધ્યાએ રવિવાર, 20મી જુલાઇએ
સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે જેમાં સંસદનું કામકાજ સરળતાથી ચાલી શકે એ માટે વિપક્ષને
સહકારની અપીલ કરશે, બીજી તરફ કૉંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષી ઇન્ડિ ગઠબંધને અધિવેશન
સંબંધી ચર્ચા માટે આવતી કાલે શનિવાર, 19મી જુલાઇએ બેઠક બોલાવી છે. કૉંગ્રેસ અધ્યક્ષ
મલ્લિકાર્જૂન ખડગેના નિવાસસ્થાને યોજાનારી વિપક્ષની બેઠકમાં સંસદમાં સરકારને ઘેરવાનો
વ્યૂહ ઘડવામાં આવશે.
મળતી
જાણકારી પ્રમાણે વિપક્ષની બેઠકમાં પહેલા તો ઇન્ડિ બ્લૉકની પાર્ટીઓ સંસદમાં એક સૂરે
વાત કરે એની ચર્ચા કરાશે, ત્યાર બાદ કયા મુદે સરકાર સામે એકતાથી અવાજ ઉઠાવવો એનો વ્યૂહ
તૈયાર કરાશે. આનું કારણ એ છે કે આમ આદમી પાર્ટી (આપ) અને મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ
આ બેઠકમાં હાજર રહેશે કે કેમ એ હજુ નક્કી નથી. ઇન્ડિ બ્લૉકની બેઠકમાં કૉંગ્રેસ, આરજેડી,
શિવસેના (ઉદ્ધવ જૂથ), એનસીપી (શરદ પવાર), સમાજવાદી પાર્ટી, દક્ષિણભારતની પ્રાદેશિક
પાર્ટીઓ અને ડાબેરી પાર્ટીઓના પ્રતિનિધિઓ હાજર રહેશે. આ રીતે આ બેઠક ઇન્ડિ બ્લૉકના
ભવિષ્ય માટે પણ મહત્ત્વની માનવામાં આવે છે.
વિપક્ષની
બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલો, પાકિસ્તાન સામે ભારતીય સેનાનું અૉપરેશન સિંદૂર, સંઘર્ષ
વિરામ વિશે અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પનો દાવો, ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરાર,
મહારાષ્ટ્ર, હરિયાણા બાદ હવે બિહારમાં મતદાર યાદીનું પરિક્ષણ તેમ જ જમ્મુ અને કાશ્મીરને
પૂર્ણ રાજ્યનો દરજ્જો સહિતના મુદે સરકાર પાસેથી જવાબ મેળવવાના પ્રયાસો કરવાની રણનીતિ
નક્કી કરાશે. તાજેતરમાં અમદાવાદમાં ઍર ઇન્ડિયાના બૉઇંગ વિમાનની દૂર્ઘટના તેમ જ એના
કારણો વિશે પ્રાથમિક તપાસ અહેવાલો વિશે પણ સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવશે.
વિપક્ષની
બેઠક સંબંધી પણ વેગળા નિવેદન સામે આવી રહ્યા છે, કૉંગ્રેસના મહામંત્રી કે સી વેણુગોપાલે
કહ્યું હતું કે 19મીની સાંજે વિપક્ષની અૉનલાઇન બેઠક થશે, જ્યારે આરજેડીના તેજસ્વિ યાદવના
જણાવ્યા પ્રમાણે બાદમાં કૉંગ્રેસ અધ્યક્ષના નિવાસસ્થાને ઇન્ડિ બ્લૉકના નેતાઓ મળવાના
છે. આ બેઠકમાં આપ અને તૃણમૂલની હાજરી સામે સવાલ છે કેમ કે આપના નેતા સંજય સિંહ કહી
ચૂક્યા છે કે આપ ઇન્ડિ બ્લૉકમાં નથી, જ્યારે તૃણમૂલ તરફથી જણાવાયું હતું કે 1993માં
ડાબેરી પાર્ટીઓના શાસનમાં કોલકાતામાં પોલીસ ફાયરિંગમાં 13 વ્યક્તિના મૃત્યુ થયા હતા
એની વરસી હોવાથી 21મીએ મોટી રેલીનું આયોજન કરાયું છે, જેની તૈયારીમાં વ્યસ્ત હોવાથી
વિપક્ષની બેઠકમાં પાર્ટીના કોઇ નેતા હાજર રહી શકે એમ નથી. જો કે મંગળવારે કૉંગ્રેસના
ચેરપરસન સોનિયા ગાંધીએ પાર્ટીની બેઠક યોજીને સંસદમાં કયા મુદા ઉઠાવાશે એની તૈયારી કરી
લીધી હતી. આ બેઠકમાં ખડગે અને રાહુલ ગાંધી પણ હાજર હતા.
21
જુલાઇથી શરૂ થનારૂં સંસદનું ચોમાસુ અધિવેશન 13 અૉગસ્ટ સુધી નક્કી કરાયું હતું પરંતુ
હવે એ 21 અૉગસ્ટ સુધી લંબાવાયાની જાહેરાત સરકારે કરી દીધી છે. સંસદીય બાબતોના પ્રધાન
કિરણ રિજિજુ કહી ચૂક્યા છે કે સરકાર તમામ મુદે હકારાત્મક ચર્ચા માટે તૈયાર છે. વિપક્ષ
ચર્ચા કરે એ આવકાર્ય છે, વાતવાતમાં ગૃહત્યાગ ન કરે એ જરૂરી છે.
દિલ્હીમાં
નિવાસસ્થાને નોટોનો ઢગલો મળી આવ્યા બાદ જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવ પણ સંસદમાં
આવશે. સાથે સાથે વિપક્ષે અલ્હાબાદ હાઇ કોર્ટના જસ્ટિસ શેખર યાદવ સામે કથિત વાંધાજનક
ધાર્મિક ટિપ્પણી બદલ મહાભિયોગની નોટિસ આપી છે. જો કે એનડીએની સરકાર જસ્ટિસ વર્મા સામે
કાર્યવાહી મુદે સહમત છે પરંતુ જસ્ટિસ યાદવના મામલે અસહમત છે. આ ઉપરાંત સરકાર ચોમાસુ
અધિવેશનમાં નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ, મણિપુર જીએસટી (અમેન્ડમેન્ટ) બિલ, નેશનલ
એન્ટી ડોપિંગ (અમેન્ડમેન્ટ) બિલ, માઇન્સ એન્ડ મિનરલ્સ અમેન્ડમેન્ટ બિલ, જનવિશ્વાસ બિલ,
ટેક્સેશન લૉ (અમેન્ડમેન્ટ) બિલ તેમ જ જિયોહેરિટેજ એન્ડ જિયો-રેલિક્સ બિલ લાવવાની છે.