અમરેલી પંથકમાં ચકચાર : ભેદ ઉકેલવા પોલીસની મથામણ
(ફૂલછાબ
ન્યુઝ)
વડિયા,
તા.18: અમરેલી જિલ્લામાં એકલવાયુ જીવન જીવતા વૃદ્ધ દંપતીઓને લૂંટના ઈરાદે ટાર્ગેટ બનાવી
હત્યા નીપજાવવાનો સીલસીલો યથાવત્ રહ્યો હોય તેમ છેવાડાના એવા વડિયા તાલુકાના ઢૂંઢિયા
પીપળિયા ગામે વૃદ્ધ દંપતીની હત્યા કરી સોનાના દાગીના લૂંટી લીધાની ઘટના પોલીસ ચોપડે
નોંધાતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.
અમરેલી
જિલ્લાના છેવાડાના તાલુકા એવા વડિયાની ભાગોળે આવેલા ઢૂંઢિયા પીપળિયા ગામે રાત્રીના
લૂંટના ઈરાદે 70 વર્ષીય વૃદ્ધ દંપતીની હત્યાની જાણ ગ્રામજનોને બીજા દિવસે બપોરે બાદ
થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને ભયનો માહોલ સર્જાયો હતો. વડિયા પોલીસને
આ બાબતની જાણ થતા ભોગ બનનાર વૃદ્ધ દંપતી ચકુભાઈ બોઘાભાઈ રાખોલિયા અને તેમના પત્ની કુંવરબેન
ચકુભાઈ રાખોલિયાના મૃતદેહ મેળવી અને હત્યાના કારણો જાણવા અને હત્યારા સુધી પહોંચવા
ઈન્ચાર્જ પીઆઈ ગાંગણા અને તેમની ટીમ દ્વારા ઉંડી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાની
જાણ થતા ખેતી આધારિત ઢૂંઢિયા પીપળિયા ગામ સહિત સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો.
લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ આ હત્યામાં મૃતક કુંવરબેનના કાનનું એક સોનાનું બુટીયુ હત્યારા
લઈ ગયા હોય તેથી લૂંટના ઈરાદે પરપ્રાંતિય મજૂરો દ્વારા હત્યા થઈ હોવાની શંકાઓ હાલ લોકોમાં
ચર્ચાઈ રહી છે. જો કે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. હત્યાના ચોક્કસ કારણો પોલીસ તપાસના
અંતે જ જાણી શકાય તેમ છે.