બ્રિક્સ શિખર પરિષદના આરંભે વડાપ્રધાન મોદીનું સંબોધન : ‘ગ્લોબલ સાઉથ’ બેવડા ધોરણનું ભોગ : સિંદૂર આધારીત પ્રસ્તુતિ સાથે નમોનું બ્રાઝિલમાં સ્વાગત
રિયો
ડી જાનેરો, તા. 6 (પીટીઆઈ) : એક તરફ અમેરિકાના ટેરિફની ચિંતા અને બીજી તરફ મધ્ય-પૂર્વમાં
સર્જાયેલી તંગદીલી વચ્ચે બ્રાઝિલમાં યોજાયેલી બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
સુરક્ષા પરિષદ સહિત મુખ્ય સંસ્થાઓમાં તાત્કાલિક સુધારા માટે દબાણ કરતાં કહ્યું હતું
કે, ગ્લોબલ સાઉથ ઘણીવાર ‘બેવડા ધોરણો‘નો ભોગ બન્યું છે અને
વૈશ્વિક અર્થતંત્રમાં મોટું યોગદાન આપનારા દેશોને નિર્ણય લેવા ટેબલ પર સ્થાન મળતું
નથી તેમ જણાવ્યું હતું. દુનિયાને નવી બહુ ધ્રુવિય અને સર્વસમાવેશક વ્યવસ્થાની જરૂર છે.
બ્રિક્સ
સમિટમાં મોદીએ કહ્યું હતું કે, 20મી સદીમાં રચાયેલી વૈશ્વિક સંસ્થાઓમાં બે તૃતીયાંશ
માનવતાને પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી. ગ્લોબલ સાઉથ વિના આ સંસ્થાઓ સિમ કાર્ડવાળા
મોબાઇલ ફોન જેવી લાગે છે, પરંતુ નેટવર્ક નથી એમ તેમણે કહ્યું હતું.
વાર્ષિક
બ્રિક્સ સમિટની શરૂઆત બ્લોકના સભ્ય દેશોના નેતાઓના ગ્રુપ ફોટો સાથે થઈ હતી, ત્યારબાદ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો
લુલા દા સિલ્વાએ સંબોધન કર્યું હતું.
પ્રથમ
પૂર્ણ સત્રમાં ભાષણ આપતાં મોદીએ કહ્યું હતું કે, અફસોસ વ્યક્ત કર્યો કે, ગ્લોબલ સાઉથને
ઘણીવાર આબોહવા નાણાં, ટકાઉ વિકાસ અને ટેકનોલોજી એક્સેસ જેવા મુદ્દાઓ પર પ્રતીકાત્મક
સંકેતો સિવાય કંઈ મળ્યું નથી.
આ ફક્ત
પ્રતિનિધિત્વનો પ્રશ્ન નથી, પરંતુ વિશ્વસનીયતા અને અસરકારકતાનો પણ પ્રશ્ન છે તેમ ઉમેરતાં
વડાપ્રધાને હતું કહ્યું કે, આજે વિશ્વને એક નવી બહુધ્રુવીય અને સમાવિષ્ટ વ્યવસ્થાની
જરૂર છે અને આની શરૂઆત વૈશ્વિક સંસ્થાઓમાં વ્યાપક સુધારાથી કરવી જોઈએ, જે ફક્ત પ્રતીકાત્મક
ન હોવા જોઈએ, પરંતુ તેમની વાસ્તવિક અસર પણ દૃશ્યમાન હોવી જોઈએ. શાસન માળખા, મતદાન અધિકારો
અને નેતૃત્વના હોદ્દામાં ફેરફાર થવા જોઈએ તેમ ઉમેર્યું હતું.
અગાઉ
મોદી બ્રાઝીલના રિયો ડી જેનેરિયો પહોંચ્યા ત્યારે ભારતીય પ્રવાસીઓએ તેમનું પારંપરિક
નૃત્ય, સાંસ્કૃતિક પ્રસ્તુતી અને દેશભક્તિ ચિત્રોથી સ્વાગત કર્યુ હતુ. ભારતીયોના હાથમાં
તિરંગો હતો. ભારતે પાકિસ્તાનમાં આતંકવાદીઓના નષ્ટ કરવા માટે હાથ ધરેલા ઓપરેશન સિંદૂર
પર આધારિત પ્રસ્તુતિ રજૂ કરાઈ હતી, જેમાં નૃત્ય અને ચિત્રો સામેલ હતા. દરમિયાન વડાપ્રધાન
મોદી પ્રસ્તુતિ આપનારા કલાકારોને મળ્યા હતા. નર્તકીઓ પૈકી એકે કહ્યુંં હતું કે, વડાપ્રધાન
મોદી અમારા માટે મોટા ભાઈ સમાન છે. અમારા માટે ગર્વની વાત છે કે, તેઓ આજે અહીં છે.
ભારત
અને આર્જેન્ટિના વચ્ચે ખનિજ, વેપાર, રોકાણ તથા ઊર્જા સહયોગ વધારવા અંગે વાતચીત થઈ હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ જેવિયર મિલેઈ સાથે વાતચીતમાં અમે વ્યાપાર
સંબંધોમાં વિવિધતા લાવવા, કૃષિ, સંરક્ષણ, સુરક્ષા, ઊર્જામાં સહયોગ પર ચર્ચા કરી હતી.
બંન્ને દેશ વચ્ચે ફાર્માસ્યૂટિકલ્સ અને રમતગમતમાં સહયોગની અપાર સંભાવનાઓ રહેલી છે.