• રવિવાર, 06 જુલાઈ, 2025

બ્લેકમેઇલીંગથી કંટાળી યુવતીનો 14મા માળેથી ઝંપલાવી આપઘાત

અમદાવાદની ઘટના : ન્યૂડ વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા પ્રેમીની ધરપકડ

(ફૂલછાબ ન્યૂઝ)

અમદાવાદ, તા. 5: અમદાવાદમાં બે દિવસ પહેલા એક યુવતીએ સનરાઈઝીંગ હોમ્સ બિલ્ડીંગના 14માં માળેથી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં મૃતક યુવતીની મિત્ર કાજલ દ્વારા ચાંદખેડા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર મૃતક યુવતી અને મોહિત મકવાણા સમયાંતરે મળતા હતા. મૃતકના પ્રેમી મોહિતના મોબાઈલમાં ન્યૂડ વીડિયો હતા. એક દિવસ અચાનક યુવતીને હાર્દિક રબારી નામના વ્યક્તિનો ફોન આવ્યો અને તેના અને મોહિતનો ન્યૂડ વીડિયો પોતાની પાસે પણ હોવાનું કહી તેને મળવા બોલાવ્યા હતા. જેથી યુવતી તેમજ તેની મિત્ર કાજલ અને તેના પતિ વૈષ્ણોદેવી પાસે હાર્દિકને મળ્યા હતા. જેના બીજા દિવસે યુવતી તેના અન્ય મિત્રના ઘરે રોકાઈ હતી, જ્યાંથી તેણે આપઘાત કર્યો હતો. મૃતકની મિત્ર કાજલની ફરિયાદને આધારે પોલીસે પ્રેમી મોહિત ઉર્ફે મિતરાજ મકવાણાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક વ્યક્તિ હાર્દિક રબારી હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસ દ્વારા મોહિતની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે મોહિત તેમજ મૃતક વચ્ચેનો વીડિયો મોહિતના મોબાઈલમાં હતો.

પ્રેમી મોહિત કાર સાઝિંગનું કામ કરતો હતો, જેથી કાર સાઝિંગ બાબતે હાર્દિક નામના યુવકે તેને કલોલ ખાતે બોલાવ્યો હતો અને તેનો મોબાઈલ છીનવી લીધો હતો, જેના બીજા દિવસે હાર્દિકનો ફોન મોહિતને આવ્યો હતો અને તેણે તેની પ્રેમિકા (મૃતક યુવતી)ના નંબર માગ્યા હતા. બાદમાં રૂપિયા આપવાના બહાને મળવા બોલાવી  તેનો ન્યુડ વીડિયો ડીલીટ કરવા માટે કહ્યું, પરંતુ મોહિતે વીડિયો ડીલીટ કરવાની ના પાડતા મૃતક અને તેની મિત્રએ પોલીસને જાણ કરતા સોલા પોલીસે  પ્રેમી મોહિતના મોબાઈલમાંથી વીડિયો ડીલીટ કરાવડાવ્યો હતો, જેથી બંને વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું.

પોલીસે જણાવ્યા મુજબ મોહિત અને હાર્દિક એકબીજાના મિત્રો નથી, તેથી હવે  ખરેખર મૃતક યુવતીનો પ્રેમી મોહિત કોઈ વાત છુપાવી રહ્યો છે કે પછી મોહિત દ્વારા આ વીડિયો હાર્દિકને શેર કરવામાં આવ્યો છે કે પછી હાર્દિકે મોહિતના મોબાઈલમાંથી વીડિયો લઈ લીધો હતો અને  યુવતીનો સંપર્ક કર્યો હતો કે તેથી યુવતીને લાગી આવતા તેણે મોત વ્હાલું કર્યું છે. આ બધા સવાલના જવાબ હાર્દિક પકડાશે ત્યારે જ મળશે. 

ઇ-પેપરના નવા શુલ્ક