• રવિવાર, 06 જુલાઈ, 2025

આખા દેશમાં વરસાદનો રોડ-શો

આ એ જ રસ્તા છે જેના ઉદ્ઘાટન ‘લોકલાડીલા’ નેતાઓએ કર્યા હતા

રસ્તા તૂટે, ખાડા પડે, આખા વાહનો જમીનમાં ઉતરી જાય : ચોમાસાએ ઘણું ઊઘાડું પાડયું

જનતા હેલમેટ ન પહેરે તો દંડ, પીયુસી ન હોય તો દંડ, વાહન ચલાવવાનો અલગ ટેક્સ, ખરીદવાનો અલગ અને પાર્ક કરવાનો જુદો ચાર્જ.

આવા તકલાદી રસ્તા બનાવનાર અધિકારીને દંડ ક્યારે ?

ઉદ્ઘાટન માટે ફોટો પડાવનારા સાંસદો, ધારાસભ્યો, મેયરો, ચેરમેનો, કોર્પોરેટરો ક્યાં ગયા ?

અદ્યતન પુલ, આધુનિક ટ્રેનની વીડિયો વચ્ચે રસ્તા ઉપર વહે છે વરવી વાસ્તવિકતા

ચોમાસું આમ તો હરખાવાની, આનંદની ઋતુ છે. કુદરત આખા દેશમાં વહાલ વરસાવી રહી છે. ક્યાંક આપદાઓ પણ છે. મૂળે વરસાદને વધાવવાનો હોય તેનાથી સર્જાતી મુશ્કેલીને ક્યારેક જતી કરવાની હોય પરંતુ આપણા સ્થાનિક અને પછી વિવિધ સ્તરના પ્રશાસનની બેદરકારી, ભ્રષ્ટાચાર અને અનિયંત્રિત કાર્યપદ્ધતિને લીધે આવી રુડી ઋતુ પણ મુસીબતની મોસમ બનીને રહી જાય છે. એક તરફ ધોધમાર વરસાદ પડતો હોય અને બીજી બાજુ આ વરસાદને લીધે સર્જાતી મુશ્કેલીના વીડિયો વાયરલ છે. એક સમય હતો જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી સમસ્યા વધારે સર્જાતી. જેમ જેમ વિશ્વ અને આપણો દેશ આધુનિક બની રહ્યો છે તેમ તેમ આ સમસ્યા શહેરોમાં પણ વધી રહી છે. વિવિધ મોબાઈલ એપ ઉપર જોઈએ તો ગામેગામ, શહેરેશહેર બસ પાણી ભરાવા, રસ્તા તૂટવા, વાહનો ફસાવાના વીડિયો છે.

રાજકોટમાં માધાપર ચોકડી બે ઈંચ વરસાદે પાણી પાણી થઈ જાય છે. જૂનાગઢમાં છેલ્લા ત્રણ વર્ષથી ગિરનાર ઉપરથી પડતા ધોધ કાળવા ચોક પહોંચે ત્યારે હોનારતનું રુપ લઈ લે છે. જામનગરના હવાઈ ચોક કે તીનબત્તી પાસે જળ-સ્થળનો ભેદ ભુલાઈ જાય છે. અમદાવાદમાં તો રસ્તામાં એટલા ભૂવા-ખાડા પડે છે કે રિક્ષા ગરક થઈ જાય. વડોદરા મગરનગરી બની જાય છે. સૂરતની દશા પણ હમણા શું થઈ તે આપણે જોયું. આવું જ જેતપુરમાં પણ છે , જબલપુરમાં પણ. ભલે આપણે ચંદ્રઉપર યાન પહોંચાડયું, અવકાશક્ષેત્રે સિદ્ધિઓ મેળવી પરંતુ આપણે આજેય એવા વીડિયો જોઈએ છીએ કે પુલ ન હોય અને ભારત માતાની દીકરીઓ નદી ઓળંગીને શાળાએ ભણવા જતી હોય. આ વરસાદે ઘણું બધું છતું કરી દીઘું છે.

આખા દેશમાં ખરાબ રસ્તા છે તેવું ટેલિવિઝનમાં, સોશિયલ મીડિયા ઉપર દેખાય છે. વરસાદે આ ઋyતમાં ‘રોડ-શો’ કર્યો છે. આ એ રસ્તા છે જેના ઉઘાટન સમયે કોઈ સાંસદ, કોઈ ધારાસભ્ય, કોઈ મેયર, કોઈ કોર્પોરેટર ઈત્રીટાઈટ ઝભ્ભા પહેરીને આવ્યા હતા. સ્મિતસભર ચહેરે તેમણે નાળિયેર-કોદાળી સાથે ફોટો પડાવ્યા હતા. ‘અમે વિકાસ કર્યો’ તેના ભાષણ કર્યા હતા. આ રસ્તા ધોવાઈ ગયા છે. ત્યાં ખાડા છે. ખાડામાં પાણી છે. પાણીમાં મચ્છર છે. આ એ રસ્તા છે ત્યાંથી પસાર થતા કોઈ વ્યક્તિને રોકીને પોલીસે હેલમેટ ન પહેરી હોવાથી દંડ વસૂલ્યો હતો. કોઈ ગૃહિણી કે વડીલથી વાહન પાર્ક થયું તો તેને જવા દેવાને બદલે દંડ વસૂલ્યો હતો. આ એ રસ્તા છે જેના ઉપર વાહન ચલાવવા માટે તગડો ટોલટેક્સ આપવો પડે છે. વાહન ખરીદીએ ત્યારે પણ ટેક્સ. વાહન ચલાવવાનો પણ ટેક્સ પાર્ક કરવા માટે પણ ટેક્સ.

આ ટેક્સ, આ ટોઈંગ બધું સામાન્ય જનતા માટે છે. આવા તકલાદી રસ્તા બનાવ્યા, આવા તૂટે તેવા પુલ બનાવ્યા તે અધિકારીની કોઈ જવાબદારી નહીં. તેમને કોઈ સજા નહીં. કારણ કે આખરે પદાધિકારીઓની ‘સેવા’ પણ તે લોકો જ કરે છે. તંત્ર પાસે કાયમની દલીલ છે કે ડામર અને પાણીને વેર હોય. અરે ભાઈ વરસાદ પડવાની આખી રીત બદલાઈ છે. જો પાક-કૃષિક્ષેત્રે પરિવર્તન થતા હોય તો હવે રસ્તા બનાવવાની નવી પદ્ધતિ ઉપર વિચાર થઈ શકે નહીં? અને તેના કરતાં પણ અગત્યનું છે કે ડામર રોડ બનાવવાના માપદંડ છે, કેટલી કપચી, કેટલો ડામર, કેટલી રેતી, તેને કેટલો ગરમ કરવાનો, તેને કેમ પાથરવાનો તે બધાની નિશ્ચિત માત્રા અને પદ્ધતિ છે. કઈ મહાનગરપાલિકાના ક્યા એન્જિનીયર કે કોઈ પદાધિકારી આવી ચકાસણી કરવા ગયા?

ભ્રષ્ટાચારનો હિસાબ કોઈ માણસ ક્યારેય કરી ન શકે, કુદરત તો રાખે જ. બધેથી લઈ લેવાની વૃત્તિ છોડીને થોડી પ્રજાકીય પ્રતિબદ્ધતા બધા દર્શાવે તે જરુરી છે. દર વર્ષે રસ્તા બને તેનો ખર્ચ, તૂટે અને સમારકામ થાય તેનોય ખર્ચ આ ચક્ર શું છે તે પ્રજા પણ જાણે છે.

ઇ-પેપરના નવા શુલ્ક