ધોરાજી 3.5, ગિરનાર- ગોંડલ 3, જેતપુર 2.5, જૂનાગઢ-માણાવદર-વંથલી-મેંદરડા-કેશોદ- વિસાવદર 2, ઉપલેટા 1.5, વલભીપુર-સિહોર-મહુવા 1,
ઉમરાળા-સલાયા-ભાવનગર
0.75 ઇંચ વરસાદ : જામકંડોરણામાં ખેતરો પાણીથી તરબોળ થયા, ઉતાવળી અને સારણ નદીમાં પૂર
આવ્યું અને ફોફળ ડેમમાં એક ફૂટ નવા નીરની આવક
રાજકોટના
મોટાભાગના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા પ્રિમોન્સુન પ્લાન ફેલ
ધોરાજીમાં
ભૂગર્ભ ગટર સુવિધાને બદલે દુવિધારુપ બની, મોટાભાગના વિસ્તારમાં બે ફૂટ સુધી પાણી ભરાયા
રાજકોટ,
તા.3: મેઘરાજાએ આજે સૌરાષ્ટ્રમાં ધીમીધારે સાર્વત્રિક હેત વરસાવ્યું હતું. સવારથી જ
મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો અને દિવસભર ધીમીધારે વરસાદ વરસ્યો હતો.
આજે રાજકોટના જામકંડોરણામાં 4.5 અને રાજકોટમાં 4 ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા
હતા. જામકંડોરણામાં ખેતરો પાણીથી તરબોળ થયા હતા અને સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું હતું.
તો રાજકોટમાં મોટાભાગના રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાતા પ્રિમોન્સુનની કામગીરી માત્ર
કાગળ પર થઇ હોવાનું લોકો કહી રહ્યા હતા. આ ઉપરાંત સોરઠમાં દિવસભર ધીમીધારે હેત વરસાવતા
સાર્વત્રિક બે ઇંચ તેમજ ગિરનાર પર્વતમાળામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. ભાવનગર પંથકમાં
પણ આજે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આખો દિવસ ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી
જોવા મળી રહી છે.
રાજકોટ
શહેરમાં આજે બપોરે 1થી 4 વાગ્યા દરમિયાન 20-20 અંદાજમાં બાટિંગ કરતા ત્રણ કલાકમાં સાડા
ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. (જુઓ પાનું 10)
શહેરમાં
નદીઓની માફક પાણી વહેવા લાગતા રાજકોટ મનપાના પ્રિમોન્સુન પ્લાનની પોલ ખુલ્લી ગઈ હતી.
150 ફૂટ રીંગ રોડ પર અનેક જગ્યાએ નદીની માફક પાણી વહેતા જોવા મળ્યા હતા. ઘૂંટણસમા પાણી
ભરાતા વાહનો બંધ પડી જતા વાહનચાલકોની મુશ્કેલી બેવડાઈ હતી.પોપટપરા નાલામાં પાણી ભરાઈ
જતાં બસ ફસાઈ ગઈ હતી. જેનું એનડીઆરએફએ રેસ્કયુ કર્યુ હતું.
જામકંડોરણા:
બપોરના ત્રણ કલાકમાં અઢી ઈંચ વરસાદ વરસ્યા બાદ સાંજના છ વાગ્યા સુધીમાં વકુલ 110 મી.
મી. (સાડા ચાર ઈંચ) વરસાદ પડી ગયો છે. આ વરસાદથી રસ્તાઓ તેમજ ખેતરો પાણીથી તરબોળ થઈ
ગયા હતા. ગામની ઉતાવળી નદી તેમજ સારણ નદીમાં પૂર આવ્યું હતું. તાલુકાના બોરિયા, જશાપર,
ધોળીધાર, રંગપર, પીપરડી, બંધિયા, ઉજળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડયો હતો.
આ વરસાદથી જામકંડોરણાના ફોફળ ડેમમાં એક ફૂટ
નવા પાણીની આવક થતાં ડેમની સપાટી હાલ 11.50 ફૂટે પહોંચી છે.
ધોરાજી:
આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો . વિરામ લીધા બાદ ફરી સાંજે 4:00 કલાકે
ભારે વરસાદ શરૂ થતા બે કલાકમાં ત્રણ ઇંચ જેવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ભારે વરસાદને
કારણે સ્ટેશન રોડ, જૂનાગઢ રોડ, જેતપુર રોડ, ત્રણ દરવાજા, ગેલેક્સી ચોક, ચકલા ચોક નદી
બજાર ચોક તેમજ શાકમાર્કેટ શાળા નંબર 5 વગેરે વિસ્તારોમાં પાણી ભરાયા છે અમુક વિસ્તારમાં
એક ફૂટથી માંડીને બે- બે ફૂટ ભરાયા હતા. લોકો જણાવી રહ્યા છે કે ભૂગર્ભ ગટર આવ્યા બાદ
સુવિધા મળવાની બદલે ચોમાસાના સમયમાં જ દુવિધા મળી રહી છે.
ગોંડલ:
સવારથી જ વરસાદી માહોલ વચ્ચે વરસાદ શરૂ થયો હતો અને સાંજ સુધીમાં ત્રણ ઇંચ વરસ્યો હતો.
દિવસભર વરસેલા વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા અને વાતાવરણમાં ટાઢોડુ છવાયું હતું.
સલાયા:
બે દિવસના વરસાદી વિરામ બાદ આજે બપોર બાદ પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો.
ઉમરાળા:
આજે સવરાથી બપોર સુધીમાં 19 મીમી વરસાદ નોંધાયો હતો. સીઝનનો કુલ વરસાદ 517 મીમી થયો
છે.
ઉપલેટા:
છેલ્લા પાંચેક દિવસથી ચોમાસાની સીઝન સક્રિય થઇ છે રોજ સવારથી સાંજ સુધીમાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસી રહ્યો
છે. જ્યારે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ બંધાયેલો રહે છે અને
લોકો વરસાદી માહોલનો મિજાજ માણી રહ્યા છે. આજે બપોરે બે કલાકની અંદર દોઢ ઇંચ વરસાદ
વરસ્યો હતો. તાલુકાના ખીરસરા, ચિત્રાવડ, ભાયાવદર, કોલકી સહિતના ગામમાં પણ ત્રણથી ચાર
ઇંચ વરસાદ વરસ્યો છે.
ભાવનગર
: શહેરમાં સાંજ સુધીમાં પોણો ઇંચ વરસાદ પડયો છે જ્યારે જિલ્લાના ત્રણ તાલુકામાં એક
ઇંચ વરસાદ પડયો છે. આજે સાંજના છ વાગ્યા સુધીમાં ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 25 મી.મી.,
ઉમરાળામાં 19 મી.મી., ભાવનગર શહેરમાં 19 મી.મી., ઘોઘા 5 મી.મી., શિહોર 23મી.મી., પાલીતાણા
4 મી.મી., તળાજા 1મી.મી.અને મહુવામાં 25 મી.મી. વરસાદ નોંધાયો છે.
જૂનાગઢ:
શહેર તથા જિલ્લામાં સવારથી મેઘમહેર ઉતરી હતી. દિવસભર ધીમીધારે વરસાત જૂનાગઢ, માણાવદર,
વંથલી, મેંદરડા, કેશોદ, વિસાવદરમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. અવિરત વરસાદથી ખેતરોમાં
પાણી ભરાતા કુમળો પાક મુરઝાવવાની દહેશત ઉભી થઇ છે. જ્યારે ગિરનાર પર્વતમાળામાં સાંજ
સુધીમાં ત્રણ ઇંચ વરસાદ પડતા ઝરણાઓ વહેવા લાગ્યા હતા. દોમાદોરકુંડ, સોનરખ, કાળવા નદીમા
પૂર આવ્યા હતા. વિલિંગ્ડન ડેમ, આણંદપુર ફરી ઓવરફલો થયા છે.
માણાવદર:
બાંટવા ખારા ડેમમાં 8 ફૂટ નવા નીરની આવક થઇ છે. તેમજ આજુબાજુના ગામડાઓ જિંજરી, લીંબુડામાં
4થી 5 ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જોવા મળ્યો હતો. જીંજરી ગામ ફતે પાણી ફરી વળ્યા છે
અને પંચાયત કચેરીમાં વારંવાર પાણી ઘૂસી જાય છે, આ માટે તેને અન્ય સ્થળે ખસેડવાની જરૂર
છે. ગામડાઓમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે.