અમરનાથ યાત્રાની સુરક્ષામાં તૈનાત પોલીસ જવાનો પર ગોળીબાર, તોયબાનાં જૂથે જવાબદારી લીધી
શ્રીનગર, તા. 22 : કાશ્મીરમાં અનંતનાગ જિલ્લાના લાલચોક વિસ્તારમાં બુધવારે લોહિયાળ આતંકવાદી હુમલામાં ફરજ પર તૈનાત એક પોલીસ જવાન શહીદ થઇ ગયો હતો.
આજે બપોરે સાડાબાર વાગ્યે આતંકવાદીઓએ અમરનાથ યાત્રાની સુરક્ષા ફરજ પર તૈનાત પોલીસ જવાનો પર અચાનક ગોળીબાર કર્યો હતો.
સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. બંને તરફથી ગોળીબાર દરમ્યાન 35 વર્ષીય હેડ કોન્સ્ટેબલ આશિક હુસેન કુરેશી ઘાયલ થઇ ગયા હતા. તરત સરકારી મેડિકલ કોલેજની હોસ્પિટલે લઇ?જવાતાં તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.
હુમલા બાદ આતંકવાદીઓ નાસી ગયા હતા. લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલાં આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્ટસ ફ્રન્ટ (ટીઆરએફ)એ હુમલાની જવાબદારી લીધી હતી.
તમામ માર્ગો પર નાકાબંદી કરી સુરક્ષાદળોએ હુમલાખોર આતંકવાદીઓને પકડી પાડવા તલાશી અભિયાન છેડયું હતું. લાલચોક પર મોટી સંખ્યામાં જવાનો તૈનાત કરી દેવાયા હતા. વાહનો અને લોકોની સઘન તલાશી લેવાઇ હતી.
સુરક્ષા એજન્સીઓ હુમલામાં કેટલા આતંકવાદી હતા અને કઇ?તરફ?ભાગ્યા તે જાણવા સક્રિય બની હતી.
15 ઓગસ્ટ 2027થી દોડશે બુલેટ ટ્રેન
સત્તાવાર જાહેરાત કરાઈ: બે કલાકમાં થશે 600 કિ.મી.ની યાત્રા: 12 સ્ટેશનોએ થોભશે
નવી દિલ્હી, તા.22 : કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી હાઈસ્પીડ રેલવે પરિયોજના, દેશની પહેલી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન આગામી 15 ઓગસ્ટ 2027થી ક્રમબદ્ધ રીતે દોડતી થશે. બુલેટ ટ્રેન પરિયોજના ભારતીય રેલવેમાં જાપાની શિંકાનસેન ટેકનોલોજીને રજૂ કરશે અને મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડશે. તે ભારતના બે મહત્ત્વપૂર્ણ શહેર વચ્ચેના પ્રવાસના સમયને ઘણો ઘટાડશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર 508 કિ.મી.ની લંબાઈ ધરાવે છે.
બુલેટ ટ્રેન જ્યારે પૂર્ણ ગતિમાં હશે ત્યારે 320 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ ધરાવતી હશે જયારે અમદાવાદથી મુંબઈ વચ્ચે સરેરાશ 300 કિલોમીટર પ્રતિ કલાકથી આતા વર્ષે દોડશે. ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં સૌથી હાઈસ્પીડ ટ્રેનો દ્વારા મુંબઈથી અમદાવાદ વચ્ચેનું અંતર કાપતાં આશરે છ કલાક લાગે છે પરંતુ, બુલેટ ટ્રેનની શરૂઆત બાદ આ અંતર માત્ર બે કલાકમાં કાપી શકાશે. તેનાથી ન માત્ર પ્રવાસીઓના કિંમતી સમયની બચત થશે પરંતુ બંને રાજ્ય વચ્ચે વ્યાપારિક ગતિવિધિ પણ વધશે.
એક અખબારી અહેવાલ અનુસાર આ ટ્રેનનો કોરિડોર મહારાષ્ટ્ર, ગુજરાત, દાદરા અને નગર હવેલીથી થઈને 508 કિ.મી. સુધી ફેલાયેલો છે. પોતાની સફર દરમ્યાન આ ટ્રેન જે સ્ટેશનોએ થોભશે તેમાં મૃંબઈ (બીકેસી), ઠાણે, વિરાર, બોઈસર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતીનો સમાવેશ થાય છે.
આ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું પહેલું ચરણ હશે અને કોરિડોરના એક હિસ્સા પર બુલેટ ટ્રેનની શરૂઆત થશે. આ પછી ચરણબદ્ધ રીતે સમગ્ર રેલવે માર્ગ શરૂ થઈ જશે. આ કોરિડોર જાપાનની પ્રસિદ્ધ શિંકાસેન પ્રણાલી પર આધારિત છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલીન જાપાની વડાપ્રધાન શિંજો આબેએ 2017માં અમદાવાદમાં આ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું.