• મંગળવાર, 12 મે, 2026

મુંબઇ અને લખનઉ ટીમ બહાર પ્લેઓફ રેસ રોમાંચક તબક્કામાં

દિલ્હી અને કોલકતાની આશા ધૂંધળી : ચેન્નાઇ-રાજસ્થાન માટે કરો યા મરોની સ્થિતિ

નવી દિલ્હી, તા.11: આઇપીએલ-2026 સીઝનની રેસ હવે રોમાંચક સ્થિતિમાં પહોંચી ચૂકી છે. રવિવારના મેચમાં આરસીબીની આખરી દડે જીતથી પાંચ વખતની પૂર્વ ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સ ટીમ પ્લેઓફની બહાર થઇ છે. તેની સાથોસાથ લખનઉ સુપર જાયન્ટની સફર પણ સમાપ્ત થઇ છે. આ બન્ને ટીમ તેમના 11-11 મેચમાં 8 હારથી આઇપીએલ બહાર થયા છે. બાકીના ત્રણ મેચ તેમના માટે હવે પ્રોત્સાહક બની રહેશે. આ ત્રણ મેચની જીત મળવા છતાં એમઆઇ કે એલએસજી પ્લેઓફ રાઉન્ડમાં પહોંચી શકશે નહીં.

આ બે ટીમના બહાર થયા બાદ હવે દિલ્હી કેપિટલ્સ પર બહાર થવાનો ખતરો તોળાઇ રહ્યો છે. આજના પંજાબ સામેના મેચની હારથી અક્ષર પટેલની ટીમ માટે પણ પ્લેઓફ રાઉન્ડના દરવાજા સત્તાવાર રીતે બંધ થઇ જશે. કેકેઆર ટીમ કપરા ચઢાણ પર છે. તેના 4 મેચ બાકી છે. આ તમામ મેચમાં જીત નસીબ થાય તો તે 17 અંક સુધી પહોંચી શકે. આ પછી તે કદાચ પ્લેઓફમાં પહોંચી શકે છે. જો કે એકાદ મેચની હારથી કેકેઆરની આશા ધૂંધળી બની જશે.

હાલની સ્થિતિમાં આરસીબી, સનરાઇઝર્સ, ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ પ્લેઓફ રાઉન્ડના પ્રબળ દાવેદાર છે. આરસીબી, સનરાઇઝર્સ અને ટાઇટન્સ 14-14 અંક સાથે ટોચની 3 ટીમ છે. પંજાબ જો દિલ્હી સામે વિજય હાંસલ કરશે તો તે 1પ અંક સાથે ટેબલ ટોપર બનશે અને પ્લેઓફ તરફ આગળ વધશે.

સીએસકે અને રાજસ્થાન વચ્ચે પણ કસોકસની ટકકર ચાલી રહી છે. બન્ને પાસે 11-11 મેચ પછી 12-12 અંક છે. બન્નેના 3-3 મેચ બાકી છે. બાકીના મેચો આ બન્ને ટીમનું ભવિષ્ય નક્કી કરશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક