• મંગળવાર, 12 મે, 2026

દરિયાઈ માર્ગે દારૂની તસ્કરી : જાફરાબાદમાં બોટમાંથી 22.75 લાખનો દારૂ ઝડપાયો

4 આરોપી જેલના સળિયા પાછળ, 11 શખસ હજુ પણ ફરાર

 

અમરેલી, તા.10: ગુજરાત સ્ટેટ મોનિટારિંગ સેલની ટીમે અમરેલીના જાફરાબાદ દરિયાકાંઠે બાતમીના આધારે દરોડો પાડી દમણથી બોટ મારફતે લાવવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. પીઆઈ આર.કે. કરમટાની ટીમે જાફરાબાદ જેટી નજીક સામાકાંઠે કાર્યવાહી કરી હતી, જ્યાંથી પોલીસને દારૂની કુલ 6,859 બોટલો મળી આવી હતી. બુટલેગરો હવે હાઈવેને બદલે દરિયાઈ સીમાનો ઉપયોગ કરીને નશાનો કાળો કારોબાર કરી રહ્યા હોવાનું આ ઓપરેશનથી સ્પષ્ટ થયું છે.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી દારૂ લેનાર પ્રકાશ શિયાળ, બોટ ડ્રાઈવર રમેશ મેર અને દારૂ ઉતારનાર મજૂર કાલુલાલ રાવત તથા વિજય બારૈયાની ધરપકડ કરી છે. પોલીસે રૂ.22.75 લાખની કિંમતનો દારૂ, 6 વાહનો, 7 મોબાઈલ અને બોટ મળીને કુલ રૂ.33,89,380નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં આ નેટવર્ક કેટલું ઊંડું છે તેની વિગતો પોલીસ મેળવી રહી છે.

તપાસ દરમિયાન મુખ્ય સ્ટોક મંગાવનાર રામભાઈ બારૈયા અને દમણથી માલ મોકલનાર શખ્સ સહિત અન્ય 11 આરોપીઓના નામ ખુલ્યા છે, જેઓ હાલ ફરાર છે. ફરાર આરોપીઓમાં બોટ માલિકો, રિક્ષાચાલકો અને બાઈક માલિકોનો સમાવેશ થાય છે. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધીને પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને દરિયાઈ માર્ગે ચાલતા આ મોટા રેકેટના મૂળ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક