• શનિવાર, 11 એપ્રિલ, 2026

રાજકોટ જિ. પંચાયતમાં મહિલા સશક્તિકરણ !

જિલ્લા પંચાયતની 36 સીટો પૈકી 33 માટે જાહેર કરાયેલા ઉમેદવારોમાં 19 મહિલાઓને ટિકિટ ફાળવતો ભાજપ

ગત ટર્મના 4 સભ્યોને ફરી ચાન્સ અપાયો : કુવાડવા ઉપરાંત બેડલા અને શિવરાજપુર બેઠક માટે હજુ સસ્પેન્સ

પોતાનો મત વિસ્તાર છોડીને બેડી બેઠક ઉપર ચૂંટણી લડવાના પૂર્વ પદાધિકારીઓના ઓરતા અધૂરા રહ્યાં

જનકસિંહ ઝાલા

રાજકોટ તા.10 : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે રાજકોટ જિલ્લા પંચાયત તેમજ વિવિધ તાલુકા પંચાયતના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં કુલ 36 સીટો છે જેમાંથી 33 સીટો માટે ઉમેદવારો જાહેર કરાયાં છે જેમાં 19 મહિલા છે. 33 પૈકી 4 સીટ ઉપર ગત ટર્મના સભ્યોને ભાજપે રિપીટ કર્યા છે.

ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેળી ચૂંટણી સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચા બાદ પ્રદેશ મહામંત્રી અને મુખ્યમથક પ્રભારી ડો.પ્રશાત કોરાટ દ્વારા જે યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે તેમાં 17-કોટડાસાંગાણી બેઠક ઉપર યુવરાજ દેવકુભાઈ ખાટરિયાને ટિકીટ આપવામાં આવી છે. ઓબીસી અનામતનું રોટેશન ધરાવતી આ બેઠક ઉપર ગત ટર્મમાં અર્જુનભાઈ ખાટરિયા ચૂંટાઈ આવ્યાં હતાં. ચાર ટર્મના નિયમોને લીધે આ વખતે તેઓને ટિકીટ મળી નથી, યુવરાજ તેમનો કૌટુંબિક ભત્રીજા થાય છે તેઓ તાલુકા ભાજપમાં મહામંત્રી પણ છે. બેડી બેઠક ઉપર સુમિતાબેન ચાવડાને ભાજપે રિપીટ કર્યા છે. સુમિતાબેન અગાઉ જિલ્લા પંચાયતમાં મહિલા અને બાળ વિકાસ અને યુવા સમિતિના ચેરમેન રહી ચૂક્યાં છે. અનામતના રોટેશનને લીધે પોતાનો મતવિસ્તાર છોડીને આ બેઠક ઉપર પૂર્વ પ્રમુખ પ્રવિણાબેન રંગાણી સહિત અન્ય પૂર્વ પદાધિકારીઓએ પણ નજર દોડાવી હતી, જો કે તેઓની ઈચ્છાઓ ફળીભૂત થઈ શકી નથી. જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સવીતાબેન વાસાણીને પણ ભાજપે પીપરડી બેઠક ઉપર રિપીટ કર્યા છે.

વેરાવળ-34 બેઠક ઉપર ધમેન્દ્રભાઈ ટીલાળાને ટિકિટ આપવામાં આવી છે. ગત ટર્મમાં તેમના પત્ની ગીતાબેન ટીલારા આ બેઠક ઉપર સભ્ય તેમજ જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિના ચેરમેન હતાં. ધર્મેન્દ્રભાઈ અગાઉ કોટડા સાંગાણી તાલુકા પંચાયતના ચેરમેન રહી ચૂક્યાં છે. ભાજપે ભડલી બેઠક ઉપર અમરશીભાઈ ચૌહાણને ટિકિટ આપી છે. ગત ટર્મમાં તેમના પત્ની ગીતાબેન ચૌહાણ આ બેઠક પરથી ચૂંટણી જીત્યાં હતાં.

જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઈ બોદરની 14-ક્સ્તુરબાધામ બેઠક ઉપર આ વખતે ઓબીસી ત્રી અનામત આવતાં ભાજપે શ્રદ્ધાબેન મકવાણાને ટિકીટ આપી છે. શ્રદ્ધાબેનના પતિ ભરતભાઈ મકવાણા કોળી સમાજમાં સારું વર્ચસ્વ ધરાવે છે તેમજ અગાઉ તાલુકા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યાં છે. પૂર્વ કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજાની કોલીથડ બેઠક ઉપર ઓબીસી અનામત રોટેશન આવતા સામંતભાઈ બાંભવા ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. સામંતભાઈ ગોંડલ તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી છે.

બીજી તરફ જિલ્લા પંચાયતના શાસક પક્ષના પૂર્વ નેતા વિરલભાઈ પનારાની મોટી મારડ બેઠક ઉપર આ વખતે અનુસૂચિત જાતિ ત્રી અનામત બેઠકનું રોટેશન આવતા અંજુબેન મુછડિયાને ટિકીટ અપાઈ છે. અંજુબેનના પતિ મનસુખભાઈ ભાડેર ગામના પૂર્વ સરપંચ રહી ચૂક્યાં છે. તાલુકા પંચાયતમાં તેઓ સક્રિય છે. પૂર્વ કારોબારી ચેરમેન પ્રવિણભાઈ કિયાડાએ આ વખતે ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી હતી તેમની થાણાગાલોળ બેઠક ઉપર સામાન્ય ત્રી બેઠકનું રોટેશન આવતા સરોજબેન ઉંધાડને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વ ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગરને આ વખતે દેરડીના બદલે મોવિયા બેઠક પરથી ભાજપે ટિકીટ આપી છે.

અન્ય બેઠકોમાં આટકોટ બેઠક પર નિલેશ હિરપરા, આણંદપરમાં જસ્મીનભાઈ પીપળિયા, ભાડલામાં રમીલાબેન મેર, બોરડી સમઢીયાળામાં અમિતભાઈ ગોહેલ, ચરખડીમાં જલ્પાબેન મકવાણા, દડવીમાં કુંદનબેન માવલ, દેરડીમાં જયશ્રીબેન ચોવટિયા, ડુમિયાણીમાં ભારતીબેન હુંબલ, જામકંડોરણામાં પુષ્પાબેન રાદડિયા, કમળાપુરમાં કંચનબેન રાજપરા, કોલકીમાં સંગીતાબેન સોલંકી, પડધરીમાં રાધિકાબા જાડેજા, પાનેલીમોટીમાં સોનલબેન વાઘરિયા, પારડીમાં શિતલબેન ભૂવા, પેઢલામાં નરશીભાઈ સોજીત્રા, સાણથલીમાં હરેશભાઈ કચ્છી, સરપદડમાં જગદીશભાઈ પરમાર, સરધારમાં વિલાસભાઈ ઢાંકેચા અને શિવરાજગઢમાં લાલજીભાઈ તળાવિયાને, સુપેડીમાં પારુલબેન કણસાગરા, વિંછીયામાં લીલાબેન રાજપરા તેમજ વિરપુરમાં પૂનમબેન વઘાસિયાને ભાજપે ટિકીટ ફાળવી છે. હજુ કુવાડવા, બેડલા અને શિવરાજપુર બેઠક માટેના ઉમેદવારો જાહેર કરાયાં નથી. અલબત ઉપરોક્ત નામોમાં શીતલબેન ભૂવાનું નામ પારડી બેઠક ઉપરાંત લોધિકા તાલુકા પંચાયતના ઉમેદવારોમાં પણ હોવાથી આશ્ચર્ય સર્જાયું છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક